www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નવાગામમાં મારૂતી એન્ટરપ્રાઈઝમાંથી થયેલ ટીવી અને હોમ થીયેટરની ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર ઝડપાયા


શોરૂમમાંથી 10 ટીવી અને બે હોમ થીયેટર તસ્કરો ઉઠાવી નાસી છુટયા’તા: કુવાડવા રોડ પોલીસે ગણતરીની કલાકોમાં નવાગામના ચાર શખ્સોને દબોચી રૂા.2.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

સાંજ સમાચાર

રાજકોટ તા.1
 નવાગામમાં આવેલ મારૂતી એન્ટરપ્રાઈઝના શો રૂમમાંથી થયેલ રૂા. અઢી લાખના ટીવી અને હોમ થીયેટરની ચોરીનો ભેદ કુવાડવા રોડ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નવાગામના જ ચાર શખ્સોને ઝડપી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 બનાવ અંગેની વિગત મુજબ નાનામવા રોડ પર જીવરાજ પાર્કમાં સ્પીડવેલ હાઈટ્સમાં રહેતા વિવેકભાઈ રજનીકાંતભાઈ ચનીયારા (ઉ.29)એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓને નવાગામમાં મારૂતી એન્ટરપ્રાઈઝ નામનો શોરૂમ ધરાવે છે

જેમાં તેઓ ઈલેકટ્રોનીકસ વસ્તુઓનું વેચાણ કરે છે. ગઈ તા.29ના તેઓ શોરૂમ બંધ કરી ઘરે ગયા બાદ બીજા દિવસે પરત ફરતા શોરૂમનું તાળુ તૂટેલુ હતું અને અંદરથી 10 ટીવી બે હોમ થીયેટર, બે સાઉન્ડ બાર મળી કુલ રૂા.2.50 લાખનો મુદામાલ કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયાનું જાણવા મળતા ફરીયાદ નોંધાવી હતી.

 બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ વી.આર. રાઠોડ અને ટીમે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પીએસઆઈ અજય નિમાવત અને ટીમને મળેલ ચોકકસ બાતમીના આધારે શોરૂમમાંથી ચોરી કરનાર હેમાંગ જગદીશ ઝીંઝુવાડીયા (ઉ.19) સુનીલ રણછોડ મોરવાડીયા (ઉ.20) દર્શન જાદવ ગોધાણી (ઉ.21) અને ભાવીન વિનોદ મોરવાડીયા (ઉ.19) રહે. તમામ નવાગામને ગણતરીની કલાકોમાં દબોચી ચોરીમાં ગયેલ તમામ રૂા.2.50 લાખનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી. પૂછતાછમાં તસ્કરોએ જણાવ્યું હતું કે તેઓએ મોજશોખ માટે રૂપિયા ઘટતા ચોરી કરી હતી.

Print