www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભંગારની ફેરી કરતાં 22 વર્ષીય યુવાનની થયેલ હત્યાના બનાવમાં આરોપી પોલીસના હાથવેંતમાં


ગઈકાલે ઘરેથી ફેરી કરવાં નીકળેલો વિનોજ રફુચા ગુમ થયાં બાદ તેની રૈયાધાર ડ્રિમ સીટી નજીકથી લાશ મળી ’તી: યુનિવર્સિટી પોલીસ સહિત એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ આદર્યો

સાંજ સમાચાર

♦હત્યાના બનાવમાં એક જ શખ્સ હોવાનું સામે આવતાં પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા

રાજકોટ. તા.01
ગઈકાલે ઘરેથી ફેરી કરવાં નીકળેલો 22 વર્ષીય યુવાન ગુમ થયાં બાદ તેની રૈયાધાર ડ્રિમ સીટી નજીકથી હત્યા કરેલ લાશ મળતાં ખળભળાટ મચી ગયો હતો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી સહિતની ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો. દરમિયાન પોલીસને હત્યાના બનાવમાં સફળતા મળી હતી અને સીસીટીવીમાં એક શખ્સ નજરે પડતાં તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

બનાવ અંગે રૈયાધારમાં રાધે શ્યામ ગૌશાળા પાસે મચ્છુનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં  હિરાબેન દિનેશભાઈ ચેલાભાઈ રાફુચા (ઉ.વ. 40) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં બે દિકરા છે. જેમા મોટો દિકરો વિનોજ (ઉ.વ.22) અને નાનો દિકરો જીતુ (ઉ.વ.15) છે. તેણીને પતિ સાથે અણબનાવ બનતા બારેક વર્ષથી  રાજકોટમાં તેમના છોકરા સાથે મુકી અમદાવાદમાં મકરબા ગામમાં રહે છે. વિનોજના લગ્ન ચાર વર્ષ પહેલા સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા મેઠાભાઈની દિકરી હેતલ સાથે કરેલ હતાં. તેને સંતાનમાં એક બે વર્ષની દિકરી છે. પત્ની સાથે વિનોજને અણબનાવ થતા છેલ્લા સાત-આઠ મહિનાથી તેણી તેના માવતરે જતી રહેલ છે. 

ફરિયાદીનો પુત્ર વિનોજ તેના નિત્યક્રમ પ્રમાણે સવારના આઠથી નવ વાગ્યાની વચ્ચે ઘરેથી પેડલ રીક્ષા લઈ શહેરની સોસાયટીઓમાં ફરી ભંગાર ભેગો કરી બપોરના ભંગારના ડેલે ભંગાર વેચી અને એક દોઢ વાગે ઘરે આવતો રહે અને સાંજના અમારા ઘર પાસે આવેલા કવાર્ટરમાં તેના મિત્રો સાથે બેસવા જવાનું કહી જતો હોય છે. તેમજ રાતના સમયે તેમનો દીકરો ઘરે હોય ત્યારે ફોનમાં કોઈ સાથે વાતો કરતો હોય છે પરંતુ પૂછવાથી કોની સાથે વાત કરે છે તે જણાવતો ન હતો.

ગઈ તા. 29/06/2024 ના સવારના સાડા આઠેક વાગ્યે વિનોજ પેડલ રિક્ષા લઈ ભંગારની ફેરી માટે ગયેલો હતો. ત્યારબાદ તેણી દીકરાના કપડા લેવા માટે શનિવારીમાં માર્કેટયાર્ડ પાસે ગયેલી અને કપડાં લઈ બપોરના દોઢેક વાગ્યે ઘરે આવેલ હતાં. દરમિયાન તેમનો દીકરો વિનોજ ઘરે આવેલ ના હોય જેથી દીકરીને પાડોસમાં રહેતા બહેન રેખાના ઘરે મોકલેલ અને તેણીએ ફોન કરતાં વિનોજે કહેલ કે, માલ વેચીને આવું છું.

બાદમાં  બે કલાક બાદ પણ મારો વિનોજ ઘરે ના આવતા પાડોશી ના ફોનમાંથી ફોન કરાવતા ફોન સ્વીચ ઓફ બતાવેલ હતો. બાદમાં તેઓ તેમની બહેન સાથે રામાપીર ચોકડીએ આવેલ ભંગારના ડેલે ગયેલ તો ત્યાં ડેલો બંધ હોય અને તેના માલિક સાથે વાત કરેલી તો કહેલ કે, વિનોજ અહીં આવેલ નથી જેથી સગાને જાણ કરી બોલાવી આખી રાત તેની શોધખોળ કરેલી પરંતુ તેનો ક્યાંય પતો લાગેલ નહીં, બાદમાં  સવારે પોલીસ સ્ટેશનમાં પુત્ર ગુમ થયાની જાણ કરેલ હતી.

ત્યારબાદ તેણી સંબંધી સાથે પુત્રને શોધતા હતા  ત્યારે બપોરના સમયે ડ્રીમ સિટી રસ્તાની બાજુમાં ખાલી પ્લોટમાં વિનોજની પેડલ રીક્ષા ત્યાં પડેલ હતી. બાદમાં આજુબાજુમાં તપાસ કરતા ત્યાં રોડ ઉપર આવેલા કચરાના ઢગલા તથા બાવળના ઝાડી ઝાંખરાવાળા પ્લોટમાં અંદર શોધતા વિનોજના ચપ્પલ ત્યાં પડેલ હોય અને બાજુમાં કપડું ઓઢાલેળ કંઈક પડેલ હોય જેથી કપડું દૂર કરતા તેમનો દીકરો મોઢાના તથા માથાના ભાગે લોહી લુહાણ હાલતમાં મૃત હાલતમાં પડ્યો હતો. બાદમાં તેઓના સબંધીએ 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે યુવાનને મૃત જાહેર કર્યો હતો.

ત્યારબાદ યુનિવર્સિટી પોલીસને જાણ થતાં પીઆઈ જે.એમ.કૈલા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસની મદદથી યુવકની હત્યા નિપજાવનાર શખ્સો સુધી પહોંચવા તપાસ હાથ ધરતાં સીસીટીવી ફુટેજમાં એક શખ્સ દેખાતો હોવાનું સામે આવતાં પોલીસે તેની શોધખળ હાથ ધરી હતી અને પોલીસ સૂત્રોએ આરોપી હાથવેંતમાં હોવાનું જણાવ્યું હતું.

Print