www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટમાં છ કલાકના અંતરે બે - બે હત્યાથી ખળભળાટ


સાંજ સમાચાર

રાજકોટ, તા.20
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. એક જ દિવસમાં 30 મિનિટના અંતરે ત્રણ લૂંટના બનાવ બન્યા બાદ ગઈકાલે છ કલાકના અંતરે બે-બે હત્યા સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. 

પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ ગાંધીગ્રામમાં 20 વર્ષીય અર્જુન નામના યુવાનને તેના મિત્ર કૃણાલે જ છરીનો એક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દિધો હતો. 
તેમજ આજીડેમ વિસ્તારમાં 30 વર્ષીય યુવાનને જીવતો સળગાવી હત્યા  નિલજાવતાં શહેર ભરમાં ચકચાર મચી ગઇ હતી. બનાવથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતાં થયાં હતાં.

ગાંધીગ્રામમાં 20 વર્ષીય અર્જુનને તેના મિત્ર કૃણાલે છરીનો એક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો 
► તું મારા મિત્ર હર્ષ જાદવને ખોટા રવાડે કેમ ચડાવે છે ? કહીં બે શખ્સો યુવક પર તૂટી પડ્યા: ટૂંકી સારવારમાં દમ તોડ્યો: યુવાન પુત્રના મોતથી પરીવાર સ્તબ્ધ
► ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો: હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા 
રાજકોટ, તા.20

ગાંધીગ્રામમાં 20 વર્ષીય અર્જુનને તેના મિત્ર કૃણાલે ટકો નામના શખ્સ સાથે મળી યુવકને છરીનો એક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઈ હતી. તું મારા મિત્ર હર્ષ જાદવને ખોટા રવાડે કેમ ચડાવે છે ? કહીં બે શખ્સો યુવક પર તૂટી પડ્યા હતાં. બાદમાં યુવાને ટૂંકી સારવારમાં દમ તોડતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

બનાવ અંગે રાજકોટમાં ગાંધીગ્રામ શેરી નં.8- બ માં શાંતિકુંજ નામના મકાનમાં રહેતાં પ્રફુલભાઈ નર્મદાશંકર વ્યાસ (ઉ.વ.58) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કૃણાલ કિર્તી ચગ (રહે. ગાંધીગ્રામ), મયલો ટકો (રહે. સાધુ વાસવાણી રોડ) નું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે આઇપીસી 302,323, 504, 506 (2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ 150 ફૂટ રીંગ રોડ પર રામેશ્વર હોલ પાસે શિવમ પાન નામની દુકાન ચલાવે છે. તેમજ ઇક્કો ગાડી પણ ભાડેથી ચલાવે છે. તેઓ પત્ની ધર્મિષ્ઠાબેન તેમજ પુત્ર કરણ (ઉ.વ.23) અને અર્જુન (ઉ.વ.20) સાથે રહે છે. તેમજ એક પુત્રી ફાલ્ગુનીના લગ્ન મોરબી ખાતે થયેલ છે.તેમનો મોટો પુત્ર કરણ ડ્રાઇવિંગ કરે છે અને નાનો પુત્ર અર્જુન છૂટક બોર્ડ બેનર લગાવવાના કામની મજૂરી કામ કરતો હતો. 

ગઈ રાતના એક વાગ્યાની આસપાસ તેઓ પત્ની અને મોટો પુત્ર સાથે ઘરે હતાં ત્યારે અર્જુનનો મિત્ર દિવ્યેશ ઘરે ઘસી આવેલ અને કહેલ કે, અર્જુનને કર્ણશ્ર્વર કોમ્પ્લેક્ષ પાસે બાપ સિતારામ ઓટા નજીક  છરી મારી દિધેલ છે, જે બેભાન હાલતમાં પડેલ છે. તેમ વાત કરતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયેલ હતાં. જ્યાં લોકોના ટોળા વળેલ હતાં. અર્જુન પ્રફુલ પાન પાસે પડેલ હતો. પેટના ભાગે ડુટી પાસે ઈજા થયેલ હતી અને પેટમાંથી પરપોટા નીકળતાં હતાં. તેમને તાત્કાલિક સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બાદમાં અર્જુનના મિત્ર દિવ્યેશ અને કશ્યપને બનાવ અંગે પૂછતાં તેઓએ જણાવેલ કે, રાત્રીના 12 વાગ્યે બંને ગાંધીગ્રામ શેરી નં.6 ના ખૂણે કર્ણશ્વર કોમ્પ્લેક્ષ પાસે આવેલ ત્યારે આરોપી કૃણાલ ચગ અને મયલો ટકો તેમજ અર્જુન ત્યાં બેસેલા હતાં. ત્યાં કૃણાલ અર્જુનને કહેતો હતો કે, તું મારા મિત્ર હર્ષ જાદવને ખોટા રવાડે કેમ ચડાવે છે ? તેમ કહીં અર્જુન સાથે ગાળાગાળી કરી તેને ફડાકા ઝીંકી દિધા હતાં. જેથી તેઓએ કૃણાલને ઝઘડો ન કરવા સમજાવેલ પરંતુ તે માનેલ નહિ અને કહેલ કે, આજે તો આને મારી જ નાંખવો છે કહીં આરોપી ઝઘડો કરતો હતો. બંને મિત્ર હોય અને કાયમ સાથે રહેતાં હોય જેથી વાતને ગંભીરતાથી લીધેલ નહિ અને દિવ્યેશ તેમજ કશ્યપ નાસ્તો કરવાં જતાં રહેલ હતાં.

