www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

તને અહીંથી નીકળવાની ના પાડી છતાં કેમ નીકળ્યો? કહી યુવક પર જયરાજ વાળા અને તેના બે પુત્રનો હુમલો


ગાંધીગ્રામ વિસ્તારનો બનાવ: યુવકને દોડાવીને માર માર્યા બાદ આરોપીઓએ તેના માતા-પિતાને પણ છરી અને પાઈપના ઘા ઝીંકયા: ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી

સાંજ સમાચાર

રાજકોટ તા.23
 ગાંધીગ્રામ વિસ્તારમાં એસ કે ચોક પાસેથી નીકળેલા યુવકને તને અહીંથી નીકળવાની ના પાડી છતાં કેમ નીકળ્યો કહીં જયરાજ વાળા અને તેના બે પુત્રો સહિતના શખ્સોએ હુમલો કરી યુવકના માતા પિતાને પણ છરી અને પાઈપના ઘા ઝીંકી દીધા હતા. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી.
 બનાવ અંગે ગાંધીગ્રામ મેઈન રોડ પર એસ.કે. ચોકમાં રહેતા ધ્રુવીતભાઈ જનકભાઈ પરમાર (ઉ.30)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જયરાજ વાળા, મંથન ગોહેલ, દિવ્યરાજ વાળા, હર્ષ વાળા અને એક અજાણ્યા શખ્સનું નામ આપતા ગાંધીગ્રામ પોલીસે આઈપીસી કલમ 323, 324, 504 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તેઓ ડ્રાઈવીંગ કામ કરે છે. ગઈકાલે રાત્રીના 10 વાગ્યાની આસપાસ તેઓ ઘરેથી ઘર પાસેના ગંગેશ્ર્વર મહાદેવ મંદિરની બાજુની ગલીમાં પહોંચેલ ત્યારે જયરાજ વાળા, મંથન ગોહેલ ત્યાં બેસેલ હતા. ત્યારે જયરાજ કહેવા લાગેલ કે તને અહીંયાથી નીકળવાની ના નથી પાડેલ? તેમ કહેતા તેઓએ હું અહીંયા માર્કેટમાં મારા મીત્ર પાસે જાઉં છું તેમ કહેતા જયરાજ ગાળો દેવા લાગેલ અને ઉશ્કેરાઈને ફડાકો ઝીંકી દીધેલ હતો. તેમજ મંથને કાંઠલો પકડી રાખી જયરાજ માર મારવા લાગેલ હતો.

 બાદમાં યુવાન ઘર તરફ ભાગવા લાગેલ તો આરોપીઓ તેને મારવા પાછળ દોડેલ અને જયરાજે તેના દિકરા દિવ્યરાજને ફોન કરી બોલાવેલ હતો. દરમ્યાન યુવાનની માતાએ તેને ઘરમાં પુરી દીધેલ હતો. તેમજ તેમના માતા પિતા ઘર બહાર હતા તે સમયે જયરાજ અને તેનો પુત્ર દિવ્યરાજ અને હર્ષ છરી, પાઈપ જેવા હથીયારો સાથે ધસી આવેલ અને પાઈપનો ઘા કરી બોલવા લાગેલ કે કાલ સવારનો સુરજ જોવા નહીં દઈ અને તારૂ ઘર સળગાવી નાખીશું તેમ ધમકી આપતા યુવકને માતા પિતા તેને રોકવા જતા દિવ્યરાજે છરીનો ઘા યુવકની માતાને ઝીંકી દીધો હતો. તેમજ તેમના પિતાને પણ પાઈપના ઘા ઝીંકી ઢીકાપાટુનો ઢોર માર મારતા તેઓ નીચે પડી ગયા હતા.

બાદમાં 100 નંબરમાં ફોન કરતા બધા આરોપીઓ નાસી છુટયા હતા. બાદમાં તેમના માતા પિતાને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.  વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે અગાઉ તેમને આરોપીને આપેલ રૂા.60 હજાર પરત માંગ્યા હતા. જે રૂપિયા આપી દીધા બાદ તે બાબતનો ખાર રાખી શેરીમાંથી નહીં નીકળવાની ધમકી આપી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી હતી.

Print