www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ખંભાળિયા નજીક એરગન બતાવીને વાહન ચાલકો પાસેથી પૈસા પડાવતા બે નકલી પોલીસ ઝડપાયા


ટ્રક ચાલક પાસેથી રૂા.200 લેતા નકલીને અસલી પોલીસે ઝડપી લીધા

સાંજ સમાચાર

જામ ખંભાળિયા, તા. 29
ખંભાળિયા શહેર નજીક પોલીસ જવાનો દ્વારા વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા પડાવવામાં આવતા હોવાની ફરિયાદના અનુસંધાને પોલીસે ગોઠવી અને ખંભાળિયા - ભાણવડ માર્ગ પરથી બે નકલી પોલીસને વાહન ચાલકો પાસેથી પૈસા પડાવતા એરગન, ધોકા વિગેરે સાથે ઝડપી લીધા હતા.
ખંભાળિયાથી ભાણવડ તરફ જતા રસ્તે કોઈ શખ્સો પોલીસનો નકલી સ્વાંગ રચીને અહીં પસાર થતા વાહન ચાલકોને રોકી અને કાયદાનો ભય બતાવી, રૂપિયા પડાવતા હોવાની રજૂઆત અહીંની પોલીસ સમક્ષ કરવામાં આવી હતી  જેને અનુસંધાને અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગતરાત્રે ખંભાળિયા - ભાણવડ માર્ગ પર ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન ભાણવડ તાલુકાના માંઝા ગામના પાટીયા આગળથી રોડ પર પસાર થતાં એક ટ્રકના ચાલકને બે શખ્સોએ અટકાવીને ચાલક પાસેથી કોઈ બાબતે રૂપિયા 200 પડાવ્યા હતા. 

આ દરમિયાન ખંભાળિયા પોલીસ સ્ટાફે ત્રાટકી અને અહીં રહેલા નકલી પોલીસ એવા સામત ગોવિંદ કરંગીયા (ઉ.વ. 25, રહે. કોલવા) અને દિનેશ મેઘા પરમાર (ઉ.વ. 26, રહે. ભટગામ) નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સોની તપાસમાં તેઓ પાસેથી નકલી આઈ કાર્ડ તથા એરગન અને લાકડાનો ધોકો પણ મળી આવ્યો હતો. આથી પોલીસે આરોપીઓ પાસે રહેલા મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 35,315 નો મુદ્દામાલ કબજે લઈ, ધોરણસર કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.એસ. સરવૈયા, સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, રોહિતભાઈ થાનકી, જેઠાભાઈ પરમાર, સામતભાઈ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ ઝાલા, તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.        (તસ્વીર : કુંજન રાડીયા)

 

Print