www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મુસ્લિમ સમાજની 9 છાત્રાઓએ અરજી કરેલી

મુંબઈની કોલેજોમાં હિજાબ પરનો બાન હટાવવાની માંગ બોમ્બે હાઈકોર્ટે ફગાવી


હિજાબ પર પ્રતિબંધનો હેતુ સમાન ડ્રેસ કોડ લાગુ કરવાનો: કોલેજની સ્પષ્ટતા

સાંજ સમાચાર

મુંબઈ તા.27
મુંબઈની એક કોલેજ દ્વારા કેમ્પસમાં હિઝાબ, બુરખો અને નકાબ પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ બાબતને લઈને મુસ્લિમ સમુદાયની નવ વિદ્યાર્થીનીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની પર સુનાવણી કરતી વખતે બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મુંબઈની કોલેજોમાં હિઝાબ, બુરખા અને નકાબ પરનો પ્રતિબંધ હટશે નહીં.

જસ્ટીસ એ.આર.ચંદુરકર અને જસ્ટીસ રાજેશ પાટીલની બેન્ચે કહ્યું કે કોલેજ દ્વારા લેવાયેલા નિર્ણયમાં કોર્ટે દખલ કરવા ઈચ્છતી નથી. આ સાથે હાઈકોર્ટે હિઝાબ, બુરખા અને નકાબ પરના પ્રતિબંધને હટાવવા માટે બીએસસીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

વિદ્યાર્થીનીઓએ આ મહિનાના આરંભમાં હાઈકોર્ટમાં અરજી કરીને ચેમ્બર ટ્રોમ્બે એજયુકેશન સોસાયટી સંચાલીત એનજી આચાર્ય અને ડીકે મરાઠે કોલેજના નિર્ણયને પડકાર્યો હતો. જેમાં હિઝાબ, નકાબ, બુરખા, ટોપી પહેરવી અને કોઈ પ્રકારના બેઝ લગાવવા પર પ્રતિબંધ લગાવતો ડ્રેસ કોડને લાગુ કર્યો હતો.

અરજી કરનાર વિદ્યાર્થીનીઓએ દાવો કર્યો હતો કે આ નિયમ તેમના ધર્મ પાલન કરવાના મૌલિક અધિકાર, પ્રાઈવસીનો અધિકાર અને પસંદના અધિકારનો ભંગ કરે છે.

આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોલેજની કાર્યવાહી મનસ્વી, અનુચિત, કાયદા મુજબ ખોટી અને વિકૃત હતી. અરજદારોના વકીલ અલ્તાફ ખાને ગત સપ્તાહે પોતાન આ દાવાના સમર્થનમાં કુરાનની કેટલીક આયાતોનો હવાલો આપ્યો હતો કે હિઝાબ પહેરવો ઈસ્લામ ધર્મનો અનિવાર્ય હિસ્સો છે.

જયારે કોલેજ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે તેમના પરિસરમાં હિઝાબ, નકાબ અને બુરખો પહેરવા પર પ્રતિબંધ એક સમાન ડ્રેસ કોડ લાગુ કરવા માટે છે, પરંતુ અમારો ઉદેશ્ય મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવાનો નથી.

 

 

Print