www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૌરાષ્ટ્ર-કચ્છમાં આગ ઓકતું આકાશ : અમદાવાદમાં તાપમાને રેકોર્ડ તોડયો


8 વર્ષનું સૌથી ઉંચુ 46.6 ડિગ્રી ઉષ્ણતામાન : સુરેન્દ્રનગર 45.9, અમરેલી 44.4, રાજકોટ 43.8 ડિગ્રી સાથે ધગધગ્યા : કર્મચારી મંડળે સરકાર પાસે કામમાંથી મુકિત માંગી : હિટવેવમાંથી હજુ કોઇ રાહત નહીં

સાંજ સમાચાર

રાજકોટ, તા. 24
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં આ વર્ષે ગરમીએ બોકાસો બોલાવી દીધો છે. ગઇ કાલે તો અમદાવાદમાં 46.6  ડિગ્રી સાથે 8 વર્ષનો રેકોર્ડ તોડતા લોકોએ અગનવર્ષાનો અનુભવ કર્યો છે. તો ગાંધીનગરમાં પણ 43 ડિગ્રી પર પારો હતો.  સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે અમરેલીમાં 44.4, ભાવનગર 42.2, ભુજ 42.8, રાજકોટ 43.8 અને સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. 

ગુજરાતભરમાં છેલ્લા દસ દિવસથી અલગ અલગ વિસ્તારમાં હિટવેવની અસર જોવા મળી રહી છે. અમદાવાદ 46.6 ડિગ્રી ગરમી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. તો ગાંધીનગરમાં 46 અને સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી સાથે પાંચ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર ગયો છે. આ ઉપરાંત રાજકોટમાં 43.8 ડિગ્રી ગરમી નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

હાલ એવી સ્થિતિ છે કે રાત્રે પણ અસહ્ય ગરમી અને ગરમ પવનનો અહેસાસ થઈ રહ્યો છે. રાત્રે 12 વાગ્યા સુધી ગરમ પવન લાગતા લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે તેમજ સામાન્ય જનજીવનને અસર થઈ રહી છે.

હવામાન વિભાગ દ્વારા પણ સૌ કોઇને બને ત્યાં સુધી બપોરના સમયે બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. ગરમીને કારણે અનેક લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે. હવામાન વિભાગે 25 મે સુધી ઓરેન્જ એલર્ટી જાહેર કરી છે અને આગામી દિવસોમાં ગરમીનો પારો વધે તેવી આગાહી કરી છે. ત્યારે કર્મચારીઓનું આરોગ્ય જોખમાય નહીં તે હેતુથી સમગ્ર ગજરાત રાજ્યના તાબા હેઠળની સરકારી, અર્ધ સરકારી, ગ્રાંટ ઇન એઇડ કચેરીમાં હીટ વેવ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને આગામી સપ્તાહમાં જાહેર રજા આપવા માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

અમરેલી
રાજયના હવામાન વિભાગની આગાહી મુજબ તા. 25 સુધી રાજયના મોટા ભાગના જિલ્લાઓમાં વિસ્તારોમાં હિટવેવ-ઉષ્ણ લહેર (ગરમ પવન) રહેશે. કામગીરી શરૂ હોય તેવી કન્સ્ટ્રકશન સહિતની વિવિધ સાઈટ પર શ્રમિકો કામ કરતાં હોય તે તમામ સાઈટ પર બપોરે 12 થી સાંજે 4 વાગ્યા સુધી કામગીરીમાં વિરામ આપવામાં આવે અને તેમને ચૂકવવામાં આવતા વેતનમાંથી કપાત ન થાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

ગરમીથી બચવા માટેના જરૂરી તમામ પગલાઓ ભરવામાં આવે. લુ ન લાગે અને લુ લાગવાથી થતી અસરોથી બચી શકાય તે માટેના આવશ્યક પગલાંઓ ભરવા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર-અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ યાદીમાં અનુરોધ કર્યો છે. 

ભાવનગર
ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર યથાવત રહ્યું છે.  બપોરે તીવ્ર ગતિએ પવન ફૂંકાયો હતો. બપોરે ગરમ લૂ હે ફેંકાઈ હતી. ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી રહ્યું હતું જ્યારે લઘુતમ તાપમાન 30.6 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 30 ટકા રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 30 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.

જામનગર
જામનગરમા આજે મહતમ તાપમાન 37.5 ડિગ્રી નોંધાયું હતું.લઘુતમ તાપમાનનો પારો બીજા દિવસે પણ 28.5 ડિગ્રી રહ્યું હતું જયરે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 85 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક  16.6 કિમિનોંધાઇ હતી.

જામનગરમાં ઉનાળાએ અસલ મિજાજ દેખાડતા ગરમીનું  પ્રમાણ વધ્યું છે. લઘુતમ તાપમાનમાં એક ડીગ્રીનો વધારો નોંધાતા નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે અને ભરબપોરે જરૂરી કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

Print