www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એકઝીટ પોલ બાદ શેરબજારની હેરાફેરી અંગે TMCના સાંસદોની સેબી સાથે ચર્ચા


મોટી ઉથલપાથલ અંગે તપાસની માંગણી: પરિણામ બાદ બજાર તુટતા 30 લાખ કરોડનું ધોવાણ થયું હતું

સાંજ સમાચાર

મુંબઈ,તા.19
તૃણમુલ કોંગ્રેસના સાંસદોના એક પ્રતિનિધિમંડળે મંગળવારે મુંબઈમાં સિકયોરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે આ મહિનાની શરૂઆતમાં થયેલી કથિત હેરાફેરીની તપાસની માંગણી કરી હતી.

ટીએમસીના સાંસદો કલ્યાણ બેનર્જી, સાગરિકા ઘોષ અને સાકેત ગોખલેના આ પ્રતિનિધિમંડળની સાથે શિવસેના (યુબીટી)ના સાંસદ અરવિંદ સાવંત અને એનસીપી (સપા)ના પુર્વ એમએલસી વિદ્યા ચવ્હાણ પણ જોડાયા હતા.

લોકસભા ચૂંટણીનાં એકઝીટ પોલ દરમિયાન શેરબજારમાં અચાનક થયેલી વધઘટનાં કારણે વિપક્ષોએ મોદી સરકાર પર હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો. આ સાથે ઈન્ડિયા ગઠબંધનનાં સાથી પક્ષોએ શેરબજારમાં થયેલી ઉથલપાથલની તપાસની માંગ કરી છે.

અગાઉ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આંખ આડા કાન કર્યા હતા. લોકસભાની ચૂંટણીના પરિણામ પછી બજાર તૂટી જવાને કારણે રિટેલ રોકાણકારોને 30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. સાથે તેને સૌથી મોટા શેરબજાર કૌભાંડ તરીકે વર્ણવતા પીએમ અને ગૃહમંત્રી સીધા સંકળાયેલા હોવાનો આરોપ મુકયો હતો.

ભાજપે તેમના આરોપોને ‘પાયાવિહોણા’ ગણાવ્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના વડા મમતા બેનર્જીએ બનાવટી એકઝીટ પોલનો ઉપયોગ કરીને શેરબજારોમાં કેવી રીતે હેરાફેરી કરવામાં આવી તેની તપાસની માંગ કરી છે.

Print