www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શેરબજાર-રીયાલીટી માર્કેટનો પરપોટો ગમે ત્યારે ફુટશે: 2008થી પણ મોટો કડાકો સર્જાશે


અમેરિકાના ટોચના અર્થશાસ્ત્રીની ચેતવણી

સાંજ સમાચાર

મુંબઇ, તા.11

દુનિયાભરના શેરબજારોમાં હાલમાં ઉત્સાહનું વાતાવરણ છે અને દોઢ દાયકા અગાઉ આવેલી મંદીને લોકો ભૂલી ગયા હોય તેવું લાગે છે. પરંતુ અમેરિકાના એક ટોચના ઈકોનોમિસ્ટે ચેતવણી આપી છે કે માર્કેટમાં 2008 કરતા પણ મોટો ઘટાડો આવશે. 2024માં જે સ્થિતિ છે તે 2025માં સાવ બદલાઈ જશે અને ઈન્વેસ્ટરો કરોડો ડોલરની ખોટ સહન કરશે એવું હેરી ડેન્ટ નામના ઈકોનોમિસ્ટ કહે છે.

હેરી ડેન્ટની વાતને એટલા માટે ગંભીરતાથી લેવામાં આવે છે કારણ કે ભૂતકાળમાં તેમણે માર્કેટ વિશે જે આગાહીઓ કરી હતી તે સાચી સાબિત થઈ હતી. હેરી કહે છે કે બધી જગ્યાએ અત્યારે બબલ એટલે કે પરપોટાની સ્થિતિ છે અને તે ફૂટશે ત્યારે તળિયું પણ નહીં મળે. તેમણે ચોખ્ખી ચેતવણી આપી છે કે મહામંદી કરતા પણ મોટો ક્રેશ આવી શકે છે.

તેઓ કહે છે કે 1925થી 1929 સુધી દુનિયાના બજારમાં એક નેચરલ બબલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેની પાછળ કોઈ સ્ટીમ્યુલસ ન હતું. પરંતુ હવે જે આવશે તે નવું હશે અને અલગ હશે. તેના જેવું અગાઉ ક્યારેય નથી બન્યું. 

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ સાથે સંકળાયેલા ઈકોનોમિસ્ટ હેરી ડેન્ટ કહે છે કે કોઈ પણ માર્કેટમાં મોટા ભાગના બબલ પાંચથી છ વર્ષ સુધી ટકે છે. પરંતુ અત્યારે બજારમાં જે પરપોટો સર્જાયો છે તે 14 વર્ષથી મોટો થતો જ જાય છે. તેથી હવે જ્યારે તે તૂટશે ત્યારે 2008 કરતા પણ મોટો કડાકો હશે. 2007-08ની નાણાકીય કટોકટી વખતે મોટી બેન્કો તૂટી પડી હતી અને નાણાકીય તંત્ર હચમચી ગયું હતું. આ વખતે તેનાથી પણ મોટી ઉથલપાથલ થઈ શકે છે.

હેરી ડેન્ટે ચેતવણી આપી છે કે એસ એન્ડ પી ઈન્ડેક્સ તેની ટોપ પરથી 86 ટકા ઘટી શકે છે અને નાસ્ડેકમાં 92 ટકા ઘટાડો થઈ શકે. એનવીડિયા જેવી કંપનીના ભાવમાં 98 ટકાનો ઘટાડો થઈ શકે છે. ડેન્ટ કહે છે કે રોકાણકારોને આ અસર આગામી વર્ષની શરૂઆતમાં અથવા મધ્યમાં જ દેખાવા લાગશે. તેઓ કહે છે હાઉસિંગ માર્કેટના કારણે એક મોટો પરપોટો થયો છે અને તે પણ ફૂટવાનો જ છે. તેમના કહેવા પ્રમાણે આ પરપોટો આટલો મોટો થયો તેના માટે અમેરિકન સરકાર જ જવાબદાર છે. અમેરિકાએ બબલને આટલું મોટું થવા દેવાની જરૂર ન હતી. ઈકોનોમી સારું પરફોર્મન્સ કરે તે માટે તેને કૃત્રિમ ડ્રગ અપાતું હોય તેવી સ્થિતિ છે. માનવીનું જીવન હોય કે ઈતિહાસ હોય આપણે હંમેશા જોયું છે કે અતિની ગતિ નથી હોતી.

 

Print