www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

♦અમદાવાદ એલસીબી ઝોન-7 ની ટીમે રૂા.22 લાખની કાર કબ્જે કરી ધોરાજીના ફરાર બે શખ્સોની શોધખોળ હાથ ધરી

અમદાવાદમાંથી મોંઘી કાર ચોરી વેંચે તે પહેલાં જ ધોરાજીના બે સહિત ત્રણ શખ્સો ઝડપાયા


♦અમદાવાદના મહંમદયાશર કુરેશી જે ગેરેજમાં કામ કરતો ત્યાંથી કાર ચોરી ધોરાજીના સ્ક્રેપ માર્કેટમાં કામ કરતાં ધોરાજીના ચાર શખ્સોનો સંપર્ક કરી ચાર કારની ચોરી કરી ’તી

સાંજ સમાચાર

રાજકોટ. તા.29
અમદાવાદમાંથી મોંઘી કાર ચોરી વેંચે તે પહેલાં  જ ધોરાજીના બે સહિત ત્રણ શખ્સોને અમદાવાદ પોલીસની ટીમે ઝડપી રૂ.22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં અમદાવાદના મહંમદયાશર કુરેશી જે ગેરેજમાં કામ કરતો ત્યાંથી કાર ચોરી ધોરાજીના સ્ક્રેપ માર્કેટમાં કામ કરતાં ધોરાજીના ચાર શખ્સોનો સંપર્ક કરી ચાર કારની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. જ્યારે ધોરાજીના ફરાર બે શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, અમદાવાદ શહેરના સરખેજ અને શાંતિપુરા સર્કલ પાસે આવેલા બે ગેરેજમાંથી બે બીએમડબ્લુ સહિત ત્રણ ગાડીઓની ચોરી કરવામાં આવી હતી. આ બનાવમાં ડીસીપી ઝોન-7 સ્ક્વોડના દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. સીસીટીવી ફુટેજ અને હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે પોલીસે મિરઝાપુર કુવાવાડમાં રહેતા મહંમદયાશર કુરેશીની અટકાયત કરીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે શહેરના વિવિધ ગેરેજોમાં કારના કાચ ફીટ કરવા માટેનું કામ કરતો હતો. જેથી તે ગાડીઓની ચાવી ક્યા મુકવામાં આવે છે ? તેની ખબર રહેતી હતી. તે ધોરાજીમાં આવેલા હોકળા કાંઠા પાસે આવેલા વાહનોના સ્ક્રેપ માર્કેટમાં કામ કરતા આદીલખાન પઠાણ, સમીર શેખ, નવાઝખાન પઠાણ અને મંહમદઅલીખાનના સંપર્કમાં હતો. જેથી તેણે અમદાવાદના ગેરેજમાંથી કાર ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. 

બાદમાં ધોરાજીના ચારેય શખ્સોને ગત તા. 24 ના ધોરાજીથી અમદાવાદ બોલાવી કારની ચોરી કરાવીને ધોરાજી મોકલી દીધી હતી. જ્યાંથી તમામ કારને વેચાણ કરવા માંગતા હતા. દરમિયાન અમદાવાદ ઝોન-7 એલસીબી પીએસઆઇ વી.બી. ચૌધરી અને તેમના સ્ટાફે અમદાવાદના મહંમદયાશર, ધોરાજીમાં રહેતા આદીલખાન પઠાણ અને સમીરખાન શેખને ચોરીની ચાર મોંઘી કાર રૂ.22 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય બે ફરાર ધોરાજીના નવાઝખાન ખલીદખાન પઠાણ અને મહમદખાનઅલીખાન પઠાણની  શોધખોળ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીની પોલીસે સઘન પૂછતાછ હાથ ધરી વધુ કાર ચોરીના ભેદ ખોલવા તપાસ હાથ ધરી છે.

♦ચોરેલ કાર ધોરાજી અને ઉપલેટા મોકલી આપી ’તી: વેંચાણ ન થતાં પરત અમદાવાદ મોકલી અને પર્દાફાશ થયો
રાજકોટ. તા.29
અમદાવાદમાં ગેરેજમાં કામ કરતાં શખ્સે ધોરાજીના  ચાર શખ્સો સાથે મળી ચાર કારની ચોરી કરી હતી. બાદમાં કારની ચોરી કર્યા બાદ તેઓ કાર ધોરાજી અને ઉપલેટા મોકલી આપી હતી. બાદમાં કારનું વેંચાણ ન થતાં કાર પરત અમદાવાદ મોકલી આપી હતી અને કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

Print