www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘નીટ’ ગોટાળામાં ટેરર ફંડિંગની આશંકા: ATS ત્રાટકયુ: નવા ખુલાસા


સીબીઆઈએ તપાસનો દોર હાથમાં લીધો: માત્ર પ્રશ્નપત્ર જ નહીં, જવાબ સાથેના પેપર પણ આગલા દિવસે ચોકકસ પરીક્ષાર્થીઓને મળી ગયાનો ધડાકો: અર્ધ સળગેલા પેપર પણ ઓરીજીનલ સાથે મેચ થઈ ગયા

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.24
મેડીકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ‘નીટ’ પરીક્ષામાં ગોટાળાના ઉહાપોહ વચ્ચે નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. બિહાર પોલીસે કબ્જે લીધેલા અર્ધ સળગેલા પેપર નીટના ઓરીજીનલ પેપર સાથે મેચ થઈ ગયાનો ધડાકો થયો છે. ઉપરાંત નીટનું ‘સોલ્વ’ કરાયેલુ પેપર પણ આગલા દિવસે મોબાઈલમાં ફરતુ થયુ હતું. આ પ્રકરણમાં ટેરર ફંડીંગની પણ આશંકા વચ્ચે એટીએસે ઝંપલાવ્યુ છે અને મહારાષ્ટ્રમાંથી એકની અટક કરવામાં આવી છે.

નીટ પેપર લીક કેસમાં મહારાષ્ટ્ર એટીએસ દ્વારા ચાર લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે તે પૈકી એકને લાતૂથી અટકાયત કરવામાં આવી છે. ટેરર ફંડીંગની આશંકા વચ્ચે એટીએસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે.

નીટ પરીક્ષા કેસની તપાસ હવે સીબીઆઈના હવાલે કરી દેવામાં આવી છે પરંતુ તે પુર્વે બિહાર આર્થિક ગુના નિવારણ શાખાની તપાસમાં વધુ નવા ઘટ્ટસ્ફોટ થયા હતા. પ્રારંભીક તપાસમાં જ એજન્સીએ આરોપીઓના રોકાણ પરથી અર્ધસળગેલા પેપર કબ્જે લીધા હતા. ઓરીજીનલ પેપર સાથે તે ચકાસાતા પ્રશ્ન નંબર સાથે અસલ પ્રશેનપત્રના પ્રશ્નો સાથે તે મેચ થઈ ગયા હતા.

સીબીઆઈને તપાસ સોંપાયા પુર્વે થયેલા આ ધડાકાનો રિપોર્ટ પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયને સોંપાયો હતો. અર્ધસળગેલા પ્રશ્નપત્રો ફોરેન્સીક સાયન્સ લેબની મદદથી ઓળખવામાં આવ્યા હતા અને તે અસલી પેપર સાથે જ મેચ થયા હતા. આ પ્રકરણમાં વધુ પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં પકડાયેલા લોકોની સંખ્યા 18ની થઈ હતી.

નીટની પરીક્ષાના દિવસે જ શકમંદોની ધરપકડ થઈ હતી અને આ જ દિવસે તેઓના રહેઠાણથી અર્ધસળગેલા પેપર કબ્જે લેવામાં આવ્યા હતા. પરીક્ષાનુ પેપર લીક થયુ હોવાના દ્દઢ સંકેતો અને પુરાવાને બિહાર પોલીસનો રિપોર્ટ સોંપાયા પછી જ તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કરાયો હતો.

દરમ્યાન એવો પણ ઘટ્ટસ્ફોટ થયો છે કે માત્ર પ્રશ્નપત્ર જ નહીં પરંતુ તમામ 200 પ્રશ્નોનો જવાબ સાથેના સોલ્વ કરાયેલા પેપરની પીડીએફ ફાઈલ પણ મોબાઈલમાં પહોંચી ગઈ હતી. આ મામલામાં ઝારખંડથી પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ‘સોલ્વર ગેંગ’નો સૂત્રધાર ફરાર છે. 5 મે ના રોજ નીટની પરીક્ષા હતી તેના આગલા દિવસે જ ‘સોલ્વર ગેંગ’ દ્વારા સંબંધીત પરીક્ષાઓને સોલ્વ કરેલુ પેપર મોબાઈલ પર મોકલાવ્યા હતા.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન શપથ લેવા પહોંચ્યા ત્યારે વિપક્ષે કહ્યું- NEET-NEET​, શેમ શેમ...
18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે. સૌપ્રથમ ગૃહમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું, ત્યારબાદ અગાઉના ગૃહના મૃત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પછી પીએમ મોદીએ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા. મોદી બાદ તેમની કેબિનેટના લોકસભા સાંસદોએ શપથ લીધા.

ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બપોરના ભોજન બાદ ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ. જ્યારે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું નામ શપથ માટે બોલાવવામાં આવ્યું ત્યારે વિપક્ષે NEET, શેમ શેમ્ હેવાનું શરૂ કર્યું. વિપક્ષે NEET પેપર લીક કેસમાં તેમના રાજીનામાની પણ માંગ કરી છે.

લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત પ્રોટેમ સ્પીકરે લંચ માટે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. લંચ બાદ સાંસદોની શપથવિધિ ફરી શરૂ થશે.

 

Print