www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મેદાની ભાગો તો ઠીક, કાશ્મીર-હિમાચલ પણ ગરમીની લપેટમાં: જમ્મુમાં 41 ડીગ્રી

સૂર્યનારાયણ લાલચોળ! રાજસ્થાનમાં તાપમાન 50 ડીગ્રીને પાર


ચૂરૂમાં તાપમાન 50.3 ડીગ્રી નોંધાયુ: હજુ 3-4 દિવસ હીટવેવ રહેશે: દિવસે જ નહીં, રાત્રે પણ લૂ ફુંકાવાની ચેતવણી: ગુજરાત સહિતના રાજયોમાં તાપમાન 46થી48.5 ડીગ્રી

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.23
ભયાનક ગરમીમાં સપડાયેલા ભારતના મોટાભાગના રાજયોને હીટવેવની હાલતમાંથી કોઈ રાહત મળતી નથી અને તાપમાનનો પારો વધુને વધુ ઉંચે ચડતો રહ્યો હોય તેમ રાજસ્થાનમાં પારો 50 ડીગ્રીને પાર થઈ ગયો હતો. વિશ્વના સૌથી ગરમ 15 શહેરોમાં 10 શહેરો માત્ર ભારતના રહ્યા છે. ભીષણ ગરમીનો કહેર હજુ યથાવત જ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ભારતના અનેકભાગો અત્યાધિક-પ્રચંડ ગરમીની ઝપટે ચડયા છે ત્યારે રાજસ્થાનમાં તાપમાન 50 ડીગ્રીને પાર થઈ ગયુ હતું. સમગ્ર દેશનું સૌથી ગરમ રાજય બન્યુ હતું. રાજસ્થાનના ચૂરૂમાં તાપમાન 50.3 ડીગ્રી નોંધાયુ હતું. ગંગાનગરમાં 48.8 ડીગ્રી તથા બિકાનેરમાં 48.4 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.

હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી તથા પશ્ચિમી ઉતરપ્રદેશમાં પ્રચંડ ગરમીનો દોર હજુ ત્રણ-ચાર દિવસ ચાલુ રહેવાની ચેતવણી જારી કરવામાં આવી છે. પ્રચંડ ગરમી તથા લૂની થપાટથી લોકો આકુળ-વ્યાકુળ બની ગઈ છે.

ચંદીગઢમાં દિવસની સાથોસાથ રાત્રે પણ લુ ફુંકાવાની ચેતવણી આપવામાં આવી છે. રાતનું તાપમાન પણ ઉંચુ રહેવાના સંજોગોમાં કૃષિક્ષેત્રને વ્યાપક નુકશાન થવાની ભીતિ છે.

ભીષણ ગરમીથી મેદાની ભાગો ઉપરાંત પર્વતીય ક્ષેત્રો પણ પ્રભાવિત થવા લાગ્યા છે. હિમાચલ પ્રદેશમાં આકરી ગરમીથી જળસંકટ સર્જાવા લાગતા કર્મચારીઓની રજા રદ કરીને ટેન્કરો મારફત પાણી પહોંચાડવાના આદેશ કરાયા છે.

રાજસ્થાનમાં પ્રચંડ ગરમીને પગલે સચિવ-કલેકટરોથી માંડીને તમામ સ્ટાફશ્રી રજા રદ કરવામાં આવી છે. ટ્રાફિક સિગ્નલો તથા માર્ગો પર લોકોને સૂર્યતાપથી બચાવવા ટેન્ટ લગાવવામાં આવ્યા છે.

કાશ્મીરમાં પણ પર્વતોથી માંડીને મેદાનો સુધી આકરી ગરમીની હાલત છે. જમ્મુનુ તાપમાન પણ 41 ડીગ્રી નોંધાયુ હતું. 28 મે સુધી તાપમાન ઉંચુ રહેવાની ચેતવણી આપીને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.

પંજાબ ભયંકર ગરમીની ચપેટમાં છે અને રાત્રે પણ લૂ વરસવાની ચેતવણી આપવામાં આવી છે. રાજયમાં છ જીલ્લામાં તાપમાન નોર્મલ કરતા છ ડીગ્રી વધુ નોંધાયુ હતું.

Print