www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રસોડામાંથી શાકભાજી ગાયબ થવા લાગ્યા : વર્ષમાં 65 ટકા ભાવ વધારો


ભીષણ ગરમી વચ્ચે બટેટા, ટમેટા, ડુંગળી, દાળના ભાવમાં સતત વધારો : ચા - ખાંડ પણ મોંઘા : ગરીબ અને મધ્યમ વર્ગની થાળી ખાલી થવા લાગી

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.22
મોંઘવારીની અસર હવે લોકોના રસોડા સુધી દેખાવા લાગી છે, મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોના ઘરમાંથી  અનેક શાકભાજી ગાયબ થવા લાગ્યા છે. એક વર્ષમાં ડુંગળી, બટેટા સહિતના શાકભાજી અને અનાજના ભાવમાં 65 ટકા સુધીનો વધારો થઇ ગયો છે. 

ભીષણ ગરમી વચ્ચે મોંઘવારી ફરી એક વાર લોકોને હેરાન કરવા લાગે છે. છેલ્લા એક વર્ષમાં જરૂરી વસ્તુના ભાવ 65 ટકા સુધી વધ્યા છે. શાકભાજીના ભાવ તો એટલા વધી ગયા છે કે મોટા ભાગના રસોડામાંથી તેના દર્શન દુર્લભ થવા લાગ્યા છે. ગ્રાહક મંત્રાલયના જણાવ્યા મુજબ ડુંગળી, બટેટા અને ટમેટાના ભાવ સૌથી વધુ વધ્યા છે. આ ઉપરાંત  ચોખા, દાળ અને ખાણીપીણીની અન્ય વસ્તુઓ પણ મોંઘી બની છે. 

સરકારી વેબસાઇટ પર ઉપલબ્ધ આંકડા મુજબ છેલ્લા વર્ષ 21 જુને ચોખાની કિંમત પ્રતિ કિલો રૂા. 40 હતી. જે હવે રૂા. 45 પર પહોંચી છે. મગદાળની કિંમત 109માંથી 10 ટકા વધીને 119 રૂપિયા સુધી પહોંચી છે. મસુર દાળનો ભાવ રૂા. 92માંથી 94, ખાંડનો ભાવ રૂા.43માંથી 45 થયો છે. દૂધ 58ના બદલે 59 રૂપિયા લીટર ઉપર ગયું છે.  જોકે આ દરમ્યાન ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે. 

સિંગતેલના ભાવ લગભગ સ્થિર છે. સરસવનું તેલ 142 રૂપિયામાંથી ઘટીને રૂા. 139 પ્રતિ લીટર, સોયા તેલ  રૂા.132માંથી ઘટીને 124 પ્રતિ લીટર છે. પામોલીન તેલની કિંમત 106માંથી 100 થઇ છે. તો ચાની કિંમત રૂા. 274 પ્રતિ કિલોમાંથી સામાન્ય વધારા સાથે 280 થઇ છે.

જથ્થાબંધ બજારના આંકડા પરથી જાણવા મળે છે કે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ફલાવર પ્રતિ કિલો રૂા.80 પર વેંચવામાં આવે છે. પરવલ પણ રૂા.60ના ભાવે વેંચાય છે. દૂધીનો ભાવ રૂા.60 પ્રતિ કિલો છે. 

ખાદ્ય પદાર્થોના ભાવ વધવાથી જથ્થાબંધ મોંઘવારી ઘટવાની ગતિ પણ ધીમી પડી છે. શુક્રવારે જાહેર એમપીસી  (નીતિ સમિતિ)ની નોંધ મુજબ રીઝર્વ બેંકના ગર્વનર શકિતકાંત દાસે આ મહિનાની શરૂઆતમાં મીટીંગમાં કહ્યું હતું કે મુખ્ય જથ્થાબંધ મોંઘવારી ઘટી રહી છે પણ તેની ગતિ ધીમી છે. ફુગાવામાં ઘટાડાનો છેલ્લો તબકકો ધીમે ધીમે લાંબો થતો જાય છે. છતાં સામાન્ય ચોમાસુ આ ભાવ ઘટાડી શકશે તેવી આશા છે. 

ચોમાસુ હાલ આશા મુજબ આગળ વધે તો ઓગષ્ટમાં શાકભાજીના ભાવ ઘટી શકે છે. જોકે ઓછા પુરવઠાથી દૂધ  અનાજ અને દાળની કિંમતો ખુબ ઉંચી રહેવાની શંકા છે. આગામી સિઝનમાં ઉત્પાદન ઘટવાથી ખાંડની કિંમત પણ વધવાનો ભય છે.

Print