www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ્રેમિકાએ રિલેશન તોડી નાખવાનું કહેતા યુવકની બુદ્ધિ બગડી: કહ્યું બર્થ ડે માં 10 હજાર ખર્ચ કર્યો, પૈસા પાછા દે નહિતર સંબંધ રાખવો પડશે


પરાણે સંબંધ રાખવા યુવક દબાણ કરતો હોય, યુવતીએ મહિલા હેલ્પલાઈન 181 માં કોલ કરતા અભયમ ટીમે પ્રેમીની શાન ઠેકાણે લાવી

સાંજ સમાચાર

રાજકોટ, તા.1
રાજકોટમાં પાગલ પ્રેમીનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકાએ રિલેશન તોડી નાખવનું કહેતા યુવકની બુદ્ધિ બગડી હતી અને તેને કહ્યું કે, બર્થ ડે માં 10 હજાર ખર્ચ કર્યો, પૈસા પાછા દે નહિતર સંબંધ રાખવો પડશે. પરાણે સંબંધ રાખવા યુવક દબાણ કરતો હોય, યુવતીએ મહિલા હેલ્પલાઈન 181 માં કોલ કરતા અભયમ ટીમે પ્રેમીની શાન ઠેકાણે લાવી હતી.

આ કિસ્સાની વિગત અનુસાર, રાજકોટની એક યુવતીએ મહિલા હેલ્પલાઇન 181માં ફોન કરી જણાવેલ કે, તેને એક યુવક સાથે પ્રેમ સબંધ હતો. તે યુવક હવે પરાણે સંબંધ રાખવા માટે હેરાન કરે છે. આથી રાજકોટ રેસકોર્સ લોકેશનના 181 ટીમના કાઉન્સેલર કાજલ પરમાર, કોન્સ્ટેબલ સેજલબેન તથા પાઇલોટ હિમાંશુભાઈ યુવતીએ આપેલ સરનામે પહોંચ્યા હતા.

અને યુવતીની વ્યથા સાંભળેલ હતી. ત્યારે જાણવા મળેલ કે, યુવતીને એક છોકરા સાથે આઠ મહિનાથી પ્રેમ સબંધ હતો. લગ્ન કરવાના ઈરાદે પ્રેમીએ સંબંધ જોડેલ. આઠ મહિના સુધી બંને વચ્ચે પ્રેમ સંબંધ રહેલ ત્યારબાદ યુવકે ધીરે ધીરે મેસેજ અને ફોન સતત કર્યા કરતો. તેમજ ક્યાં જાઈ છે? શું કરે છે? તેમ કહીં સતત યુવતીને માનસિક હેરાનગતિ કરવા લાગ્યો.

જેથી યુવતીએ કંટાળી યુવક સાથે સંબંધ ન રાખવા કહેલ. જેથી યુવક તેના જન્મદિવસ પર દસ હજાર રૂપિયાનો ખર્ચ કરેલ તેની માંગણી કરી અને પૈસા ન આપવા હોય તો સબંધ રાખવો પડશે તેવી શરત રાખી હતી.જેથી યુવતીએ યુવકને ફોન કરી નોકરીના સ્થળ પર પ્રેમીને બોલાવેલ ને સમજાવેલ. પરંતુ પ્રેમી સમજતો ન હોવાથી યુવતીએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. અભયમ ટીમે યુવકનું પણ કાઉન્સલિંગ કરી રિલેશનશીપ રાખવા માટે જબરદસ્તી ન કરવા સમજાવેલ.

તેમજ જો યુવતીનો પીછો કરશે અને તેને હેરાન કરશે તો શું કાયદાકીય ગુનો બનશે તેની સમજ આપેલ. પ્રેમીએ તેની ભૂલ સ્વીકારી માફી માંગેલ અને હવે પછી તે યુવતીને હેરાન કરશે નહીં. રિલેશનશિપ રાખવા કોઈપણ જાતનું દબાણ કે, ધાક ધમકી આપશે નહીં. તેવી ખાતરી આપેલ. ત્યારબાદ યુવતીને કાયદાકીય માહિતી, સલાહ, સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. પણ પ્રેમી સમજી જતા યુવતી હાલ કોઈ કાનૂની પગલાં લેવા માંગતા નથી તેમ જણાવી અભયમ ટીમનો મદદ બદલ આભાર વ્યક્ત કરેલ હતો.

Print