www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

તપાસની ભીંસમાં ટીપીઓ સાગઠિયા ડિપ્રેશનમાં ગરકાવ


ક્રાઈમ બ્રાંચે ગેમઝોન આગ દુર્ઘટના બાદ ખોટી મિનિટ્સ નોટના ગુનામાં ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા, આ પૂર્ણ થશે પછી એસીબી કબ્જો લેશે

સાંજ સમાચાર

♦સાગઠિયાના વતન કમર કોટડામાં એસીબીની તપાસ, સ્થાવર-જંગમ મિલકતોનું ક્રોસ વેરિફિકેશન કર્યું : ટીપી શાખાના અધિકારી-કર્મચારીઓની પૂછપરછ યથાવત

♦પૂછપરછમાં શંકાસ્પદ જણાતી ફાઈલોમાં કોઈ ખાનગી એન્જીનીયર્સ, આર્કિટેક્સના નામો આવે તો તેને પણ બોલાવવા એસીબીની તૈયારી

રાજકોટ, તા.21
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા રાજકોટ મનપાના ટીપીઓ એમ. ડી. સાગઠિયા તપાસની ભીંસથી ડિપ્રેશનમાં ગરકાવ થઈ ગયા છે. ક્રાઈમ બ્રાંચે ગેમઝોન આગ દુર્ઘટના બાદ ખોટી મિનિટ્સ નોટના ગુનામાં ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. આ પૂર્ણ થશે પછી સાગઠિયાનો એસીબી કબ્જો લેશે. આમ લાંબી તપાસ પ્રક્રિયામાંથી સાગઠિયા પસાર થાય છે. 

બુધવારે એસીબીએ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર, વર્ગ-1, મનસુખભાઈ ધનાભાઇ સાગઠીયા, વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતની ફરિયાદ નોંધી હતી. એસીબીએ જણાવ્યું હતું કે, તા.1/4/2012થી તા.31/5/2024 ના સમયગાળાના ચેક પિરીયડ દરમ્યાન સાગઠિયા દ્વારા વસાવવામાં આવેલ મિલકતોની તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

જેમાં સાગઠિયાએ પોતાની કાયદેસરની આવક 2 કરોડ 57 લાખ 17 હજાર 359ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોનાં નામે કુલ રોકાણ અને ખર્ચ 13 કરોડ 23 લાખ 33 હજાર 323 કરેલાનું તપાસ દરમ્યાન ફલિત થયેલ છે. આમ, સાગઠિયાએ પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ.10 કરોડ 55 લાખ 37 હજાર 355ની વધુ સંપતિ વસાવેલાનું જણાઈ આવેલ છે. જે તેઓની આવકના પ્રમાણમાં 410.37 ટકાથી વધુ અપ્રમાણસર મિલકતો છે. એસીબીએ સાગઠિયાના ગુનામાં તપાસ આરંભી દીધી છે. જે પુરાવા મળ્યા છે, તેને ક્રોસ ચેક કરવા પ્રક્રિયા હાથ ધરી છે.

કઈ ફાઈલમાં ગેરરીતિ થઈ છે? કઈ ફાઇલમાં મલાઈ ઉતારી છે? વગેરે અંગે તપાસ થશે. સાગઠિયાની કાર્યરીતિ કેવી હતી? તે જાણવા એસીબી ટીપી શાખાના 15 અધિકારી-કર્મચારીઓની પૂછપરછ એસીબી કરી રહી છે. પૂછપરછમાં શંકાસ્પદ જણાતી ફાઈલો અલગ તારવવામાં આવી રહી છે. કે ફાઇલમાં ભ્રષ્ટાચાર થયો હોય એવું જણાશે તો, તેમાં કોઈ ખાનગી એન્જીનીયર્સ, આર્કિટેક્સના નામો આવે તો, તેને પણ બોલાવી પૂછપરછ કરવામાં આવી શકે છે. સાગઠિયાનું મૂળ વતન કમર કોટડા છે. જ્યાં પણ એસીબીએ તપાસ કરી હતી. સ્થાવર-જંગમ મિલકતોનું ક્રોસ વેરિફિકેશન કર્યું હતું. 

હાલ સાગઠિયા ક્રાઈમ બ્રાંચના કબ્જામાં છે. તેની વિરૂદ્ધ અગ્નિકાંડમાંથી બચવા પોલીસ તપાસમાં ખોટી મિનિટ્સ નોટ રજૂ કરી હોવાનો ગુનો અલગથી દાખલ થયો હતો. જેમાં ક્રાઈમ બ્રાંચે જેલમાંથી તેનો કબ્જો લીધો હતો. તે હાલ રિમાન્ડ પર છે. એક સાથે ચોતરફથી સાગઠિયાના ગુનાહિત કૃત્યો ખુલતા અને એક બાદ એક ગુનાઓ નોંધાવા લાગતા સાગઠિયા ડિપ્રેશનમાં આવી ગયેલ છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ડિપ્રેશનના કારણે તે તપાસમાં સહકાર આપી રહેલ નથી. પોલીસે પણ ખૂબ જાળવીને રિમાન્ડ લેવા પડી રહ્યા છે. 

જોકે આ રિમાન્ડ પૂર્ણ થતાં સાગઠિયા જેલમાં જશે તો ફરી એસીબી તેનો કબ્જો લઈ શકે છે. જેથી એસીબીની કાર્યવાહી માટે પણ સાગઠિયાએ તૈયાર રહેવું પડશે.

Print