www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આ કિસ્સાથી જાણો કે ગેમઝોનના આરોપીઓની પહોંચ કેવડી હશે?

ગેમઝોન કાંડના આરોપીના ત્રાસથી બે વર્ષ પહેલાં યુવકે આપઘાત કર્યો હતો, સ્યુસાઈડ નોટ મળી છતાં પોલીસે ગુનો નહોતો નોંધ્યો


◙ ટીઆરપી ગેમઝોનના મેનેજર નીતિન લોઢા જૈનએ ધંધામાં રોકાણ કરવું છે તેમ કહીં સતિષ પટેલ પાસેથી વર્ષ 2019માં ઉછીના રૂપિયા લીધા હતા

સાંજ સમાચાર

◙ ગેમઝોન અગ્નિકાંડ માટે અધિકારીઓની સાંઠગાંઠને જવાબદાર માનવામાં આવી રહી છે ત્યારે જ નવો ઘટસ્ફોટ થયો

◙ નીતિન જૈનએ 15થી 16 લાખ પરત ન આપ્યા, એટલું જ નહીં યુવકને જાનથી મારી નાખવા ધમકી આપેલી, ત્રાસથી કંટાળી સતિષએ વર્ષ 2022માં ગળફાંસો ખાઈ લીધો હતો

◙ મૃતક સતિષ એ લખેલી સ્યુસાઈડ નોટમાં આરોપીના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છતાં શાપર પોલીસે માત્ર નિવેદન લઈ આરોપીને જવા દીધો હતો

રાજકોટ, તા.15
રાજકોટ ખાતે તા.25 મે ના રોજ ટીઆરપી નામના ગેમઝોનમાં આગ લાગે છે અને 27 લોકોના મોત થાય છે. આ ગેમઝોન ગેરકાયદે ખડકાયું હતું. કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ચાલતું હતું જેથી સરકારી તંત્રના અધિકારીઓની સાંઠગાંઠથી જ ગેમઝોન ચાલતું હતું તેવો આરોપ લાગી રહ્યો છે. ત્યારે સરકારી તંત્ર લાગવગીયા લોકોનો કઈ રીતે બચાવ કરે છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

અગ્નિકાંડના આરોપી અને ટીઆરપી ગેમઝોનના મેનેજર નીતિન જૈનના ત્રાસથી બે વર્ષ પહેલાં એક યુવકે આપઘાત કરી લીધો હતો. મૃતકે સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં નીતિન જૈન લોઢાનું નામ પણ હતું. તેમ છતાં પોલીસે ગુનો નોંધ્યો નહોતો. ત્યારે સમજી શકાય છે કે, ગેમઝોનના આરોપીઓની પહોંચ કેવડી હશે!

મૃતક સતીષ વલ્લભભાઈ વાંસજાળીયાના ભાઈ ચેતનભાઈ વલ્લભભાઈ વાંસજાળીયા (રહે. કોપર રેસિડેન્સી, ટોયોટા શો રૂમની પાછળ, કાંગશીયાળી)એ જે તે સમયે ફરિયાદ અરજી અને સ્યુસાઈડ નોટ રજૂ કરી નીતિન જૈન સામે ગુનો દાખલ કરવા માંગ કરી હતી. પણ પોલીસે મનમાની કરી ગુનો દાખલ કર્યો નહોતો. હવે જ્યારે ગેમઝોન કાંડમાં નીતિન જૈન જેલમાં છે ત્યારે ચેતનભાઈને આશા જાગી છે કે તેમના મૃતક ભાઈને ન્યાય મળશે.

તેણે તાજેતરમાં જ વધુ એક વાર રાજકોટ જિલ્લા એસપીને લેખિત ફરિયાદ અરજી કરી છે. જેમાં તેણે જણાવેલ કે, હું મારા પત્ની અને મોરી દીકરી સાથે રહું છું, આરઓ વોટર પ્લાન્ટનું વેચાણ અને રિપેરિંગ કામ કરું છું મારા માતા-પિતા ગામડે રહીને ખેતીકામ કરે છે. મારે એક નાની બહેન છે અને એક નાનો ભાઈ કે જેનું નામ સતીષભાઈ હતું. સતીષ પણ મારી સાથે આરઓ વોટર પ્લાન્ટનું જ કામ કરતો હતો.

