www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગેરપ્રવૃત્તિઓ રોકવામાં નહીં આવે તો સરકારે દર ત્રણ મહિને ઇમ્પેકટ ફીનો કાયદો લાવવો પડશે..

ગેરકાયદે બાંધકામો બદલ આર્કિટેકટસ અને એજન્ટો સામે પગલા લો : હજુ સરાજાહેર નિયમોના ભંગ


ત્રણ એસો.એ જ અવાજ ઉઠાવ્યો : લાયસન્સ વગરના સેટીંગવાળા લોકોને હાંકવાની જરૂર : સીવીલ એન્જી., ઇન્ટીરીયર ડિઝાઇનર, આર્કિટેકટ ઇન્સ્ટીટયુટ સોમવારે કમિશ્નરને રજૂઆત કરશે

સાંજ સમાચાર

રાજકોટ, તા. 27
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગની દુ:ખદ ઘટનામાં સરકારની તપાસ અને હાઇકોર્ટની સતત ફટકાર વચ્ચે મનપાનાં બેજવાબદાર અધિકારીઓની ધરપકડની કાર્યવાહી હજુ ચાલી રહી છે. ફાયર અને ટીપી શાખાના વડાની મુખ્ય જગ્યાઓ ખાલી થઇ ગઇ છે અને કામગીરી ઉપર પણ અસર પડી રહી છે ત્યારે રાજકોટના ઇન્ટીરીયર ડિઝાઇનર, સીવીલ એન્જીનીયર્સ અને આર્કિટેકટ ઇન્સ્ટીટયુટે મ્યુનિ. કમિશ્નરને પત્ર લખીને હજુ પણ ગેરકાયદે બાંધકામો ચાલુ હોવાનું અને દલાલ જેવા લાયસન્સ વગરના લોકો અધિકારીઓ સાથે ગોઠવણ કરીને નિયમ વિરૂધ્ધના કામો કરતા હોવાની ફરિયાદ કરી છે. 

રાજકોટના જવાબદાર એસો.ના પ્રતિનિધિઓએ તાજેતરમાં આ પત્ર પાઠવ્યા બાદ હવે આગામી સોમવારે કમિશ્નરને રૂબરૂ રજુઆત કરશે તેમ જણાવ્યું છે ત્યારે શહેરમાં આટલી મોટી ઘટના અને ગેરકાયદે બાંધકામો છતાં આજ સુધી કોઇ આર્કિટેકટ સામે કેમ પગલા લેવાયા નથી તેવો હિંમતભર્યો સવાલ કરીને તંત્રની બેદરકારી અને ઢીલી નીતિ પણ ઉઘાડી પાડી છે. 

એસો. ઓફ કન્સ્ટલ્ટીંગ સીવીલ એન્જીનીયરના ગૌરવ સોલંકી અને નિશાંત દોમડીયા, ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઇન રાજકોટ ચેપ્ટરના હરેશ પરસાણા અને રચેશ પીપળીયા, ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ આર્કિટેક સૌરાષ્ટ્ર સેન્ટરના મૌતિક ત્રિવેદી અને પ્રતિક મિસ્ત્રીએ તેમના એસો. વતી કમિશ્નરને સંબોધેલો પત્ર ઇન્વર્ડ નંબર 1693થી પાઠવ્યો છે. જેની નકલ મુખ્યમંત્રી, ધારાસભ્યો, મંત્રી, સાંસદ, મેયરને પાઠવી છે.

આ પત્રમાં તેઓએ જણાવ્યું છે કે, ગત મહિને ટીઆરપી ગેમઝોનમાં આગની દુ:ખદ ઘટના બનતા ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ગેમઝોનમાં ગેરકાયદે બાંધકામ હોવાનું ખુલ્યુ હતું. પરંતુ આ બનાવ બન્યા બાદ પણ છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા ગેરકાયદે બાંધકામો હજુ બેરોકટોક ચાલુ છે. આવા બાંધકામો તાત્કાલીક અટકાવી તેની સામે જરૂરી કડક કાર્યવાહી કરવા શહેરના હિતમાં વિનંતી કરી છે. જો આ પ્રમાણે ચાલતા ગેરકાયદે બાંધકામો અટકશે નહીં તો ઇમ્પેકટ ફીનો કાયદો દર ત્રણ મહિને અમલમાં મુકવાનો વખત આવશે. 

ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશનમાં જે આર્કિટેકટ, એન્જીનીયર, પ્લાન પાસ કરાવવાવાળા દલાલો તથા જેમની પાસે લાયસન્સ નથી કે અન્ય કોઇ લાયસન્સ ધારકના નામે પ્રેકટીસ કરે છે તેમને રોકવાની જરૂર છે. જેઓ વધુ ખોટુ બાંધકામ  કરાવી આપે તેમનું તંત્રમાં ઘણા વર્ષોથી વર્ચસ્વ છે. છેલ્લા ઘણા વર્ષોથી તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં પ્રોત્સાહન આપવામાં આવે છે. આ બાબત ધ્યાનમાં લઇ કડક પગલા લેવામાં આવે તો જ શહેરના હિતમાં કાર્યવાહી કરેલી ગણાશે. આ રીતે આવા બાંધકામો માટે જવાબદાર અને દલાલ જેવી ભૂમિકા નિભાવતા લોકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરાઇ છે. 

છેલ્લા ઘણા સમયથી આવા બાંધકામો કરતા અને કરાવતા આર્કિટેકટસ સામે પગલા લેવા રજુઆતો થઇ રહી છે.  પૂર્વ કમિશ્નરે નોટીસો પણ આપી હતી. પરંતુ ઘણા વર્ષોથી રાજકોટમાં આવી પ્રવૃતિ ચાલતી હોવા છતાં લાયસન્સ  કયારે રદ કરવામાં આવ્યું હતું તે ઘણાને તો યાદ પણ નથી. હવે જયારે ખુદ સીવીલ એન્જી. એસો.એ કડક પગલા લેવાની માંગણી કરી છે ત્યારે અત્યાર સુધી મહાપાલિકા તંત્ર આર્કિટેકટસ સામે કેમ કાર્યવાહી કરતું નથી તે સવાલ ફરી સપાટી પર આવ્યો છે. 

દાયકા પહેલા આર્કિટેકટનું લાયસન્સ સસ્પેન્ડ થયું હતું : આજે પણ નામચીન ત્રિપુટી સક્રિય
ગેરકાયદે બાંધકામોનો રાફડો છતાં કોર્પો.ના ચોપડે આર્કિટેકટસ દૂધે ધોયેલા!
રાજકોટ, તા. 27

પૂર્વ કમિશ્નર અજય ભાદુના કાર્યકાળમાં દાયકા અગાઉ એક આર્કિટેકટનું લાયસન્સ ભારે વિવાદો બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. આમ છતાં આ આર્કિટેકટ સહિતની ત્રણેક શખ્સોની ટોળકી હજુ મનપામાં દલાલની જેમ તમામ સેટીંગ કરતા હોવાની ફરિયાદો નવા કમિશ્નર સુધી પહોંચી છે. 

દસેક વર્ષ અગાઉ એક કેસમાં ખુબ ચર્ચાસ્પદ આર્કિટેકટનું લાયસન્સ કમિશ્નરે સસ્પેન્ડ કર્યુ હતું. આ બાદ આવો કોઇ દાખલો રાજકોટમાં બેઠો નથી. એટલે કે કોર્પો.ના ચોપડે તમામ આર્કિટેકટ દૂધે ધોયેલા છે! જે તે વખતે જે આર્કિટેકટનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું તેમાં આ શખ્સ કોર્પો.ના નકલી કમ્પલીશન સહિતના કાગળો 
બનાવીને સિકકા પણ મારી દેતો હોવાનું બહાર આવ્યું હતું. તેના કબ્જામાંથી કોર્પો.ના સિકકા પણ મળ્યા હતા. 

આ સમયે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી થઇ હતી પરંતુ આટલી ગંભીરતા છતાં ભલામણના કારણે આર્કિટેકટ સામે ફરિયાદ થઇ ન હતી. આમ છતાં તેના લાયઝન કામ કોર્પો.માં ચાલુ છે. ટીપી સહિતની શાખામાંથી દલાલોને હાંકવા  સીવીલ એન્જી. એસો.એ પણ માંગ કરી છે ત્યારે કમિશ્નરે આવી ત્રિપુટીને કોર્પો.માં નોએન્ટ્રી ફરમાવવી જોઇએ તેવું  ખાલી થઇ ગયેલી ટીપી શાખમાં ચર્ચાઇ રહ્યું છે.

Print