બાદમાં એક વાગ્યે તેઓ બંને બનાવ સ્થળે પરત આવતાં કૃણાલ અને મયલો અર્જુન સાથે ઝઘડો કરતાં હતાં. અર્જુન રડતો રડતો આજીજી કરતો હતો. જેથી તેઓએ કૃણાલને બાવડું પકડી સમજાવેલ કે, અર્જુનને જવા દે, કહેતાં જ કૃણાલે નેફમાંથી છરી કાઢી અર્જુનને મારવા જતાં તેમને છરી લાગી જતાં તે ત્યાંથી દૂર ખસી ગયેલ હતો અને બાદમાં આરોપીએ અર્જુનને છરીનો એક ઘા પેટમાં ઝીંકી દેતા અર્જુન ત્યાં જ ઢળી પડ્યો હતો. તેમજ આરોપીએ કહેલ કે, જો તું આને દવાખાને લઈ ગયો તો આપણે સબંધ બગડી જશે કહીં નાસી છૂટ્યા હતાં.

દરમિયાન રાતે 3 વાગ્યે સારવારમાં રહેલ ફરિયાદીના પુત્ર અર્જુનનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ બી.ટી.અકબરી, વી.વી.જાડેજા સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતકના પિતાની ફરીયાદ પરથી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

30 વર્ષીય યુવાનને જીવતો સળગાવી હત્યા: બે ભરવાડ અને એક પરપ્રાંતીય શખ્સ સકંજામાં
► સાંઈબાબા સર્કલથી સ્વાતિપાર્ક જવાના રસ્તા પરથી બળેલી લાશ મળતાં આજીડેમ, ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો: મૃતકની ઓળખ મેળવવા તજવીજ
રાજકોટ, તા.20

આજીડેમ પાસે સાંઈબાબા સર્કલથી સ્વાતિ પાર્ક જવાના રસ્તા પરથી 30 વર્ષીય યુવાનને જીવતો સળગાવી હત્યા કરેલ લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાં આજીડેમ, ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરતાં હત્યાની અંજામ આપનાર બે ભરવાડ અને એક પરપ્રાંતીય શખ્સ સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી હતી. તેમજ લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

બનાવ અંગે ગઈકાલે સાંજે પોલીસ ક્ધટ્રોલ રૂમમાં જાણ થયા બાદ આજી ડેમ પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં અજાણ્યા આશરે 35 થી 40 વર્ષના પુરૂષની મોઢાથી કમર સુધીના ભાગ સુધી આખી અને બાકીના ભાગ સુધી અડધી સળગેલી લાશ જોવા મળી હતી. બાજુમાં એક પ્લાસ્ટીકની બોટલ પણ મળી આવી હતી. જેના પરથી બોટલમાં જે કોઈ જવલનશીલ પ્રવાહી એટલ કે પેટ્રોલ કે ડિઝલ લઈ આવી તે છાંટી લાશ સળગાવાયાના તારણ પર પોલીસ પહોંચી હતી. 

લાશની સ્થિતિ જોતા બીજી કોઈ જગ્યાએ હત્યા કરી લાશ કોઈ વાહનમાં લઈ આવી બનાવ સ્થળે ફેંકી દેવાયાના તારણ સામે આવ્યું હતું. મૃતકની ઓળખ ન મળે તે માટે હત્યારાઓએ લાશ સળગાવી નાંખી હતી. લાશ નજીકથી ઓળખ મળે તેવા કોઈ પુરાવા પોલીસને મળ્યા ન હતાં. મોઢાના ભાગે સીંદરી બાંધી અને બંને હાથ બાંધી મૃતકની હત્યા કરાયાના પુરાવા પોલીસને મળી આવ્યા છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મૃતકે આખી બાયનું કાળુ શર્ટ અને ભુખરા કલરનું જીન્સનું પેન્ટ પહેરેલું છે. જોકે આ કપડા પણ અડધા બળી ગયા છે. મૃતકની ઓળખ મેળવવા માટે હાલ તજવીજ ચાલુ છે. જયાં સુધી મૃતકની ઓળખ ન મળે ત્યાં સુધી ભેદ ઉકેલાય તેમ ન હોવાથી પોલીસની ટીમોએ મૃતકની ઓળખ મેળવવા તરફ તપાસ કેન્દ્રીત કરી છે. સીસીટીવી કેમેરાની મદદ પણ પોલીસ લઈ રહી છે.

વધુમાં મળેલ વિગત મુજબ, બનાવ સામે આવ્યાં બાદ તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ,એસઓજી, એલસીબી સહિત આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે યુવાનની હત્યા કરનાર બે ભરવાડ અને એક પરપ્રાંતીય શખ્સને દબોચી લીધાં હતાં. તેમજ મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

Print