www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હાથીખાનામાં જર્જરિત બંધ મકાનનો આગળનો ભાગ ચાલુ વરસાદમાં ધસી પડયો : વધુ એક દુર્ઘટના સર્જાતા રહી ગઇ


પરિવાર અન્યત્ર રહેવા ચાલ્યો ગયો હતો : ફાયર બ્રિગેડે જોખમી બાંધકામ હટાવીને ફરી નોટીસ લગાવી

સાંજ સમાચાર

રાજકોટ, તા.1
શહેરના સૌથી જુના વિસ્તારો પૈકીના એક એવા હાથીખાના વિસ્તારમાં અગાઉ પણ જર્જરીત અને જોખમી જાહેર કરાયેલા બંધ મકાનનો આગળનો ભાગ ધીમા વરસાદમાં ધસી પડતા સવારમાં ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડયો હતો. જોકે મકાનમાં કોઇ રહેતુ ન હોવાથી કોઇ દુર્ઘટના સર્જાઇ ન હતી. 

આ બનાવ અંગે જાણવા મળેલી વિગત મુજબ હાથીખાના મેઇન રોડ પર શેરી નં.3ના ખુણે એક જર્જરીત મકાન આવેલું છે. આ મકાનમાં હાલ કોઇ રહેતુ નથી. આ જોખમી મકાનનો આગળનો ખુણો એકાએક સવારે તૂટી પડતા કાટમાળનો ઢગલો થઇ ગયો હતો.

આ સમયે રસ્તા પરથી કોઇ પસાર થતું ન હતું. આથી કોઇ અકસ્માત થયો ન હતો. પરંતુ બનાવની જાણ થતા ફાયર સ્ટાફ દોડી ગયો હતો. આ જગ્યાનો કાટમાળ હટાવી, જર્જરીત ભાગ પૂરેપૂરો હટાવવાની કામગીરી કરી હતી. 

તંત્રને જાણવા મળ્યું હતું કે આ જગ્યાએ પાંચેક વર્ષ પહેલા ગોહેલ પરિવારના ચાર સભ્યો ભાડેથી રહેતા હતા. તેઓ અન્યત્ર રહેવા ચાલ્યા જતા મકાન બંધ હતું. અગાઉ પણ બાંધકામ શાખાએ આ મકાનને જર્જરીત અને જોખમી જાહેર કરીને નોટીસ આપેલી છે.

આથી આ મકાન ખાલી કરી દેવામાં આવ્યું હતું. સાથે જ આજે ફરી આ મકાનમાં કોઇએ અવરજવર ન કરવી અને સાવચેત રહેવું તેવી સૂચના લગાડી દેવામાં આવી છે. 

આ રીતે જુના રાજકોટમાં અનેક જર્જરીત મિલ્કતો વચ્ચે આ એક મકાનનો જુનો ભાગ તૂટવાની ઘટના બનતા આવા વિસ્તારોમાં ફરી તાત્કાલીક સર્વેની જરૂર હોવાનો મત છે.

Print