www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામનગરના ગુલાબનગર રોડ ઉપર બબાલ: ઇનોવા અને રેસ્ટોરન્ટમાં તોડફોડ


કાર ચાલક યુવકને ફોન કરી કાર હટાવી લેવાનું કહી રેસ્ટોરન્ટ સંચાલકે ગાળાગાળી કરી અને સંચાલકના ભત્રીજાએ તલવાર ઝીંકી કારના કાચ તોડ્યા: આ ઘટનાના થોડા સમય બાદ રાત્રે રેસ્ટોરન્ટ પરિસરમાં તોડફોડની ઘટના

સાંજ સમાચાર

જામનગર તા.22: જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ગઇ સાંજે ઇનોવા કાર ઉપર તલવારથી તોડફોડ થયાની ઘટના બાદ આજ વિસ્તારમાં આવેલ એક રેસ્ટોરન્ટમાં તોફડોડ કરાયાની ઘટના બનતા આ વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે. આ બન્ને બનાવ વચ્ચે ચોક્કસ કડી હોવાનું અને જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બબાલ થયાનું પણ જાણવા મળે છે.

આ પ્રકરણની પ્રાપ્ત વિગત અનુસાર જામનગરમાં ગુલાબનગર રોડ ઉપર આવેલ સેવન સિઝન સર્વિસ સ્ટેશનની સામે રોડ પર જીજે-10-ટીવાય-5655 નંબરની ટોયોટા કંપનીની ઇનોવા કાર ગઇકાલે સાંજે છ વાગ્યા આસપાસ પડી હતી ત્યારે અમુક શખ્સોએ તલવારથી કાર ઉપર ઘા કરી તોડફોડ કરી હતી. આ બનાવને પગલે લોકોમાં નાશભાગ મચી ગઇ હતી.

ઉપરોક્ત ઘટના અંગે ગુલાબનગરના નારાયણનગર શેરી નં.1માં રહેતાં અને ડ્રાઇવીંગનો ધંધો કરતાં સંજય રામભાઇ આહીર નામના યુવાને ગઇ રાત્રે સિટી બી ડિવિજન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જાહેર કર્યા અનુસાર તેણે પોતાની કાર આ સ્થળે પાર્ક કરી હોય, બનારસી ઢોસાના નામે ધંધો કરતાં મહેન્દ્રસિંહ જાડેજાએ તેને ફોન કરેલ કે, તારી કાર મારી બન્ને રેંકડી રાખવામાં નડે છે.

આથી ફરિયાદી સ્થળ પર ગયેલ અને મહેન્દ્રસિંહ જાડેજાને કહેલ કે તમે અહીં બન્ને રેંકડી રાખશો તો મારે મારી ગાડી ક્યાં પાર્ક કરવી? આમ કહેતાં મહેન્દ્રસિંહ ઉશ્કેરાઇ ગયેલ અને બિભત્સ ગાળો કાઢી હતી. આ દરમિયાન મહેન્દ્રસિંહનો ભત્રીજો ત્યાં હાથમાં તલવાર લઇને આવી ચડેલ અને ઇનોવા કારના પાછળના ભાગે આવેલ કાચમાં તલવાર મારી કાચ તોડી નાંખ્યા હતાં.

બાદમાં ડ્રાઇવર સાઇડના પાછળના દરવાજાના કાચ પણ તોડી નાંખ્યા હતાં. પોલીસે આ ફરિયાદને આધારે મહેન્દ્રસિંહ જાડેજા અને તેના ભત્રીજા સામે ગુન્હો નોંધ્યો હતો. આ ફરિયાદની તપાસ પીએસઆઇ આર.પી.અસારી ચલાવે છે. ઇનોવા કાર તેની ઓફિસ પાસે પાર્ક થયેલી હતી.

ઉપરોક્ત ઘટના બાદ ગઇરાત્રે બનારસી રેસ્ટોરન્ટમાં બઘડાટી બોલી હતી અને રેસ્ટોરન્ટ બહાર પડેલ સામાનમાં તોડફોડ કરાયાની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ બન્ને ઘટના વચ્ચે કડી હોવાનું લોકમુખે ચર્ચાય છે. મોડી રાત સુધી બનારસી રેસ્ટોરન્ટમાં થયેલ તોડફોડ અંગે ફરિયાદ નોંધાવાઇ ન હતી.

Print