www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

યાજ્ઞિક રોડ પર લુખ્ખાઓ બેફામ: સતત બીજા દિવસે જીવલેણ હુમલાનો બનાવ


પોલીસના અસ્તિત્વ સામે સવાલ: ઈમ્પીરીયલ પેલેસ હોટલ સામે આવેલ ઉતમ ટોયઝના માલીક કાર પાર્ક કરી બહાર નિકળ્યા ત્યાં જ ધસી આવેલા બે અજાણ્યા શખ્સોએ લુંટના ઈરાદે પાઈપથી હીચકારો હુમલો કર્યો: વેપારી સારવારમાં ખસેડાયા: એ ડીવીઝન પોલીસે મોડે મોડે ગુન્હો નોંધી હુમલો કરી એકસેસમાં નાસી છુટેલા બે શખ્સોની શોધખોળ હાથ ધરી

સાંજ સમાચાર

રાજકોટ તા.29
શહેરમાં લુખ્ખાઓ અને અસામાજીક તત્વો બેફામ થયા હોય અને પોલીસનો કોઈ ભય જ ન હોય તેમ અવારનવાર સામાન્ય લોકો પર જીવલેણ હુમલા કરી નાસી છુટતા હોય છે. ત્યારે પોલીસના અસ્તિત્વ સામે સવાલ ઉભો થઈ રહ્યો છે. ગઈ તા.27ની રાત્રીએ યાજ્ઞીકરોડ પર આવેલ રાજમંત્ર કોલ્ડ્રીંકસના માલિકે ત્યાં ઠંડુ પીવા આવેલા યુવાનની કાર સાથે કાર અથડાવી હુમલો કરી પરિવારને ધમકી આપ્યાનો બનાવ તાજો છે.

ત્યારે યાજ્ઞીકરોડ પર જ આવેલ ઉતમ ટોયઝના માલીક પર બાઈકમાં ધસી આવેલા બે અજાણ્યા શખ્સોએ લુંટના ઈરાદે હીચકારો હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

બનાવ અંગે જાગનાથ શેરી નં.21માં આવેલ એમ્પાયર એપાર્ટમેન્ટમાં રહેતા જનકભાઈ નવનીતરાય ઓંધીયા (ઉ.30) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે એકસેસ બાઈકમાં આવેલ બે અજાણ્યા શખ્સોને નામ આપી જણાવ્યું હતું કે તેઓ ઈમ્પીરીયલ હોટલની સામે યુએલ-6 માધવ કોમ્પ્લેકસમાં ઉતમ ટોયઝ નામની રમકડાની દુકાન ચલાવે છે. ગઈ તા.27ના રાત્રીના 11 વાગ્યાની આસપાસ તેઓ દુકાન બંધ કરી તેમની કાર નંબર જી.જે.11 એસ 9518 લઈ સામે આવેલ ઈમ્પીરીયલ હોટલમાં આઉટસાઈડના ગેટ પાસે પાર્ક કરેલ હતી.

બાદમાં તેઓએ પોતાની દુકાનની ચાવી અને પર્સ કારમાં મુકેલ હતું. કારમાંથી બહાર નીકળતાની સાથે જ બે અજાણ્યા શખ્સો હાથમાં પાઈપ સાથે કારમાં ધસી આવેલ અને બંને શખ્સોએ પાઈપથી હુમલો કરી દીધો હતો. હુમલામાં તેઓને ગંભીર ઈજા પહોંચી હતી.

દરમ્યાન આસપાસમાંથી લોકો એકઠા થતા આરોપીઓ નાસી છુટયા હતા. બાદમાં તેઓએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી બનાવ અંગે જાણ કરી હતી અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે તેમને ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી એ ડીવીઝન પોલીસે મારામારીની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાતે યાજ્ઞીકરોડ પર આવેલ રાજમંત્ર કોલ્ડ્રીંકસની દુકાને યુવાને પાર્ક કરેલ કાર સાથે રાજમંત્ર કોલ્ડ્રીંકસના માલીકે કાર અથડાવી હુમલો કર્યો હતો તેમજ યુવાનની પાંચ વર્ષની પુત્રીને પણ ધકકો મારી પરિવારને ધમકી આપી હતી. ઉપરાંત પોલીસ મારા ખિસ્સામાં છે. તેવા પાવર સાથે ફરતા અભિષેક ઠુમ્મરે ત્યાંથી પસાર થતા પોલીસ જવાનો સાથે પણ માથાકુટ કર્યાનો બનાવ તાજો છે. ત્યાં વધુ એક હુમલાનો બનાવ સામે આવતા શહેરીજનોની સુરક્ષા સામે પ્રશ્ન ઉભો થયો છે.

છેક પોલીસ કમિશ્નર સુધી રજુઆત કર્યા બાદ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી
યાજ્ઞીકરોડ પર ઉતમ ટોયઝ નામની દુકાન ધરાવતા જનકભાઈ ઓંધીયાએ પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમના પર બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો જે બાદ તેઓ એ ડીવીઝન પોલીસ મથકે જતા ત્યાં ફકત તેમની અરજી જ લેવામાં આવી હતી અને ગુન્હો નોંધવામાં ન આવ્યો હતો. જેથી તેઓને ફરજીયાત પોલીસ કમિશ્નરના શરણે જવુ પડયુ હતું અને પોલીસ કમિશ્નરે એ ડીવીઝન પીઆઈને જાણ કર્યા બાદ તેઓનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

Print