www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બમ બમ ભોલેના નાદથી યાત્રાઓનું પ્રથમ જૂથ અમરનાથ પહોંચ્યું


પહેલગામ અને બાલટાલ રૂટથી કડક સુરક્ષા વચ્ચે પ્રથમ જૂથે બર્ફાની બાબાના દર્શન કરી ધન્યતા અનુભવી: પ્રથમ જૂથને ઉપરાજયપાલ મનોજ સિંહાએ શુભકામના સાથે વિદાય આપી હતી: દરેક તીર્થયાત્રીઓમાં રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફીકેશન ફરજીયાત

સાંજ સમાચાર

બાલટાલ (જમ્મુ-કાશ્મીર) તા.29
બર્ફાની બાબા અમરનાથના દર્શને તીર્થયાત્રીઓનું પ્રથમ જૂથ આજે પવિત્ર અમરનાથની ગુફાએ બાબા અમરનાથના દર્શન માટે રવાના થઈ ગયુ હતું. બમ બમ ભોલેના જયઘોષની સાથે શનિવારે ભકતોને બાબા અમરનાથના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું હતું.

શુક્રવારે સવારે જમ્મુથી બમ બમ ભોલે અને જય બાબા બર્ફાનીના જયઘોષ લગાવતા ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 4603 શ્રદ્ધાળુઓ કાશ્મીર જવા રવાના થયા હતા, જે મોડી સાંજ કાજી ગુંડની નવયુગ ટનલથી થઈને બાલટાલ અને પહેલગામ આધાર શિબિરમાં પહોંચ્યા હતા. આ પહેલા ઉધમપુરની ટેકરીના કાલીમાતા મંદિરમાં જૂથનું પ્રથમ સ્વાગત થયું હતું. દેશભરમાંથી આવેલા શિવભકતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આધાર શિબિર ભગવતીનગર જમ્મુથી શુક્રવારે સવારે 5.25 વાગ્યે અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેન તેમજ ઉપરાજયપાલ મનોજસિંહાએ વૈદિક મંત્રોચારણ દરમિયાન ઝંડી દેખાડીને પ્રથમ જૂથને રવાના કર્યુ હતું. તેમાં તીર્થયાત્રીઓની સાથે સાધુ-સંતો પણ સામેલ હતા. એલજીએ તીર્થયાત્રીઓને સુરક્ષિત, ધન્ય અને આધ્યાત્મિક રૂપે સમૃદ્ધ યાત્રા માટે શુભકામનાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે બાબા અમરનાથના આશિર્વાદ બધાના જીવનમાં શાંતિ, ખુશી અને સમૃદ્ધિ લાવે.

આ દરમિયાન ભાજપ નેતા દેવેન્દ્રસિંહ રાણા, પુર્વ મેયર રાજેન્દ્રસિંહ, મહંત રામેશ્ર્વરદાસ, ધાર્મિક સંગઠનોના જનપ્રતિનિધિ, નાગરિક પ્રવાસન, પોલીસ, સુરક્ષા દળ, અમરનાથ શ્રાઈન બોર્ડના વરિષ્ઠ અધિકારી, ગણમાન્ય નાગરિક અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા. દરેક તીર્થયાત્રીઓ માટે આરએફઆઈડી કાર્ડ ફરજિયાત: સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રત્યેક યાત્રી માટે રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફીકેશન (આઈએફઆઈડી) કાર્ડ અનિવાર્ય છે તેના વિના કોઈપણ યાત્રીને આગળ વધવાની મંજુરી નથી. દક્ષિણ કાશ્મીરના પહેલગામના નુનવળી રૂટથી પવિત્ર ગુફાનું અંતર 32 કિલોમીટર છે.

યાત્રીના રૂટ પર સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા
યાત્રા જે પણ વિસ્તારમાંથી પસાર થવાની છે ત્યાં સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. યાત્રા શરુ થાય તે પહેલા જ જવાનો દ્વારા મોક ડ્રિલ પણ કરવામાં આવી હતી. ગયા વર્ષે 4.5 લાખ યાત્રાળુઓએ અમરનાથ યાત્રામાં ભાગ લીધો હતો. ત્યારે આ વર્ષે સંખ્યા વધવાની શકયતાઓ છે.

બીએસએફના ડીજી નિતીન અગ્રવાલે પણ સુરક્ષાનો મોરચો સંભાળ્યો હતો. અગ્રવાલ જમ્મુમાં સુરક્ષા વ્યવસ્થાની તપાસ માટે બે દિવસની મુલાકાતે છે. આ પહેલા દિલ્હીમાં ગૃહમંત્રી અમીત શાહ દ્વારા અમરનાથ યાત્રા તેમજ આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જે દરમિયાન સુરક્ષાને લઈને ચર્ચા થઈ હતી. જે જમ્મુથી અમરનાથ યાત્રા શરૂ થાય છે ત્યાં આ મહીને જ મોટા આતંકી હુમલાની ઘટના સામે આવી હતી.

Print