www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

RAJKOT : મનપાના પ્લોટમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ મૂકીને અનાવરણ કરી દેવાયું : તંત્ર અજાણ : રાજકીય વિવાદ


વોર્ડ નં.8ના નાના મવા રોડના ગાર્ડનમાં માત્ર ડો.ભરત બોઘરાના નામની તકતી લાગતા છ મહિને પડઘા પડયા! : તાત્કાલીક તકતી કાઢવા કોંગી નેતા મહેશ રાજપૂતની કમિશ્નરને ફરિયાદ

સાંજ સમાચાર

રાજકોટ, તા. 23
વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.8માં બીગબજાર પાછળ આવેલ નાના મવા રોડના એક ગાર્ડનમાં થોડા સમય પહેલા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા મૂકીને અનાવરણ કરવાના મામલે મોટો વિવાદ ઉભો થઇ ગયો છે. ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ડો.ભરતભાઇ બોઘરાના હસ્તે અનાવરણ કરાયાની તકતી મૂકાઇ હોય, કોર્પો.ની માલિકીના પ્લોટમાં કોની મંજૂરીથી પોતાના નામની તકતી ભાજપ નેતાએ મૂકી તેઓ સવાલ પ્રદેશ કોંગ્રેસ નેતા ડો.મહેશ રાજપૂતે ઉઠાવ્યો છે. 

આજે કોંગી નેતાએ મ્યુનિ. કમિશ્નરને ઓનલાઇન ફરિયાદ અરજી આપી છે. સાથે જ ડો.બોઘરાના નામ સાથેની તકતી હટાવી લેવા પણ માંગણી કરી છે. તો આ અગાઉ વિવાદમાં આવેલા પ્લોટમાં ગાર્ડન ડેવલપમેન્ટ, પ્રતિમા મૂકવા, તેના અનાવરણના કાર્યક્રમ સહિતના પ્રસંગોમાં કોર્પો. અજાણ હોય તેવી સ્થિતિ સ્થળ પર દેખાતા કોર્પો.ની ભૂમિકા સામે પણ સવાલ ઉભા થઇ ગયા છે. જેના પડઘા છ મહિના બાદ પડતા અનેક ચર્ચાઓ જાગી છે. સાથે જ સરદાર બાગ નામ કઇ રીતે અપાયું તેનો સવાલ પણ ઉઠયો છે.

આજે કોંગ્રેસ દ્વારા કમિશ્નરને કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, વોર્ડ નં.8માં નાના મવા રોડ ટચ સરદાર બાગ નામનો બગીચો આવેલો છે. મુળ આ પ્લોટ એસઇડબલ્યુએસ હેતુની આવાસ યોજનાનો છે. જેમાં ફેરફાર કરીને ગાર્ડન માટે જગ્યા રાખવા ઠરાવ કરાયો હતો. હવે આ પોશ એરીયામાં બનાવવામાં આવેલા સરદાર બાગમાં સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુનું તા.31-10-23ના રોજ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સ્ટેચ્યુ હેઠળ અનાવરણ કરનાર તરીકે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો.ભરતભાઇ બોઘરાના નામની તકતી મુકવામાં આવી છે. 

મહેશ રાજપૂતે સવાલ ઉઠાવ્યો છે કે આ રીતે કોર્પો.ના પ્લોટમાં મુકવામાં આવેલી તકતીમાં વ્યકિતગત નામ લખવામાં આવ્યું છે. જો કોર્પોરેશને આ અનાવરણ કરાવ્યું હોય તો મેયર અને કોર્પોરેશનના નામનો પણ ઉલ્લેખ હોવો જોઇએ. આ ઉલ્લેખ નથી તો કોની મંજૂરીથી ભાજપ નેતાના નામ સાથે તકતી મુકવામાં આવી છે. ભાજપ નેતાની આવી કેવી હિંમત કે પોતાનું નામ લખી નાખ્યું છે ? આ અંગે મેયર અને કમિશ્નરે જવાબ આપવો જોઇએ. 

વધુમાં કોંગી આગેવાને સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યુ મુકવા બદલ અભિનંદન આપ્યા છે પરંતુ ભાજપ નેતાએ પોતાનું નામ મૂકી દેતા તે તુરંત હટાવવા માંગણી પણ કરી છે. આ પ્રકરણમાં મોટો રાજકીય વિવાદ ઉભો થયો છે. કારણ કે કોર્પો.ની જગ્યામાં ભાજપ નેતાના નામની તકતી આવી છે.

લોકોએ ગાર્ડન ડેવલપ કર્યો છે, આમંત્રણ મળતા પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું : ડો.ભરત બોઘરા
બગીચો વિકસાવવા માટે લોકોએ જાતે ખર્ચ કર્યો છે-કોઇ ગ્રાન્ટ લીધી નથી
રાજકોટ, તા. 23

નાના મવા રોડના સરદાર બાગમાં સરદાર પટેલની પ્રતિમાના અનાવરણમાં ડો.ભરત બોઘરાનું નામ મુકવામાં આવતા ઉભા થયેલા વિવાદ વચ્ચે આ કોઇ સરકારી કાર્યક્રમ ન હતો તેવી સ્પષ્ટતા તેઓએ કરી છે. 

પ્રદેશ ભાજપ ઉપપ્રમુખે આ અંગે જણાવ્યું હતું કે આ ગાર્ડન લોકોએ ડેવલપ કર્યો છે. સરકારી તંત્ર પાસે કોઇ ભંડોળ લીધુ નથી અને કોર્પો.એ કોઇ ખર્ચ પણ કર્યો નથી. આ બગીચામાં લોકોએ જાતે ડેવલપેન્ટ કરી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા મુકી હતી.

31 ઓકટોબરે પ્રતિમાના અનાવરણ માટે તેમને લોકોએ નિમંત્રણ આપ્યું હતું. આથી તેઓએ પ્રતિમા ખુલ્લી મુકી હતી.  આમ મનપાના પ્લોટમાં લોકોએ ગાર્ડન વિકસાવી પ્રતિમા મૂકી છે. કોર્પો.ના પ્લોટમાં આ અનાવરણ લોકોના આમંત્રણથી કર્યાનું તેઓએ સ્વીકાર્યુ હતું.

Print