www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

છેલ્લા 16 ટ્રેડિંગ સેશનમાં ઇન્વેસ્ટરોની મૂડીમાં 44 લાખ કરોડનો તોતીંગ વધારો

શેરબજારે તમામ રેકોર્ડ તોડ્યા: સેન્સેક્સ 79000 - નિફટી 24000ને પાર


281 શેરો વર્ષની ઉંચાઇએ - 297માં તેજીની સર્કિટ: સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 500 પોઇન્ટથી વધુ ઉંચકાયો

સાંજ સમાચાર

રાજકોટ, તા.27
ભારતીય શેરબજાર એકધારી રેકોર્ડબ્રેક તેજીમાં દરરોજ નવી-નવી સપાટી સર થવા લાગી છે. આજે સેન્સેક્સ 79000 તથા નિફટીએ 24000ના લેવલ પાર કરીને નવો ઇતિહાસ રચ્યો હતો. છેલ્લા 16 ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અંદાજીત 7000 પોઇન્ટ વધ્યો છે અને ઇન્વેસ્ટરોની મૂડીમાં 44 લાખ કરોડનો વધારો થયો છે.

શેરબજારમાં આજે શરૂઆત નબળા ટોને રહ્યા બાદ પસંદગીના ધોરણે લેવાલીનો દોર શરૂ થઇ જતાં તેજીનો વળાંક આવી ગયો હતો. સંસદમાં રાષ્ટ્રપતિએ પોતાના ભાષણમાં સરકારના આગામી બજેટ વિશે પોઝીટીવ સંકેત આપતા સારી અસર થઇ હતી. ચોમાસુ ઝડપથી આગળ વધીને નવા ક્ષેત્રોમાં પ્રવેશ કરવા લાગ્યું છે.

ચોમાસાની સંતોષકારક પ્રગતિનો હકારાત્મક પ્રભાવ પડ્યો હતો. અર્થતંત્રનો વિકાસદર સારો રહેવાનો તથા આગામી મહિને કોર્પોરેટ પરિણામો અફલાતૂન આવવાનો આશાવાદ તેજીને ટેકારૂપ હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટમાં હવે બજેટના આશાવાદ પ્રેરિત તેજી છે. 

શેરબજારમાં આજે હેવીવેઇટ શેરો વધુ ઝળક્યા હતા. એચડીએફસી બેંક, હિન્દ લીવર, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ફોસીસ, જેએસડબલ્યૂ સ્ટીલ, કોટક બેંક, એનટીપીસી, પાવર ગ્રીડ, રીલાયન્સ, ટાટા મોટર્સ, ટીસીએસ, ટેક મહિન્દ્ર, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસીમ, વીપ્રો જેવા શેરો ઉછળ્યા હતા. બજાજ ફાઇનાન્સ, લાર્સન, મહિન્દ્ર, મારૂતી, શ્રીરામ ફાઇનાન્સ, કોલ ઇન્ડિયા, બજાજ ઓટો જેવા શેરોમાં ઘટાડો હતો.

મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 79000ની સપાટી પાર કરી ગયો હતો. 294 પોઇન્ટ ઉંચકાઇને 78968 સાંપડ્યો હતો તે ઉંચામાં 79240 તથા નીચામાં 78467 થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 81 પોઇન્ટના ઉછાળાથી 23949 હતો તે ઉંચામાં 24036 તથા નીચામાં 23805 હતો.

શેરબજારમાં ગત 4 જુને લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પ્રચંડ કડાકો સર્જાયો હતો પરંતુ તેના બીજા દિવસથી તેજી તરફી વળાંક લઇ લીધો હતો. આ ગાળામાં 16 ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં અંદાજીત 7000 પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે અને આ દરમ્યાન ઇન્વેસ્ટરોની સંપત્તિમાં 44.01 લાખ કરોડનો વધારો થયો છે.

શેરબજાર માટે 2024નું ચાલુ વર્ષ તેજીમય બની રહ્યું છે. સેન્સેક્સને 78000થી 79000 પહોંચવામાં માત્ર બે દિવસ થયા હતા. જ્યારે નિફટીને 23000થી 24000 થવામાં 23 દિવસ થયા છે.

શેરબજારમાં આજે 3947 શેરોમાં ટ્રેડિંગ થયું હતું તે પૈકી 1508માં ઉછાળો હતો. 281 શેરો વર્ષની નવી ઉંચાઇએ પહોંચ્યા હતા. 297માં તેજીની સર્કિટ લાગૂ પડી હતી.

 

Print