www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સદરના વોંકળામાં દુર્ઘટના થતા રહી ગઇ : ‘ઉંદરો’ પર ચાર્જશીટ મૂકાયું!


હરીહર ચોકના ઘોડાગાડી સ્ટેન્ડ પાછળનો મેટલીંગનો ભાગ બેસી જતા દોડાદોડી : રાત્રે હોર્ડિંગ સાઇટ ઉતારી લેવાઇ : ચોમાસા બાદ 1 કરોડના ખર્ચે નવો સ્લેબ કલવર્ટ બનાવાશે

સાંજ સમાચાર

રાજકોટ, તા. 28

શહેરની મધ્યમાં આવેલો રાજાશાહી વખતનો સદર હરીહર ચોકવાળો વોંકળો રીપેરીંગ કરવાની તૈયારી વચ્ચે ગઇકાલે મોડી સાંજે ખુણાના એક ભાગમાંથી બેસી જતા દોડધામ થઇ ગઇ હતી. ઘોડાગાડી સ્ટેશનવાળો ભાગ બેસી જતા મહાપાલિકા તંત્રએ આ જગ્યાએ રહેલા હોર્ડિંગ બોર્ડની જોખમી સાઇટ તાત્કાલીક દુર કરાવી છે. 

રાત્રી સુધી કામ ચાલુ રાખીને વોંકળાના ભયગ્રસ્ત ભાગનું લેવલીંગ કરવામાં આવ્યાનું ઇજનેરોએ જણાવ્યું હતું. આ વોંકળો વર્ષોથી ખુલ્લો અને વહેતો છે. ચોમાસા જેવા સમયે સફાઇ કરવામાં આવે છે. અંદર દબાણો પણ છે.  થોડા સમય પહેલા આ વોંકળા ફરતે પતરા મારીને ઢાંકવામાં આવ્યો છે. મનપા દ્વારા જોખમી મિલ્કતોના સર્વે કરીને  નોટીસ આપવા અને સલામત કરાવવાની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આ જોખમી વોંકળો સામાન્ય વરસાદ  વચ્ચે વધુ જોખમી બન્યો છે. ગત મોડી સાંજે ખુણાનો એક ભાગ બેસી જતા લોકોએ મનપા તંત્રને જાણ કરી હતી. બાદમાં મોડી રાત સુધી વીજ કંપનીના સ્ટાફને સાથે રાખીને હોર્ડિંગ બોર્ડ અને સ્ટ્રકચર ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી. 

સુત્રોએ જણાવ્યું હતું કે વોંકળા અંદર ઉંદરોનો મોટો ઉપદ્રવ છે. ઠેર ઠેર દર બનાવેલા છે. નાના સસલાની સાઇઝના  ઉંદરો પણ દોડતા હોય છે. આ દરના કારણે પોલાણ થઇ જતા ખુણા પરનો ભાગ ઉતરી ગયો હતો. આથી તાત્કાલીક લેવલીંગ કામ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સર્વેશ્ર્વર ચોકમાં આવેલા શિવમ કોમ્પલેક્ષ બહારનો વોંકળાનો સ્લેબ ધસી પડતા મોટી દુર્ઘટના થઇ હતી અને એક મહિલાનું મૃત્યુ પણ નિપજયું હતું. આ ઘટનાના ઘેરા પડઘા પડયા હતા. તે બાદ આ જ રસ્તેથી જાગનાથ, બંબાખાનાવાળી સ્કુલ સામેથી આવતો સદરનો વોંકળો પણ તાત્કાલીક સલામત કરવાની જરૂર હોવાનો મત છે. 

જોકે આ અંગે કોર્પોરેશનના ઇજનેરોનો સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે હરિહર ચોકમાં આ વોંકળાની જગ્યાએ નવો સ્લેબ કલવર્ટ બનાવવા 1.30 કરોડનું કામ કરવાનું છે. ચોમાસા બાદ આ કામગીરી કરવામાં આવશે અને વોંકળો સલામત કરાશે. ગઇકાલે તકેદારી માટે બોર્ડ ઉતારવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવમાં ઉંદરે કરેલા પોલાણના કારણે વોંકળા ટચ મેટલીંગનો એક નાનો ભાગ બેસી ગયો હતો. હવે ત્યાં કોઇ જોખમની વાત નથી.  આ નવા સ્લેબ કલવર્ટ માટે બજેટમાં પણ જોગવાઇ કરવામાં આવી છે. 

Print