www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામ્યુકોની રેલવે ઉપર તવાઇ: મુખ્ય કચેરી અને ઇજનેરના બંગલાને કર્યા સીલ


1981 થી આજ સુધીનો રૂા.34.92 કરોડનો ગંજાવર રકમનો વેરો ભરપાઇ કરવામાં રેલવે દ્વારા દાખવાયેલી ઉદાસીનતાનો પડઘો: 2009 માં સુપ્રિમ કોર્ટમાં પણ મહાનગરપાલિકા તરફે આવ્યો હતો ચુકાદો: વર્ષો સુધી માત્ર પત્ર વ્યવહાર ચાલ્યા બાદ ગત્ વર્ષે કરાયેલ એમ.ઓ.યુ.માં રેલવેએ વેરો ભરવા લેખિત બાહેંધરી આપી હતી: ખાત્રી પછી પણ સાત માસ સુધી રેલવેએ ફદિયું પણ ન ચુકવતા આખરે જામનગર મહાનગરપાલિકાની ટેક્સ શાખાએ કરી લાલઆંખ: જી.જી.હોસ્પિટલ રોડ પર આવેલ રેલવેની મુખ્ય વહીવટી કચેરી અને બે ઇજનેરના બંગલાનો હિસ્સો કર્યો સીલ

સાંજ સમાચાર

જામનગર તા.29: જામનગર મહાનગરપાલિકાને મિલકત વેરા કે સર્વિસ ચાર્જ પેટે કરોડો રૂપિયાની વસુલાત બાકી છે ત્યારે સામાન્ય નાગરિકોની માફક સરકારી વિભાગ પાસે પણ હવે કડક ઉઘરાણી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આશરે 35 કરોડની બાકી વસુલાત ન થતી હોવાના કારણે સૌથી મોટા બાકીદાર એવા રેલવે વિભાગની હોસ્પિટલ રોડ ઉપર આવેલ એક કચેરી અને બે ઇજનેરના બંગલાને આજે મહાનગરપાલિકાની ટીમે સીલ લગાવી દેતાં ચકચાર જાગી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસુલાત માટે વારંવાર વ્યાજ માફી યોજના બહાર પાડવામાં આવે છે. આ ઉપરાંત પ્રમાણિક કરદાત્તાઓ માટે એડવાન્સ ટેક્સ રિબેટ યોજના પણ જાહેર કરવામાં આવે છે. આમ છતાં કરવેરા નહીં ભરનાર લોકોને નોટીસ અને વોરંટની બજવણી કર્યા બાદ પણ વસુલાત જ થતાં મિલકત જપ્તીના પગલાં લેવામાં આવે છે. પરંતુ વર્ષો પછી જામનગર મહાનગરપાલિકાએ સરકારી વિભાગ સામે આકરૂં વલણ બતાવ્યાનું આજે સામે આવ્યું હતું.

આસી. કમિશનર (ટેક્સ) જીજ્ઞેશ નિર્મળની આગેવાની હેઠળની વેરાશાખાની ટીમે રૂપિયા 34.92 કરોડની તોતીંગ રકમની ઉઘરાણી આવતી ન હોવાના કારણે આજે રેલવે સામે મિલકત જપ્તીનું પગલું લીધું હતું. જી.જી.હોસ્પિટલ રોડ ઉપર આવેલ રેલવેના અધિકારીની કચેરીને સીલ કરાયા બાદ આ કચેરીથી 200 મીટર દૂર આવેલ રેલવેના બે ઇજનેરોને રહેવા માટે ફાળવાયેલ બંગલાનો અમુક હિસ્સો આજે સીલ કરી દેવામાં આવ્યો હતો. સરકારી અધિકારીનું રહેણાંક હોય થોડી રહેમ દાખવી સમગ્ર બંગલો સીલ કરાયો નથી. પરંતુ તેનો હિસ્સો સીલ કરાયો છે તેમ જાણવા મળે છે.

આ અંગે આસી. ટેક્સ કમિશનર જીજ્ઞેશ નિર્મળે જણાવ્યું હતું કે, 1981 થી રેલવે પાસે મિલકત વેરાના વિકલ્પે સર્વિસ ચાર્જ લેવાનો બાકી રહે છે. આ અંગે 200 થી વધુ વખત લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી હોવા છતાં આ રકમ વસુલ આવતી ન હતી. 2009 માં સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોએ પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને વેરો ચુકવવો પડે. આ ચુકાદા પછી પણ રેલવેએ આ રકમ ચુકવવાની દરકાર લીધી ન હતી.

અનેક પત્ર વ્યવહાર પછી 2023 માં રેલવે અને મહાનગરપાલિકા વચ્ચે સમજૂતી કરાર થયો હતો અને તેમાં રેલવેએ વેરો ભરપાઇ કરવાની લેખિત બાંહેધરી આપી હતી. આ કરાર થયાને પણ સાત માસ જેટલો સમય વિતી ગયો છતાં રેલવે તરફથી એક રૂપિયો પણ ભરવામાં ન આવતા સામાન્ય કરદાત્તાઓની માફક રેલવે સામે પણ મિલકત જપ્તીની કાર્યવાહી શરૂ કરવાની મહાનગરપાલિકાને ફરજ પડી છે. જામનગર મહાનગરપાલિકાની હદ્દમાં રેલવેની કુલ 23 મિલકતો છે અને આજ સુધીમાં રૂા.34.92 કરોડની માતબર રકમ બાકી બોલે છે. આગામી સમયમાં રેલવેની અન્ય મિલકત સામે પણ જપ્તીની કાર્યવાહી થઇ શકે છે.

Print