આરોપી નીતિન જૈન (રહે. જલારામ-2 યુનિ.રોડ, રાજકોટ) દ્વારા પૂર્વયોજીત કાવત્રાના ભાગરૂપે અમો ફરીયાદીના ભાઈ સાથે સંપર્ક સાધીને તેની સાથે મિત્રતા કેળવીને તેનો વિશ્વાસ સંપાદિત કરીને અમારા ભાઈને સને 2019-2020ની સાલમાં ધંધામાં તેની મરણમૂડીનું રોકાણ કરવાનું જણાવીને આશરે 16 લાખ રૂપિયા મારા ભાઈ પાસેથી લીધા હતા.

ત્યારબાદ આરોપી દ્વારા તમામ રકમનો ઉપયોગ પોતાના મોજ-શોખ પૂરા કરવામાં અને અન્ય જગ્યાએ કરીને મારા ભાઈના પૈસાની ઉચાપત કરીને તમામ રકમ પોતાના અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરેલ અને મારા ભાઈને મોટી આર્થિક નુકશાની જાય અને તેની મરણમૂડીની ઉચાપત કરી હતી.

વધુમાં ચેતનભાઈએ જણાવેલ કે આ સંબંધે મારા ભાઈ દ્વારા અવાર-નવાર તેની મરણમૂડી અને તેની કાયદેસરની લેણી રકમ પરત કરવા જણાવેલ પરંતુ દર વખતે આરોપી દ્વારા અવનવા બહાનાઓ બતાવીને કોઈ દરકાર કરવામાં આવેલ નહીં કે તેની કાયદેસરની રકમ પરત કરેલ નહીં અને ઉલટાનું તેના પર સતત દબાણ આરોપી દ્વારા કરવામાં આવતું.

આરોપી દ્વારા મારા ભાઈને મરવા માટે મજબૂર થવું પડે તેવા સંજોગોનું સતત નિર્માણ કરીને મારા ભાઈ પાસે આત્મહત્યા કરીને તેના જીવનનો અંત લાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો કે વિકલ્પ ના રહે તેવા સંજોગોનું જાણી જોઈને નિર્માણ કરેલ.

તા.18/06/2022ના રોજ મારા ભાઈને તેના રહેઠાણ ગોલ્ડન હાઈટસ બ્લોક નં.1002, કાંગશીયાળી ખાતે પંખાનું હુકમાં પ્લાસ્ટિકની દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધેલ. અમારા ભાઈ દ્વારા ચંદુલાલ વલ્લભભાઈ ભાલોડીયાને તા.18/6/2022ના રોજ વોટસએપ પર મેસેજ કરેલ કે ફલેટ નં. એ 1002માં સુસાઈડ થયેલ છે દરવાજો ખૂલો છે તોડતા નહી.

આથી મારા ભાઈના સ્યૂસાઈડ સંબંધે જાણ થતા અમો તમામ બનાવ સ્થળે પહોંચી ગયેલ અને ત્યાં પોલીસ અધિકારીઓ તથા આજુબાજુના રહીશો આવી ગયેલ હતા અને ત્યાં મારો ભાઈ પંખા સાથે પ્લાસ્ટિકની દોરીથી ગળાફાંસો ખાધેલ હાલતમાં હતો અને તેના પેન્ટના ખીસ્સામાં સ્યૂસાઈડ નોટ પણ મળી આવેલ. તેમાં પણ લખેલ હતું કે નિતિન જૈન (લોઢા) નામના વ્યકિતથી કંટાળીને આપઘાત કરૂં છું. નીતિન જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

 ગેમ ઝોનમાં થયેલ દુ:ખદ ઘટનામાં પણ આ મુખ્ય આરોપી હોય અને પોતાનો આર્થિક સ્વાર્થ સાધવા માટે ઘણા લોકો અને માસૂમ બાળકોના ભોગ લઈ ચૂકેલ હોય અને મોતનો સોદાગર છે. જેથી તેના વિરૂધ્ધ સખતથી સખત કાર્યવાહી કરવા એસપીને રજૂઆત કરાઈ છે.

Print