www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટમાં કાળઝાળ તાપમાન અને લૂનો પ્રકોપ યથાવત: બપોરે અઢી કલાકે જ 43.6 ડીગ્રી તાપમાન પહોંચી ગયું


22 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા આગઝરતી લૂંનો પણ અનુભવ: આજે ફરી મહત્તમ તાપમાન 44 ડીગ્રીને પાર પહોંચે તેવી શકયતા

સાંજ સમાચાર

રાજકોટ તા.22
છેલ્લા એકાદ સપ્તાહથી રાજકોટવાસીઓ કાળઝાળ તાપમાનથી ત્રસ્ત બની ગયા છે ત્યારે આજરોજ પણ રાજકોટમાં ભયંકર તાપ અને આગ ઝરતી લુંનો પ્રકોપ યથાવત રહ્યો હતો.

સ્થાનિક હવામાન કચેરીના જણાવ્યા મુજબ આજરોજ બપોરે 2-30 કલાકે રાજકોટમાં 43.6 ડીગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું અને બપોરે હવામાં ભેજ 17 ટકા રહ્યો હતો. ત્યારે બપોરે પવનની ઝડપ 22 કિ.મી. પ્રતિકલાકની રહેતા લોકો આગઝરતી લુંથી તોબા પોકારી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આજરોજ ફરી એકવાર 44 ડીગ્રીની ઉપર તાપમાન નોંધાય તેવી પુરી શકયતા છે. કારણ કે બપોરે હવામાં ભેજ ઓછો રહ્યો હતો અને પવનની ઝડપ સામાન્ય કરતા વધુ રહી હતી.

દરમ્યાન આજરોજ સવારથી જ રાજકોટવાસીઓ ગરમીનો અહેસાસ કરવા લાગ્યા હતા. સવારે 8-30 કલાકે શહેરનું તાપમાન 31.6 ડીગ્રી અને લઘુતમ તાપમાન 26.2 ડીગ્રી રહ્યું હતું. જયારે સવારમાં હવામાં ભેજ 62 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 14 કિ.મી. રહેવા પામી હતી.

 

Print