www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બસનો બારોબાર વહીવટ કરી નાખી, કલર, બોડી, ટાયર બધું બદલી છેતરપીંડી કરાઈ


3 મહિના સુધી પોલીસે ગુનો ન નોંધતા બસ માલિક વિક્રમ ડાંગરે પોલીસ કમિશનરને રજુઆત કરી

સાંજ સમાચાર

રાજકોટ, તા.22
રાજકોટમાં બસનો બારોબાર વહીવટ કરી નાખી, કલર, બોડી, ટાયર બધું બદલી છેતરપીંડી કરાઈ હોવાનો આક્ષેપ થયો છે. 3 મહિના સુધી પોલીસે ગુનો ન નોંધતા બસ માલિક વિક્રમ ડાંગરે પોલીસ કમિશનરને રજુઆત કરી છે.

રજુઆતકર્તા વિક્રમભાઈ વભાભાઈ ડાંગર (ઉં.વ. 25, રહે. નરસીનગર શેરી નં. 7 નો ખુણો, મંચ્છાનગર, રાજકોટ)એ પોલીસ કમિશનરને કરેલી ફરિયાદ અરજીમાં જણાવ્યું કે, આરોપીઓએ અમારી માલીકીની બસનું સ્વરૂપ બદલી તેમાંથી કિંમતી ચીજવસ્તુ ચોરી લીધેલ છે. વધુમાં કહ્યું કે, સ્લીપર બસ જેના નંબર જી.જે03 એ એકસ 0393 છે. ત્રણેક મહિના પહેલા બસ આરોપી મયુરને ચલાવવા માટે આપેલ. આ મયુર બસ પરત કરતો નહોતો અને બસના પૈસા પણ આપતો નહોતો. તપાસ કરતા આ બસ ચોટીલા રહેતા ભગીરથસિંહ ધાંધલ અને રોહીત ખાચરને આ મયુરે આપી દીધી હોવાનું જાણવા મળેલ.

એ બંને આરોપીઓનો સંપર્ક કરતા આરોપીઓએ જણાવેલ કે, મયુર પાસેથી અમે બસ લઈ લીધેલ છે. અને બસ દેવાની થાતી નથી. તમારાથી થાઈ તે કરી લેજો. જેથી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.21/4/24 ના રોજ ફરીયાદ આપેલ. પછી બંને આરોપીના નીવેદનો લીધેલ. મેં મારી બસ માલિકીના આધાર તરીકે આર.ટી.ઓ.ની બુક રજુ કરેલ. ચોટીલાના બંને આરોપીએ બસ પરત કરી દેશું તેવું નિવેદન આપેલ. પણ બસ પરત ન આપતા  તા.29/4/24 ના રોજ ફરી વિગતવાર પોલીસને રજુઆત કરેલ. તપાસનીશ પોલીસ અધિકારીએ ફરી તા.10/5/24 ના રોજ રોપીઓનું નિવેદન લીધું. ફરી આરોપીઓએ બસ પરત કરવા ખાતરી આપી. પણ બસ પરત ન કરી. અમે ફરી બી. ડિવિઝન પોલીસમાં અરજી કરી પણ ગુનો દાખલ ન થયો. 

અમારી માલીકીની બસ ચોટીલાના આરોપીઓએ મધ્યપ્રદેશ મોકલેલ અને ત્યાં આર.ટી ઓ. તેમના ડ્રાઈવર આશીષ વાળા પાસે કાગળો માંગેલ કાગળો નહીં આપતા બસ જપ્ત કરેલ. આરટીઓનો મેમો ડ્રાઈવરને આપેલ. જે મેમો આરોપીઓએ બી. ડિવિઝન પોલીસ સ્ટેશને આપેલો. તપાસનીશ અધીકારીએ અમને ફોન કરી બોલાવી મેમો આપી. તમારી બસ મધ્યપ્રદેશ પીટોલ ચેક પોસ્ટ પાસે પડેલ છે. તેમ કહી મેમો અમને આપેલ. જોકે, ત્યાં જઈ જોયું તો અમારી ગુલાબી કલરની બસ હતી અને તેમાં કષ્ટભંજન પણ લખેલ હતું. તે બધુ જ કાઢી નાખેલ હતુ અને બસનો કલર બદલી નાખેલ હતો. ચેક કરતા તેની આખી બોડી ચેન્જ કરી નાખેલનું જણાયેલ.

નવા ટાયર કાઢી, જુના ટાયર ચડાવેલ જોવા મળ્યા. પતરા ટુટી ગયેલા હતા અંદરથી વસ્તુ કાઢી નાખેલ. મશીન બદલાવી જુનુ મશીન નાખી દીધેલ હોવાનું જોવા મળેલ હતું. પોલીસે સતત 3 મહિના સુધી ગુનો ન નોંધાતા અને તાત્કાલીક બસ કબ્જે ન કરતા, આરોપીઓએ અમારી બસના સ્વરૂપમાં સંપૂર્ણ પણે ફેરફાર કરી મોટો આર્થિક લાભ મેળવી અમને મોટુ નુકશાન કરેલ છે.

ફરિયાદીએ આક્ષેપ કરેલ છે કે, પોલીસે આરોપીઓની મદદ કરેલ છે. તેથી જવાબદાર અધિકારી અને આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવે. જાણવા મળ્યું છે કે, આ અંગે ડીસીપીને રજુઆત થતા હવે આ બનાવમાં કઈ રીતે ગુનો બને છે તે જાણવા કાયદા અધિકારીની મદદ લીધી છે.

Print