www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ‘સંપર્ક દિન’ ઉજવાયો

આપણે આપણા યોગમાં આવનારને સત્સંગ અને ભકિતની વાતો કરવી જોઈએ: પૂ.મહંતસ્વામી


સાંજ સમાચાર

રાજકોટ,તા.28
બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુવર્ય પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ સર્વે હરિભક્તોની જીવનનૈયાને આધ્યાત્મિકતાના અને ભક્તિના હલેસાથી સ્થિર કરવા માટે તા. 14 જૂન થી તા. 10 જુલાઈ સુધી 91 વર્ષની જૈફ વયે પણ પ્રત્યક્ષ લાભ આપવા પધાર્યા છે. તેઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં પ્રતિદિન પ્રેરણાત્મક અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. સૌને હૃદયના દ્વારથી મીઠો આવકાર આપતો આજનો વિશેષ દિન ‘સંપર્ક દિન’ઉજવાયો હતો.

આજના દિવસે મંગલ પ્રભાતેપ.પૂ.મહંત સ્વામીમહારાજે સૌ હરિભક્તોને પૂજા દર્શનથી લાભાન્વિત કર્યા હતા. પૂજા દર્શન દરમિયાન રાજકોટના સંગીતજ્ઞ યુવકો અને સંતો દ્વારા સૂર અને તાલ દ્વારા કીર્તનોની પ્રસ્તુતિ થઈ હતી. પ.પૂ.મહંતસ્વામી મહારાજના લાડીલા બાળભક્તોએ સ્વામીબાપાનો રાજીપો મેળવવા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની પ્રસ્તુતિમાં એકબીજાનો અવગુણ ન લેવો અને ભગવાનની પ્રાપ્તિનો વિચાર હંમેશા રાખવો એવી પ્રસ્તુતિ કરી હતી.

પ્રાત:પૂજા બાદ સર્વે હરિભક્તોનેપ.પૂ.મહંત સ્વામી મહારાજે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, ‘ભગવાનની પ્રાપ્તિનો કેફ દરેક સેકંડ રાખવો.કોઈના અભાવ અવગુણ ન લઈએ તો અંતરમાં આનંદના ફુવારા છૂટ્યા કરે.પોતાના અવગુણની સામે જોવું કે મારે ક્યાં ક્યાં ભૂલો થાય છે. કોઈ સાથે વેર ઝેર રાખવું નહીંતો ભગવાન આપણને વાલા થઈ જાય. આવી રીતે રહીએ તો એકાંતિકપણું આવે.’

આજના સંપર્કદિને સભામંચ ભક્તિના અવનવા રંગોથી શોભતું હતું. સાયંસભામાં પૂજનવિધિ બાદ સંસ્થાના વિદ્વાન વક્તા સંત પૂજ્ય વિવેકસાગર સ્વામીએ ગુરુમહિમા અને દર્શનનો મહિમા સમજાવતું પ્રેરણાત્મક પ્રવચન રજૂ કર્યું હતું.ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણથી લઈને આજ સુધીના અનેક ભક્તોના પ્રસંગો પર રસપ્રદ સંવાદ યુવકો દ્વારા રજૂ થયો હતો. 

સભાના અંતે પ.પૂ.મહંતસ્વામીમહારાજે આશીર્વચન આપતા કહ્યું હતું કે, ‘ભગવાનસ્વામિનારાયણઆ પૃથ્વી પર પધાર્યા, અનેક જીવોનું કલ્યાણ કરવાનો સંકલ્પ લઈને પધાર્યા, એ એમની મોટી કૃપા થઈ. હવે આપણે આપણા યોગમાં આવનારને સત્સંગ અને ભક્તિની વાતો કરવી જોઈએ. એક જીવને સત્સંગની વાત કરીએ તો સમગ્ર બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.’અંતભાગમાં સંતો ભક્તોએ આરતી દ્વારા સંપર્ક દિનની પૂર્ણાહુતિ કરી. 

 

Print