www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચૂંટણીમાં નબળા દેખાવ તથા સંઘની નારાજગીથી ભાજપ નેતાગીરીની ગંભીર વિચારણા

મહારાષ્ટ્રમાં તોળાતી નવાજુની: ભાજપ એનસીપીનો ‘સાથ’ છોડશે!


વિધાનસભા ચૂંટણીમાં માત્ર શિવસેના સાથે જોડાણ રાખવાનો વ્યૂહ

સાંજ સમાચાર

► અજીત પવારના કૌભાંડો ચગાવીને ભાજપ ઉભો થયો હતો, તેની સાથે જ હાથ મિલાવતા નુકશાન ગયું, ભાજપની બ્રાન્ડ વેલ્યૂ ઘટી-સંઘની આકરી ટીકા

નવી દિલ્હી, તા.13
કેન્દ્રમાં એનડીએની નવી સરકારની રચનાને માંડ ચાર દિવસ થયા છે. નવા રાજકીય સમીકરણો સર્જાવાના એંધાણ વર્તાવા લાગ્યા છે. મહારાષ્ટ્રમાં એનડીએનું પરફોર્મન્સ ઘણું ખરાબ રહ્યું હતું. જેને પગલે ભાજપ હવે સાથીપક્ષ એનસીપી સાથેનું જોડાણ તોડી નાખવાની તૈયારીમાં હોવાના સંકેત છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપ-એનડીએને સૌથી મોટું નુકશાન ઉત્તર પ્રદેશ તથા મહારાષ્ટ્રમાં થયું હતું. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના તથા એનસીપીનું જોડાણ છતાં કોઇ પ્રભાવ પડ્યો નહતો. વિપરીતપણે મોટું નુકશાન ગયું હતું. અજીત પવારની એનસીપી માત્ર એક બેઠક જીતી શકી હતી. આ સંજોગોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ એનસીપી સાથેનું જોડાણ તોડી શકે છે.

ભાજપ કે એનસીપી બન્નેમાંથી કોઇ પાર્ટીએ જોડાણ તોડવાનું સતાવાર રીતે જાહેર કર્યું નથી. પરંતુ રાજકીય વર્તુળોમાં તે વિશેની અટકળો શરૂ થઇ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એનસીપી સાથેના ભાજપના જોડાણથી આરએસએસ પણ અંદર ખાને નારાજગી દર્શાવી હતી અને સંઘના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં પણ તેનો ઉલ્લેખ કરાયો હતો.

સૂત્રોએ એમ કહ્યું છે કે એનસીપી સાથેનું જોડાણ તોડી નાખવા ભાજપ નેતાગીરીએ નક્કી કરી લીધું છે કારણ કે એનસીપીના એનડીએમાં આવવાથી સંઘ પણ ખુશ નથી. ભાજપ એનસીપીથી અલગ થઇને શિવસેના સાથે જોડાણ યથાવત રાખીને વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરશે.

ભાજપના સીનીયર નેતાએ કહ્યું કે મહારાષ્ટ્રમાં અજીત પવાર વિરોધી નારા સાથે ભાજપની કેડર તૈયાર કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં તેમના સિંચાઇ-બેંક કૌભાંડને ભાજપે જ ચગાવ્યા હતા અને તેમને જ એનડીએમાં લેવાતા કાર્યકર્તામાં પણ અસંતોષ હતો એટલું જ નહીં તેમની સાથે હાથ મિલાવવા ઉપરાંત તેમને નાયબ મુખ્યમંત્રી બનાવી દેવાયા હતા એટલે કાર્યકરો માટે ‘ઘા ઉપર મીઠુ’ ભભરાવવા જેવો ઘાટ સર્જાયો હતો. સંઘના કાર્યકરો પણ નિષ્ક્રીય થઇ ગયા હતાં.

