www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

45.5 ડીગ્રી સાથે સુરેન્દ્રનગર અગનગોળો: જુનાગઢમાં પણ 44.9


રાજયમાં ચાર સ્થળે 45 ડીગ્રી અને સાત જગ્યાએ 43 થી 44 વચ્ચે પારો નોંધાયો: રાજકોટમાં 43.9: ભાવનગરમાં વધુ એક મોત: લોકો ત્રાહિમામ..

સાંજ સમાચાર

રાજકોટ,તા.22
રાજકોટ સહિત રાજયભરમાં ગઈકાલે પણ સૂર્યદેવનું રૌદ્ર સ્વરૂપ યથાવત રહ્યું હતું. અને અનેક સ્થળોએ 44થી 45 ડીગ્રી મહતમ તાપમાન પહોંચી જતા લોકો ત્રસ્ત બન્યા હતા.

ગઈકાલે ચાર સ્થળોએ 45 ડીગ્રી ઉપર અને સાત સ્થળોએ 43થી 44 ડીગ્રી ઉપર મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. ખાસ કરીને ગઈકાલે પણ 45.5 ડીગ્રી સાથે સુરેન્દ્રનગર હોટેસ્ટ સિટી રહ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 45.2 ડીગ્રી અને અમદાવાદ એરપોર્ટ ઉપર 46.8 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. તેમજ અમરેલીમાં પણ 45, અને ગાંધીનગર ખાતે પણ 45 ડીગ્રી તાપમાનથી લોકો ત્રસ્ત બની ગયા હતા.

આ ઉપરાંત જુનાગઢમાં પણ 44.9 ડીગ્રી વડોદરામાં 44.2, ભાવનગરમાં 43.8, ભુજમાં 42.6, છોટા ઉદેપુરમાં 44.1, દાહોદમાં 44.6, ડીસામાં 43, તેમજ રાજકોટ શહેરમાં 43.9 ડીગ્રી અને સુરતમાં 42 ડીગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું. તેમજ ભાવનગરમાં ગરમીથી વધુ એકનું મોત થયું હતું. અને બે લોકો બેભાન થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે સોરઠમાં 2 વર્ષ 2019માં 28 એપ્રીલમાં તાપમાન 44.5ને પાર કરી ગયું હતું તે ફરી પાંચ વર્ષ બાદ તેનો રેકર્ડ તોડી આજે ગરમીનો પારો 44.9 ડીગ્રીએ ઉંચે પહોંચતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ઝાડા ઉલ્ટી ચકકર આવવાના બનાવો વધી રહ્યા છે. આકાશમાંથી અગનગોલાનો વરસાદ વરસી રહ્યો છે. બપોરના 11-30 બાદ સાંજના 5-30 સુધી સ્વયંભૂ કર્ફયુ હોય તેમ રોડ રતાઓ સુમસામ બની એકલ દોકલ વાહનો ટુ વ્હીલર ભાગ્યે જ જોવા મળી રહ્યા છે.

હજુ એક અઠવાડીયા સુધી સૂર્ય નારાયણનો પ્રકોપ આકાશમાંથી વરસી ગરમીનો પારો 45 ડીગ્રીને પાર કરી જશે તેમ જણાવાયુ છે. છેલ્લા 3 વર્ષમાં 2018 અને 2020, 21માં ગરમીનો પારો 40 ઉપર રહેવા પામ્યો હતો આ વર્ષ 2024માં તમામ રેકર્ડ તુટી જવા પામ્યો છે.

દરમ્યાન ભાવનગર પંથકમાં  ગરમીનું જોર યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આકરી ગરમીને કારણે જનજીવન પ્રભાવીત થયું છે. ભાવનગરના કાળાતળાવ ખાતે રહેતા ભરતભાઈ હીરાભાઈ વણકરઉ.વ.40 ને ગરમીના કારણે શ્વાસ ની તકલીફ થઈ હતી અને મુંજારો થતા તેને બેભાન હાલે હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં ફરજ પરના તબીબો એ તેને ચકાસી મૃત જાહેર કર્યા હતા .

જ્યારે શહેરમાં બે લોકોને લુ લાગવાથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડાયેલ છે જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ગરમીને કારણે નબળાઈ, ભૂખ ન લાગવી જેવા લક્ષણો પણ દર્દીઓમાં દેખાઈ રહ્યા છે.

ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 43.8ડિગ્રી નોંધાયું હતું જ્યારે  લઘુત્તમ તાપમાન 29.9 ડિગ્રી રહેવા પામ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 27% રહ્યું છે જ્યારે પવનની ઝડપ 14 કિ.મી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

દરમ્યાન હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હિટવેવની અસર યથાવત રહેશે. જેમાં અમદાવાદમાં હિટવેવ અને ઓરેન્જ એલર્ટ છે. તેમજ અમદાવાદમાં ગરમીનો પારો 44 થી 45 ડિગ્રી નોંધાશે. તથા સુરત, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, ભાવનગર, મહેસાણામાં હિટવેવની અસર રહેશે.

અમદાવાદ, સુરત, વલસાડ, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, ગાંધીનગર તથા સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જુનગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ રહેશે. રાજ્યવાસીઓ ગરમીમાં પ્રકોપથી શેકાશે. યલો એલર્ટ અમરેલી, નવસારી, કચ્છ, મહેસાણા તથા વડોદરામનાં રહેશે.

તથા જામનગર છેલ્લા 24 કલાકમાં  મહતપ તાપમાનનો પારો એક ટકા વધારા સાથે 37.5 ડિગ્રી પહોંચ્યું હતું.તેની સાથે પવનની ગતિ પ્રતિકલાક  12.4 કિમિ નોંધાઇ હતી.ફરી એકવાર ભેજનું પ્રમાણ 83 ટકા પહોંચ્યું છે.

શહેરમાં લઘુતમ તાપમાન 28.5 ડિગ્રી  અને મહતમ તાપમાન 37.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વાતાવરણમાં  ભેજનું પ્રમાણ 83 ટકા નોંધાયું હતું.પવનની ગતિ પ્રતિકલાક 12.4 કિમિ રહી છે. આમ ભેજનું પ્રમાણ  વધતા બફારાનું ગરમીનું  પ્રમાણ વધ્યું હતું.

જામનગર એક એવુ શહેર  છે ગુજરાતમાં જ્યા કાળઝાળ ગરમીમાં પણ  સાંજ પડે ગરમી રાહત આપે તેવો પવનના વાયરા શરૂ થઈ જાય છે. એટલું જ નહીં રાત્રીના સમયે લોકો  ઘરના એ. સી અને પંખાની હવા છોડીને કુદરતી હવાની મજા માણવા ડિકેવી સર્કલ,તળાવની પાળ, નવા બંદર રોડ ,જિલ્લા પંચાયત સર્કલ,  સહિતના વિવિધ બગીચાઓ ઉભરાઈ જાય છે.

Print