www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવાના મામલે બે શાળાના આચાર્યનો ખુલાસો પુછાયો


સાંજ સમાચાર

જામનગર તા.28

જામનગરમાં ધોરણ-1 ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન અન્ય બાળકો પાસે શાળાના શિક્ષકોએ મજુરી કરાવ્યાના ફોટા વાયરલ થયા બાદ સમગ્ર મામલે બંને શાળાના આચાર્યોને સાત દિવસમાં ખુલાસો કરવા શાસનાધિકારીએ નોટીસો આપતા શિક્ષણ જગતમાં બાળકો પાસે વેઠ કરાવવાની વૃત્તિવાળા શિક્ષકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

કોર્પોરેશનની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 44 શાળાઓમાં તા.26ના રોજ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં વામ્બે આવાસ યોજના પાસે આવેલી શાળા નંબર 22/33 અને હિમાલય સોસાયટીમાં આવેલી શળા નંબર 31/57માં કાર્યક્રમ અગાઉ ઉભા પંખા ઉપડાવીને ગોઠવડાવવામાં આવ્યા હતા.

આ જ રીતે સારી-સારી સ્ટીલની ખુરશીઓ, પાથરણા મુકાવવામાં આવ્યા હતા અને તેને ગોઠવવા શિક્ષકો દ્વારા સુચના આપવામાં આવી હતી. આ રીતે બાળકો પાસે વેઠ કરાવતા સરકારી શિક્ષકોના કરતુત સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ ગયા બાદ શિક્ષણ સમિતિ પાસે મામલો પહોંચ્યો હતો. તેથી આ અંગે શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ દ્વારા બંને શાળાના આચાર્યો પાસેથી 7 દિવસમાં વિસ્તૃત ખુલાસા સાથે અહેવાલ માંગવામાં આવ્યો છે. કમિશનર, ડેપ્યુટી મેયર સહિતના મહેમાનોને વેલકમ કરવા માટે વિદ્યાર્થીઓ પાસે વેઠ કરાવવાનો મુદ્દો ચકચારી બન્યો છે.

Print