ચૂંટણી દરમ્યાન ભાજપ-સંઘના કાર્યકરો એનસીપી ઉમેદવારોના પ્રચારમાં જોડાયા નહતા. અનેક સ્થળે સાથે હોવા છતાં ખંતપૂર્વક પ્રવાસ કર્યો નહતો. પરિણામે એનડીએની બેઠકો ઘટી ગઇ હતી. સંઘ કાર્યકર્તા રતન શારદાએ એક લેખમાં એમ લખ્યું છે કે અજીત પવાર સાથેના જોડાણથી ભાજપની ‘બ્રાન્ડ વેલ્યૂ’ ઓછી થઇ છે.

સૂત્રોએ ઉમેર્યું કે વિધાનસભા ચૂંટણી પર અજીત પવાર સાથે લડવાનું યોગ્ય હશે કે કેમ તે વિશે ભાજપ નેતાગીરી વ્યાપક મંથન કરી રહ્યું છે. તૂર્તમાં જોડાણ તોડવાનો નિર્ણય શક્ય છે.

► લોકસભામાં પરાજીત અજીત પવારના પત્નીએ રાજ્યસભા માટે ફોર્મ ભર્યું
              ભાજપ-શિવસેનાના કોઇ નેતા હાજર ન રહ્યા
મહારાષ્ટ્રમાં ભાજપ અજીત પવારની એનસીપીનો સાથ છોડવાની તૈયારીમાં હોવાની ચર્ચા વચ્ચે અજીત પવારે રાજ્યસભાની ચૂંટણી માટે તેમના પત્ની સુનેત્રા પવારનું ઉમેદવારીપત્ર ભરી લીધું હતું. જો કે, આ વખતે ભાજપ કે શિવસેના એમ બન્નેમાંથી કોઇ પક્ષના નેતા હાજર રહ્યા નહતા.

લોકસભા ચૂંટણીમાં સુનેત્રા પવારની હાર થઇ હતી. તેઓ બારામતીથી લડ્યા હતા તેઓએ કહ્યું કે મહાયુતિ સાથે ચર્ચા બાદ જ ઉમેદવારી નક્કી થઇ હતી. રાજ્યસભામાં ઉમેદવારી સામે કોઇ પક્ષને વાંધો નહતો. ફોર્મ ભરતી વેળાએ છગન ભુજબળ હાજર હતા. લોકલાગણીને કારણે ઉમેદવારી નોંધાવી છે.
 
► બિહારમાં ‘ખેલ’! ઉપેન્દ્ર કુશવાહા એનડીએ સાથે છેડો ફાડવાના મૂડમાં
પટણા, તા.13
લોકસભા ચૂંટણીમાં બિહારની કારાકટ બેઠક પરથી પરાજીત થયેલા એનડીએના સીનીયર નેતા ઉપેન્દ્ર કુશવાહા હવે છેડો ફાડવાના મૂડમાં છે. બિહારના સીનીયર અને શક્તિશાળી ગણાતા કુશવાહાએ પરાજય બાદ એવું ગર્ભિત વિધાન કર્યું જ હતું કે પોતે હાર્યા નથી પરંતુ હરાવવાનું ષડયંત્ર રચાયું હતું. જો કે, તેઓએ કોઇનું નામ આપ્યું ન હતું. હવે તેઓએ એનડીએ સાથે છેડો ફાડવાનો મૂડ બનાવ્યો હોય તેમ લાલુપ્રસાદ યાદવના જન્મદિને ખાસ સંદેશ પાઠવ્યો હતો. શુભેચ્છા સંદેશના શબ્દોથી બિહારમાં રાજકીય હલચલ છે અને તેઓ એનડીએ સાથે છેડો ફાડશે તેવી અટકળો શરૂ થઇ છે. ચૂંટણી પ્રચારમાં તેઓએ લાલુપ્રસાદ પર બેફામ પ્રહારો કર્યા હતા પરંતુ હવે વલણ બદલાયું હોવાનું કહેવાય છે.
 
 

 

 

 

 

 

Print