www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સગા સબંધીઓને ઉંચુ વ્યાજ આપીને ક્રેડિટ સોસાયટીને નુકશાન કરનારાને આગોતરા જામીન ન મળે


સુરતની સહયોગ અર્બન કો-ઓપરેટીવના કેસમાં હાઈકોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન

સાંજ સમાચાર

અમદાવાદ,તા.24
સુરત ખાતે કાર્યરત સહયોગ અર્બન કો-ઓપરેટીવ ક્રેડીટ અને કન્ઝયુમર સોસાયટી લી.ને નાણાકીય ખોટ કરી ઉચાપત કરનારા મેનેજીંગ બોડીના મહિલા સભ્યને આગોતરા જામીન આપવાનો હાઈકોર્ટે ઈનકાર કર્યો છે. આ મામલે ચુકાદો આપતા જસ્ટિસ જે.સી. દોશીએ એવું માર્મિક અવલોકન કર્યુ છે કે સોસાયટીના 23 સભ્યો કે જેઓ મેનેજીંગ બોડીના ભાગ હતા, તેમણે બેફામ અને ખોટા ખર્ચા ઉપરાંત પોતાના જાણીતા લોકોને ડીપોઝીટ ઉપર ઉંચુ વ્યાજ આપીને સોસાયટીના નાણાકીય તાણાંવાણાંને કમજોર કર્યા હતા અને સોસાયટીને નુકસાન પહોંચાડયું હતું.

જેમાં અરજદારનું કૃત્ય ઉધઈ સમાન છે અને સોસાયટીને અંદરખાનેથી કોરી નાખી હતી. આ આર્થીક ગુનો ઠંડા કલેજે અને ચોકકસ ડીઝાઈન દ્વારા પાર પાડવામાં આવ્યો હતો. તેથી તેને વિશિષ્ટ પ્રકારની રાહત આપી આગોતરા જામીન આપી શકાય નહીં. ઉકત અવલોકન સાથે હાઈકોર્ટે અરજદાર મહિલાને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો.

પ્રસ્તુત કેસમાં સોસાયટીની મેનેજીંગ બોડી પર એવા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે, તેમણે પોતાના લંગતા વળગતાને ડીપોઝીટ ઉપર ઉંચુ વ્યાજ આપીને સોસાયટીને ભારે નાણાકીય નુકસાન પહોંચાડયું છે અને સોસાયટી સાથે છેતરપીંડી પણ આચરી છે. અંદાજે રૂા.54.22 લાખની ઉચાપત કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આ મામલે ધરપકડથી બચવા મેનેજીંગ બોડીના મહિલા સભ્યએ હાઈકોર્ટમાં અરજી કરીને એવી રજૂઆત કરી હતી કે આ એફઆઈઆર રાજકારણ પ્રેરીત છે અને અરજદારની કોઈ ભૂમિકા નથી. અરજદારે સોસાયટીમાંથી એક પણ રૂપિયો લીધો નથી અને કોઈ નાણાકીય ગેરરીતિ પણ આચરી નથી. ઉલટાનું સોસાયટીને મોટાભાગનું નાણાકીય નુકશાન ફરીયાદી જયારે પ્રેસીડેન્ટ હતા એ સમયગાળામાં થયુહ છે.

એટલું જ નહીં, સોસાયટીને નુકશાન અને સોસાયટી સાથે છેતરપીંડી બંને તદન અલગ અલગ બાબત છે. આ સંજોગોમાં વધુમાં વધુ એવુરં કહી શકાય કે સોસાયટીને નુકશાન થયું છે પરંતુ એનાથી વધુ કોઈ આક્ષેપ હોઈ શકે નહીં’.

જયારે બીજી તરફ ફરીયાદી પક્ષે એવી દલીલ કરી હતી કે અરજદાર દ્વારા સોસાયટીના નાણા સાથે ઉંચાપત કરવામાં આવી છે અને આ કેસ દેખાય છે એટલો સાધારણ નથી કે બોર્ડ ઓફ ડાયરેકટર્સ અરજદારના જાણીતા લોકો છે અને તેમણે વધુ વ્યાજ મળી શકે એ હેતુ માટે જ એક અલગ જ રીતની નાણાકીય છેતરપીંડીની યુકિત અજમાવી હતી. સોસાયટીની નાણાકીય પરિસ્થિતિ નબળી હોવા છતાંય ડિપોઝીટર્સને ઉંચુ વ્યાજ આપીને સોસાયટીને નાણાકીય રીતે વધુ કમજોર કરવામાં આવી હતી. તેથી અરજદારને આગોતરા જામીન આપી શકાય નહિ’.

 

 

Print