www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘નીટ’ પરીક્ષા પેપર લીક કાંડને લઈને થર્ડ પાર્ટીના રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો

‘નીટ’ પરીક્ષા કેન્દ્રોમાં સ્ટ્રોંગરૂમમાં ગાર્ડ નહોતા, સીસીટીવી બંધ હતા


‘નીટ’ પરીક્ષાના અનેક કેન્દ્રોમાં સુરક્ષાના ધોરણોના ઘોર ઉલ્લેખન: રિવ્યુ ટીમે 4000માંથી 399 પરીક્ષા કેન્દ્રોમાં મુલાકાત લઈ તપાસ હાથ ધરાતા ઘટસ્ફોટ

સાંજ સમાચાર

નવી દિલ્હી તા.21
તબીબી જેવા મહત્વના અભ્યાસ ક્રમમાં પ્રવેશ માટે લેવાતી ‘નીટ’ અન્ડર ગ્રેજયુએટ પરીક્ષામાં પેપર લીક કાંડે દેશભરમાં ખળભળાટ જગાવ્યો છે. છાત્રો સહિત વિપક્ષો પણ આ ટેસ્ટ રદ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે કૌભાંડની તપાસ કરતી થર્ડ પાર્ટીની ટીમના 399 કેન્દ્રોમાં તપાસ બાદ જે રિપોર્ટ બહાર આવ્યો છે તે ચોંકાવનારો છે, જે પરીક્ષા કેન્દ્રો પર ફરજિયાત સીસીટીવી કેમેરા કામ નહોતા કરતા.

કેટલીક જગ્યાએ તો પ્રશ્ર્નપત્ર રાખવાના સ્ટ્રોંગ રૂમ પણ ખુલ્લા-રેઢા પડ જોવા મળ્યા હતા ત્યાં કોઈ સુરક્ષા ગાર્ડ પણ નહોતા. ‘નીટ’ પરીક્ષાના અનેક કેન્દ્રો પર સુરક્ષાના નિયમોનું ઘોર ઉલ્લંઘન જોવા મળ્યું હતું. સેફટીને લઈને એનટીએ અર્થાત નેશનલ ટેસ્ટીંગ એજન્સીના નિર્દેશ પર એક સ્વતંત્ર એજન્સી દ્વારા આ સમીક્ષા કરવામાં આવી હતી.

એનટીએ એ જ એ એજન્સી છે જે ‘નીટ’ પરીક્ષાનું આયોજન કરે છે. રિવ્યુ ટીમે કુલ 4000માંથી 399 કેન્દ્રોની મુલાકાત લીધી હતી. નવાઈની વાત એ છે કે આ રિપોર્ટ પરીક્ષાના પરિણામ જાહેર થયાના 12 દિવસ બાદ એનટીએને સોંપાયો હતો.

46 ટકા કેન્દ્રો પર સીસીટીવી નિયમોનું ઉલ્લંઘન: રિવ્યુ ટીમે જાણ્યું હતું કે 399માંથી 186 કેન્દ્રો એટલે કે 46 ટકા કેન્દ્રોમાં ફરજિયાત બે સીસીટીવી કેમેરા કામ જ નહોતા કરતા. 16 ટકા કેન્દ્રો પર સ્ટ્રોંગ રૂમ સુરક્ષા વિહોણા: રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો હતો કે 399માંથી 68 કેન્દ્રો અર્થાત 16 ટકા સ્ટ્રોંગરૂમમાં કોઈ સુરક્ષા ગાર્ડ જ તૈનાત નહોતો.

બાયોમેટ્રીક સ્ટાફને લઈને પણ ગરબડ: રિપોર્ટમાં એ પણ બહાર આવ્યું કે 83 કેન્દ્રો પર બાયોમેટ્રીક સ્ટાફ એ કર્મચારીઓથી અલગ હતો જેમને એ કેન્દ્રો માટે નોમિનેટ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ‘નીટ’ પરીક્ષા પર ત્યારે સવાલ ઉઠયા હતા જયારે અસામાન્ય રીતે મોટી સંખ્યામાં 67 ઉમેદવારોને 720માંથી 720 પુરા માર્ક મળ્યા હતા.

એનટીએના નિયમ અનુસાર પરીક્ષા કેન્દ્રો પર લાગેલા સીસીટીવી કેમેરાની લાઈવ ફીડ દિલ્હી સ્થિત એનટીએ મુખ્યાલયમાં એક કેન્દ્રીય નિયંત્રણ કક્ષને મોકલવી જોઈએ જયાં વિશેષજ્ઞોની એક ટીમ દ્વારા વોચ રાખવામાં આવે પણ ખાટલે મોટી ખોટ એ હતી કે અનેક સેન્ટરોમાં સીસીટીવી કેમેરા કામ નહોતા કરતા.

રિવ્યુ ટીમે શું શું ચેક કર્યું હતું?: જામર કામ કરી રહ્યા હતા કે નહીં, પરીક્ષા કેન્દ્રની ભૌતિક સુવિધા, પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ, કેન્દ્ર પર લોકોની આવન જાવન, જરૂરિયાત મુજબ તલાશી જેવી બાબતોની કરાઈ હતી. રિવ્યુ ટીમે એ પણ જાણ્યું હતું કે એ પણ જોવામાં આવ્યું હતું કે કેન્દ્ર પર પર્યાપ્ત સંખ્યામાં નિરીક્ષક, સીસીટીવી સ્ટાફ અને જરૂરી કર્મચારીઓ હતા કે નહી.

ઉલ્લેખનીય છે કે ‘નીટ’ પરીક્ષા પેપર લીક કાંડ મુદે રાજય પોલીસે 13 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા 13માંથી ચાર પરીક્ષાના ઉમેદવાર છે, જેમણે નીટની પરીક્ષા આપી હતી. ઉપરાંત ગુજરાતના ગોધરામાં બે પરીક્ષા કેન્દ્ર પણ પોલીસ તપાસના ઘેરામાં છે.

Print