www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વડોદરા મનપાએ કશું કર્યુ નથી તો તમે પણ અત્યાર સુધી શું કર્યુ? હાઇકોર્ટનો યુસુફ પઠાણને તીખો સવાલ


જમીન મામલે યુસુફ મુશ્કેલીમાં : આગામી સુનાવણી હવે મંગળવારે

સાંજ સમાચાર

વડોદરા, તા. 22
વડોદરા મનપાની ટીપી સ્કીમ નંબર-22ના ફાઇનલ પ્લોટ નં-90ના પ્લેટ પર ગેરકાયદે કબ્જો કરવાના વિવાદમાં પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી રિટમાં એક તબક્કે તેમના દ્વારા બજાર ભાવે આ જમીન ખરીદવાની તૈયારી દર્શાવાઈ હતી. જો કે, હાઈકોર્ટે ટકોર કરી હતી કે, હવે આ બાબત કોર્પોરેશન પર નિર્ભર છે કે તમને જમીન આપવી કે નહી. હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી મંગળવારે રાખી છે.

ક્રિકેટર યુસુફ પઠાણ તરફથી કરાયેલી રિટમાં તેમના વકીલે અદાલતનું ધ્યાન દોર્યું હતું કે, વડોદરા મનપા તરફથી અપાયેલી નોટિસમાં લખ્યું છે કે, તેમને જે જમીન ફાળવવાની દરખાસ્ત કરી હતી તેને રાજય સરકારે 2014માં નકારી કાઢી હતી. અરજદારને નોટિસ આપ્યા વિના સીધો હુકમ બજાવી ના શકાય. વળી, વડોદરા મનપાએ જે તે વખતે જમીન ફાળવવા 2012માં જે ઠરાવ કર્યો હતો તેની કોપી પણ આપી નથી. 

પઠાણ તરફથી વધુમાં જણાવાયું કે, અરજદાર જમીનની બજાર ભાવની કિંમત ચૂકવવા તૈયાર છે અને બજાર ભાવે આ જમીન ખરીદવા માટે પણ તૈયાર છે. જો કે, હાઈકોર્ટે ટકોર કરી હતી કે, તમને હવે જમીન આપવી કે નહીં તે કોર્પોરેશનની મુનસૂફીની વાત છે. પઠાણે જણાવ્યું કે, વડોદરા મનપાએ એક વખત જમીન ફાળવવાનું નક્કી કર્યુ પછી સરકારમાં જવાની જરૂર ન હતી, તેથી હાઈકોર્ટે સવાલ કર્યો કે, વડોદરા મનપાએ સરકાર પાસે ના જવું જોઈએ તેવું કઈ જોગવાઈમાં છે..? 

પઠાણે વધુમાં જણાવ્યું કે, આ જમીન તેમની પાસે દસ વર્ષથી છે પરંતુ અત્યાર સુધી વડોદરા મનપાએ કશું કર્યું નથી, તેથી હાઈકોર્ટે કહ્યું કે, તો તમે પણ ક્યાં કઈ કર્યું છે..? હાઈકોર્ટે એવી સ્પષ્ટ ટકોર પણ કરી કે, જો અરજદાર જમીન બાબતે પોતાનો હક્ક સિધ્ધ નહી કરે તો અદાલત તેમની અરજી સાંભળવા માંગતી નથી. હાઈકોર્ટે જમીન ફાળવવા અંગેની નીતિ સહિતની સંબંધિત બાબતો રજૂકરવા વડોદરા મનપાને નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી તા. 25મી જૂનના રોજ રાખી હતી.

Print