www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નેહરૂનગરમાં દરવાજાની પ્લાય માથે પડતાં બે માસના માસૂમ બાળકનું કરૂણ મોત


પિતા ખરીદી કરવાં ગયાં અને માતા પાણી ભરતાં હતાં ત્યારે કરુણાંતિકા સર્જાઈ: એક ના એક ફૂલ જેવા બાળકનું મોત થતાં શ્રમિક પરીવારમાં કાળો કલ્પાંત છવાયો

સાંજ સમાચાર

રાજકોટ. તા.20
શહેરમાં અટીકા ફાટક પાસે આવેલ નેહરૂનગરમાં દરવાજાની પ્લાય માથે પડતાં બે માસના માસૂમ બાળકનું કરૂણ મોત નિપજતાં પરપ્રાંતીય શ્રમિક પરીવારમાં અરેરાટી સાથે આક્રંદ વ્યાપી ગયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, અટીકા ફાટક પાસે આવેલ નેહરૂનગર શેરી નં.4 માં રહેતાં ધરમવીર ચૌહાણ કારખાનામાં મજૂરી કામ કરે છે અને તે તેમની પત્ની અને બે માસના પુત્ર ધ્રુવ સાથે રહે છે. તેમની સાથે તેમના સાસુ પણ રહેવાં આવેલ છે. ગઈકાલે સાંજના સમયે ધરમવીર ભક્તિનગર વિસ્તારમાં ખરીદી કરવા માટે ગયો હતો. તેમની પત્ની પુત્ર ધ્રુવને દરવાજાની પ્લાય ઉભી હતી તેની બાજુમાં સુવડાવી તેને નવડાવવા માટે પાણી ભરવા માટે બહાર ગયાં હતા. તેમજ તેમના સાસુ રસોડામાં કામ કરી રહ્યાં હતા.

દરમિયાન અચાનક જ દરવાજા પાસે ઉભી કરેલ દરવાજાની પ્લાય નીચે સુતેલા બાળક પર પડી હતી. જેમાં બાળકને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવારમાં જનાના હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતાં માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતાં પીએસઆઈ પી.એસ.ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પીએમમાં ખસેડયો હતો.

વધૂમાં પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર, મૃતક બાળકના પિતા અને પરીવાર મૂળ બિહારનો વતની છે. અહીં થોડા સમયથી તે કામ અર્થે આવી રહેતાં હતાં. એક ના એક ફૂલ જેવા પુત્રનું મોત નિપજતાં શ્રમિક પરીવારમાં અરેરાટી સાથે કાળો કલ્પાંત છવાયો હતો.

 

Print