www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સાધુએ સમાધીની ચીમકી આપ્યાં બાદ પોલીસે ગુનો નોંધ્યો


કુવાડવા રોડ, હરીહર ઉદાસીન આશ્રમના મહંત સુરજદાસ બાપુ પર 18 દિવસ પહેલાં ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો

સાંજ સમાચાર

રાજકોટ તા.21
શહેરના હરીહર ઉદાસીન આશ્રમના મહંત પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. બાદ ગુનો ન નોંધાતા સાધુએ સમાધિ લેવાની ચિમકી આપ્યા બાદ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહિ કરી હતી.આશ્રમમાં ચણતરનું કામ શરૂ હોય જે બાબતે ઝઘડો થતાં સાધુને માર માર્યો હતો. 

મળતી વિગત મુજબ ફરિયાદી સુરજદાસ ગુરુ નિરવૈયદાસજી (ઉ.વ 80, રહે.હરીહર ઉદાસીન આશ્રમ, શ્રીબદ્રીનાથ મહાદેવનુ મંદીર ફોરજીંગ ફોરની સામે, તીરૂપતી સોસાયટીની પાછળ લાલપરી નદીના કાંઠે,રાજકોટ) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું છેલ્લા 35 વર્ષથી આશ્રમ ખાતે સેવા પુજા પાઠ કરૂ છું. ગત તા: 03/06/24 ના સવારના દસેક વાગ્યાની આસપાસ હું હરીહર આશ્રમ ખાતે હતો. જ્યાં અમારા આશ્રમનું ચણતર કામ ચાલુ હતુ. જે ચણતર કામ કરવાં સાહિલ તેમજ અજાણ્યો કારીગર હરીહર આશ્રમ ખાતે આવેલ. આશ્રમમાં કામ કરતા હતા .

દરમિયાન મેં સાહીલને  દીવાલની એક નાની પાળી કરવાનું કહેલ. ત્યારે સાહિલે મને કહેલ કે આ કામ બાબતે મારે મારા કોન્ટ્રાકટરને પુછવુ પડશે. જેથી મે કહેલ કે તેમાં ચણતર કામ બાબતે શું પુછવાનું આપણે તો ચણતર કામ કરવાનું જ છે. જે બાબતે સાહિલ અને બીજો અજાણ્યો કારીગર બન્ને ઉગ્ર થઈને મારી સાથે ઝઘડો કરવા લાગેલ. અને સાહિલે પાવડા વડે માર મારેલ.અને અજાણ્યાં કારીગરે લોખંડની ચેઈન મને વાહાના ભાગે મારેલ. જેથી હું દોડીને આશ્રમના અંદરના ભાગે જઈને બારણું બંધ કરી દિધેલ. તેવામાં ત્રીજો અજાણ્યો શખ્સ પણ ત્યાં આવી આ ત્રણેય  દરવાજો તોડીને ત્રીજા અજાણ્યા શખ્સે મને ઢીકા પાટુનો માર મારેલ.

બાદ આ શખ્સો નાસી ગયા હતા. થોડી વારમાં સેવક આવી જતા 108 ને જાણ કરી 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં સારુ જણાતાં તબીબે રજા આપી હતી. તે સમયે પોલીસે નિવેદન લીધું હતું પણ આગળ કોઈ કાર્યવાહિ કરી ન હતી. ત્રણેય શખ્સો સામે કોઈ પગલાં ન લેવાતાં મહંતે પોલીસ કમિશ્નર કચેરીમાં 11 જુને અરજી કરી હતી. અને મહંતે સમાધિ લેવાની ચિમકી આપી હતી. બાદ ગઈ કાલે બી ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

Print