www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટ્રેનમાં ઉપલી બર્થ ખુલી જતા નીચે બેઠેલા કેરળના વૃદ્ધનું મૃત્યુ


અપર બર્થની સાંકળ ખોટી રીતે લગાવી દેવાથી બર્થ ખુલી ગયાનો રેલવેનો ખુલાસો

સાંજ સમાચાર

કોચી (કેરળ) તા.27
કેરળથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રેલવેમાં મુસાફરી દરમિયાન એક 60 વર્ષીય વૃદ્ધ અકસ્માતે ઘાયલ થયા હતા અને તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

હકીકતમાં મુસાફરી દરમિયાન ટ્રેનના કોચમાં અન્ય મુસાફર દ્વારા બર્થની સાંકળ ખોટી રીતે લગાવી દેવામાં આવી હતી. રેલ્વે પોલીસે બુધવારે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પીડિત મુસાફર એસ-6 કોચની સીટ નંબર 57 (નીચલી બર્થ) પર મુસાફરી કરી રહ્યા હતા.

પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘અપર બર્થની સાંકળ ખોટી રીતે લગાવી દેવાના કારણે ઉપરની બર્થ અચાનક ખુલીને નીચે પડી ગઈ હતી. રેલવે પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે બર્થ ક્ષતિગ્રસ્ત હાલતમાં નહોતી કે છુટી થઈ ગઈ હતી.

નિઝામુદીન સ્ટેશન પર અધિકારીઓ દ્વારા સીટની તપાસ પણ કરવામાં આવી હતી. આ ઘટના 16 જૂને બની હતી જયારે કેરળના અલી ખાન સી તેમના મિત્ર સાથે ટ્રેન નંબર 12645 એર્નાકુલમ-હઝરત નિઝામુદ્દીન મિલેનિયમ સુપરફાસ્ટ એકસપ્રેસ સ્લીપર કોચની નીચેની બર્થ પર મુસાફરી કરી રહ્યા હતા.

જયારે ટ્રેન તેલંગાણાના વારંગલ જિલ્લામાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ઉપરની બર્થ અચાનક ખુલીને પડી જતાં તેઓને ગરદનના ભાગે ઈજા થઈ હતી. તેમને પહેલા રામાગુંડમની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં તેમને હૈદરાબાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં તેનું 24 જૂને સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. રેલવે પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Print