www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માત્ર 8 મીમી વરસાદમાં પોપટપરા સહિતના શહેરના નાલા છલકાઇ ગયા

રાજકોટમાં એક સાથે પાંચ ઇંચ વરસાદ ખાબકે ત્યારે શું થશે?


છેક માધાપર ચોકડીનું પાણી પોપટપરા પહોંચે છે : છ દાયકા પહેલા રેલવેએ વોંકળા પર નાલુ બાંધ્યું હતું : હંસરાજનગરનું પાણી આગળથી ડાયવર્ટ કરવાની જરૂર : યોજનાઓ માત્ર કાગળ પર

સાંજ સમાચાર

રાજકોટ, તા.27
રાજકોટ શહેરમાં ગઇકાલ બુધવારે ઝાપટાના રૂપમાં વરસાદ પડયો હતો. જેવું વાતાવરણ જામ્યુ હતું તેવો વરસાદ પડયો ન હતો. પરંતુ પોપટપરા નાલા સહિતના વિસ્તારમાં જે રીતે પાણી ભરાઇ ગયા તે જોતા શહેરમાં એક સાથે પાંચેક ઇંચ વરસાદ પડશે ત્યારે શું થશે તેવો સવાલ દર વર્ષની જેમ ફરી હજારો લોકોના મનમાં ઉઠી રહ્યો છે. આ નાલુ છેક માધાપર ચોકડીથી આવતા વાહન ચાલકોને રેલવે સ્ટેશન સુધી જોડે છે. છતાં આટલા વર્ષોથી સમસ્યાનો કોઇ ઉકેલ આવતો નથી તે પણ વાસ્તવિકતા છે. 

ગઇકાલે રાજકોટ શહેરમાં સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાં માત્ર એક એક મીમી વરસાદ નોંધાયો હતો. તો પશ્ર્ચિમ ઝોનમાં  ભારે ઝાપટાના રૂપમાં 8 મીમી વરસાદ પડયો હતો. પરંતુ પોપટપરા નાલા અને અન્ય કેટલાક નાલા વિસ્તારમાં એટલું પાણી ભરાયું હતું કે જાણે મોસમનો સૌથી વધુ વરસાદ પડી ગયો હોય! પોપટપરા નાલામાં વાહનો બંધ પડવા અને ફસાઇ જવાના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. પરંતુ આસપાસમાં રહેતા લોકોએ દાયકાઓથી આવી ફરિયાદોનો નિકાલ આવતો નથી તેવો રોષ પણ ઠાલવ્યો હતો. 

પોપટપરા નાલુ આમ તો દર વર્ષે વરસાદમાં ઓવરફલો થઇ જાય છે. હવે આ નાલાની હાલત ન સુધરવા અને સમસ્યાનો ઉકેલ ન આવવા પાછળ પણ રેલ્વે અને મનપા તંત્ર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે. જાણકારો કહે છે કે 60 વર્ષ અગાઉ નાલાથી આગળ કોઇ વસાહતો કે રહેણાંક વિસ્તારો ન હતા.

રેલ્વે તંત્રએ જે તે વખતે ટ્રેનને સરળતાથી પસાર કરવા માટે આ નાલુ અને ઉપરથી રેલ્વે ટ્રેકનું નિર્માણ કર્યુ હતું. વાસ્તવમાં પોપટપરા નાલુ જે તે વખતે એક કુદરતી વોંકળો જ હતો. તેને પેક કરીને ટ્રેન પસાર કરવા માટે નાલુ બનાવવામાં આવ્યું હતું. આ બાદના દાયકાઓમાં વધેલા વિસ્તાર અને ડ્રેનેજના પાણીના નિકાલના કારણે નાલુ ચોમાસામાં છલોછલ રહે છે. 

આ નાલામાં છેક 150 ફુટ રોડ તરફ માધાપર ચોકડીથી પસાર થતું પાણી પહોંચે છે. વાસ્તવમાં હંસરાજનગરનું પાણી આ નાલા પહેલા રેલ્વેના પાટા હેઠળથી ડાયવર્ટ કરવામાં આવે તો પ્રશ્ન થોડો હળવો થાય તેમ છે. રેલ્વે સ્ટેશન  તરફથી પણ આવતું પાણી આ નાલામાં જાય છે. આથી બંને તરફથી આવતું પાણી નાલુ છલકાવી દે છે. 

કોર્પોરેશનના બજેટમાં પોપટપરા નાલાની સમસ્યા ઉકેલવા જોગવાઇ રાખવામાં આવે છે. પરંતુ રેલ્વે તંત્ર સાથે સંકલન થતું ન હોય આ યોજના આગળ વધતી નથી. અગાઉ લક્ષ્મીનગર નાલામાં પણ આ જ રીતે સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ જવાની સમસ્યા હતી. અહીં રેલ્વેએ કોર્પો.ના ખર્ચે અંડરબ્રીજ બનાવતા વર્ષો જુનો પ્રશ્ન હળવો થયો છે. આ જ રીતે પોપટપરા નાલાનો પ્રશ્ન પણ કોર્પો. અને રેલ્વે તંત્ર સાથે મળીને ઉકેલે તે જરૂરી છે. આ માટે નવા ચૂંટાયેલા સાંસદ પરસોતમભાઇ સોલંકી અને રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા પણ રસ લઇ શકે છે. 

► શહેરની મધ્યમાં આવેલા અને સૌથી જુના પૈકીના એક પોપટપરા નાલાની હાલત ગઇકાલે એક ઝાપટામાં ખરાબ થઇ ગઇ હતી. આટલા વરસાદમાં નાલુ કયાંથી છલકાઇ ગયું તે કોઇને સમજાતું ન હતું પરંતુ છેક માધાપર ચોકડીથી અહીં  પાણી આવતું હોય ગમે ત્યારે આવી હાલત સર્જાતી રહે છે. 

Print