www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉછીનો કજીયો લઇ રૂપિયાની ઉઘરાણી કરી બે શખ્સોએ યુવકને છરીના ઘા ઝીંક્યા


હસનવાડી શેરીના ખુણાનો બનાવ: ધર્મેશ રાજાણીને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયો: ભક્તિનગર પોલીસે ગુનો નોંધી જયેશ ઉર્ફે ગટીયો અને રવિ ભરવાડની શોધખોળ આદરી

સાંજ સમાચાર

રાજકોટ, તા.22

હસનવાડી શેરીના ખુણે આવેલ ચાની હોટલે ઉછીનો કજીયો લઇ સાસુએ આપેલા ઉછીના રૂપિયાની ઉઘરાણી કરી જયેશ ઉર્ફે ગટીયો અને તેની સાથેના રવિ ભરવાડે યુવકને છરીનો ઘા ઝીંકી દેતા સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે સહકાર મેઇન રોડ પર ગુલાબનગર શેરીમાં રહેતા ધર્મેશભાઇ ગીરીશભાઇ રાજાણી (ઉ.વ. 26)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જયેશ ઉર્ફે ગટીયો અને રવિ ભરવાડનું નામ આપતા ભક્તિનગર પોલીસે આઇપીસી 323, 324 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તે તેના મોટાબાપુ સાથે રહે છે અને શ્યામ હોલ પાસે આવેલ વોટર પ્લાન્ટમાં નોકરી કરે છે.

ગઇ રાત્રે 2 વાગ્યાની આસપાસ બોલબાલા માર્ગ, હસનવાડી-4ના ખુણે જયમાડી હોટલે તેના મિત્રો સાથે ચા-પાણી પીવા માટે બેઠા હતા અને બાજુના ખાટલામાં જયેશ ઉર્ફે ગટીયો અને રવિ ભરવાડ બેઠેલ હતા. આરોપી જયેશના સાસુ તેમની પાસે રૂપિયા માંગતા હોય જે રૂપિયાની જયેશે ઉઘરાણી કરતા તેને કહેલ કે મારે તારા સાસુને રૂપિયા દેવાના છે. તેમ કહેતા બંને શખ્સોએ ગાળો આપી જયેશે છરી કાઢી અને રવિ ભરવાડે જયેશના હાથમાંથી છરી લઇ પેટના ભાગે છરીનો એક ઘા ઝીંકી દીધો હતો. જેથી તેઓ નીચે પટકાયા હતા. બાદમાં બનાવ સ્થળે લોકોના ટોળા એકઠા થઇ જતાં આરોપીઓ નાસી છૂટ્યા હતા.  બાદમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા.

Print