www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગીર સોમનાથ જિલ્લામાં નર્મદાની પાઇપલાઇનમાંથી પાણી ચોરી; કદવાર ગામની સીમમાં જોડાણ ઝડપાયું


જિલ્લા કલેકટરનું સુત્રાપાડા વિસ્તારમાં ચેકીંગ : ગેરકાયદે પાણીનાં જોડાણ કાપી નાખી કડક કાર્યવાહીની સુચના

સાંજ સમાચાર

વેરાવળ, તા. 23
સૂત્રાપાડા તાલુકામાં પીવાનું પાણી ન મળવાની મળેલી ફરિયાદોને પગલે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સવારે અચાનક સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામની સીમમાં પહોંચ્યાં હતાં.

અત્યારે ઉનાળાના આકરી ગરમીને લીધે અને દરિયાકિનારે હોવાના કારણે ગીર સોમનાથ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા ઉદભવતી હોય છે. તેવામાં નર્મદાની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર રીતે લગાવેલા પાણીના કનેક્શન કલેકટરની ઉપસ્થિતિમાં જમીનમાંથી શોધી કાઢવામાં આવ્યાં હતાં અને તેને જીસીબીની મદદથી દૂર કરવામાં આવ્યાં હતાં. 

ઉલ્લેખનીય છે કે, સોનારીયા થી પ્રશ્નાવડા જતી નર્મદાની પાઇપલાઇન વડે જિલ્લાના બાર ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. અમૂક લોકો ગેરકાયદેસર રીતે પાણીના કનેક્શન લગાવીને વચ્ચેથી જ પાણીની ચોરી કરતાં હતાં. જેને પગલે આ લાઈનમાં છેવાડે આવેલા ગામોના ગામના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હતું.

જિલ્લા કલેકટરએ આ અંગે જણાવ્યું હતું કે, લોકોને પીવાના પાણી પૂરતું મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કરીને નર્મદાની પાઇપલાઇન વડે પાણી પૂરું પાડવામાં આવે છે. જ્યારે અમૂક લોકો તેનો ખોટો ઉપયોગ કરતાં ગેરકાયદેસર રીતે આ લાઈનમાં પંચર પાડીને પાણી લે છે, જેના કારણે છેવાડાના ગામોમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી.

કલેકટરે આવી લાઈનો શોધી કાઢીને તાત્કાલિક દૂર કરવા માટે નર્મદા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. જરૂર પડે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પણ તંત્રના અધિકારીઓને માર્ગદર્શિત કર્યાં હતાં.

આ તપાસ દરમિયાન પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર બી.એન.પટેલ, મામલતદાર વી.એસ.પ્રજાપતી,તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ પરમાર સહિતના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિત રહ્યાં હતાં.

 

Print