www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ સહિત રાજયમાં RTEની ખાલી રહેલી 5873 બેઠકો માટે ત્રીજો પ્રવેશ રાઉન્ડ શરૂ


સૌથી વધુ અંગ્રેજી માધ્યમની 3683 બેઠકો ખાલી: તા.26 સુધી વાલીઓ પોર્ટલ પર જઈ શાળાઓની પુન: પસંદગી કરી શકશે

સાંજ સમાચાર

અમદાવાદ તા.24
 રાજયમાં આરટીઈ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ માટેની પ્રક્રિયા દરમિયાન બે રાઉન્ડના અંતે ખાલી પડેલી 5873 બેઠકો માટે ત્રીજા રાઉન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્રીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુન: પસંદગી કરવાની વાલીઓને તક અપાઈ છે.

 આ માટે શુક્રવારથી લઈને 26 મે સુધી વાલીઓ પોર્ટલ પર જઈને શાળાઓની પુન: પસંદગી કરી શકશે. પ્રથમ બે રાઉન્ડની કાર્યવાહીમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો નથી તેઓ જ ત્રીજા રાઉન્ડની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે. જો વાલી શાળાની પુન: પસંદગી નહીં કરે તો અગાઉની પસંદગીને માન્ય રાખી ત્રીજા રાઉન્ડના પ્રવેશ ફાળવવામાં આવશે.

 ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 15 એપ્રીલના રોજ અને બીજો રાઉન્ડ 15 મેના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આરટીઈ બંને રાઉન્ડની કાર્યવાહી બાદ જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો તે પૈકી 39073 જેટલા વિદ્યાર્થીઓએ ફાળવેલી શાળાઓમાં જઈ નિયત સમય મર્યાદામાં પ્રવેશ ક્ધફર્મ કરાવ્યા હતા. બે રાઉન્ડની કાર્યવાહીના અંતે સમગ્ર રાજયમાં 5873 બેઠકો ખાલી રહેવા પામી હતી.

 જેથી આ ખાલી જગ્યા ભરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ત્રીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે.
 બે રાઉન્ડની કાર્યવાહી બાદ ખાલી પડેલી 5873 બેઠકો પૈકી અંગ્રેજી માધ્યમની શાળાઓની 3683, ગુજરાતી માધ્યમની શાળાઓની 582, હિન્દી માધ્યમની શાળાઓની 1496 અને અન્ય માધ્યમની શાળાઓની 109 બેઠકો ખાલી રહેવા પામી છે.

 આ ખાલી જગ્યા પર જે વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય થયેલી હોય અને આરટીઈ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ કે બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલો નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને ખાલી જગ્યા ધરાવતી ખાનગી પ્રાથમીક શાળાઓની પુન: પસંદગી કરવા તક આપવામાં આવે છે. જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ આપી શકાય.

 જે વિદ્યાર્થીઓને અગાઉના બે રાઉન્ડમાં પ્રવેશ મળેલો નથી તેવા વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ કરેલી અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુન: પસંદગી કરવા માંગતા હોય તેઓ આજથી 24 મેથી 26 મે રવિવાર સુધીમાં આરટીઈના વેબપોર્ટલ પર જઈ શાળાઓની પુન: પસંદગીના મેનુ પર કિલક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લીકેન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઈન કરી શાળઓની પુન: પસંદગી વખતે પોતાની પસંદગીના ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે. ત્યારબાદ સબમીટ બટન પર કિલક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે.

Print