www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હીટવેવની સ્થિતિમાં મહિલાઓ પર મૃત્યુનુ જોખમ વધુ: સંશોધન


સાંજ સમાચાર

અમદાવાદ:
રાજ્યભરમાં અત્યારે ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. તેવામાં હિટવેવ શું જીવલેણ હોય છે એ વિચાર પણ કમકમાટી ભર્યો છે. કારણ કે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ સહિતના ઈન્ટરનેશનલ રિસર્ચરે એક સ્ટડી કેસ બહાર પાડ્યો છે. જેમાં તેમના અભ્યાસ પ્રમાણે જ્યારે જ્યારે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ 40 ડિગ્રીને પાર પહોંચી જાય છે ત્યારે ત્યારે દૈનિક મૃત્યુદર જે છે તેમાં પણ 30 ટકાનો વધારો થઈ જાય છે. 

આ કેસ સ્ટડીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેકોર્ડ પર 2002 અને 2018ની વચ્ચે શહેરમાં નોંધાયેલા 6.84 લાખ મૃત્યુનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં યુરોપીયન સંસ્થાના હવામાન ડેટાને તાપમાન સાથે સંબંધિત મૃત્યુને એકઠા કરી અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ શહેરમાં સરેરાશ દૈનિક મૃત્યુદર 1 લાખની વસતિએ 2.19 હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો તે રાજ્યના અન્ય કેટલાક શહેરોની સાથે ગંભીર હિટવેવનો સામનો કરી રહ્યું છે. આ સિઝનનું સૌથી મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ગાંધીનગર, કંડલા, અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ મંગળવારે 45 ડિગ્રી પ્લસ તાપમાન નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગ એ શુક્રવાર સુધી હીટવેવ ચાલુ રહેવાની સંભાવના પણ દર્શાવી છે.

કાળઝાળ ગરમીને લીધે મહિલાઓમાં મોતનું જોખમ વધુ
એલસેવિએર જરનલ અર્બન ક્લાઈમેટના એક ડેટા પ્રમાણે તો કાળઝાળ ગરમીની કોઈ ઈવેન્ટ હોય એમા મૃત્યુદરમાં મહિલાઓની સંખ્યા વધુ જોવા મળે છે. અમદાવાદ શહેરના એક કેસ સ્ટડી પર નજર કરીએ તો 2002-2018 વચ્ચે ગરમીના વધતા જતા પ્રમાણને જોઈએ તો મહિલાઓ પર આની ગંભીર અસર પડે છે, મૃત્યુદર મહિલાઓનો વધુ હોય છે.

અમેરિકા, તાઈવાન, સ્વિડન સહિતના નિષ્ણાંતોએ આના પર રિસર્ચ કર્યું હતું. આ દરમિયાન પ્રોફેસર અય્યરે કહ્યું હતું કે આ અભ્યાસ અત્યારે ગરમીના વધતા જતા પ્રમાણની મહિલાઓ પર કેવી અસર થાય છે એ દર્શાવે છે. આખી દુનિયામાં ગરમીનો પારો વધી જતા શું થાય છે એ જાણવું ઘણુ અઘરું છે. આ તમામ એનાલિસિસને જોઈએ તો પછી જેન્ડર બેઝ ડિવાઈડ પણ કરવામાં આવે છે.

જેમાં મહિલાઓનું મૃત્યુદર પુરુષો કરતા વધારે હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે તાપમાન 40ને પાર જાય છે તો એવરેજ મૃત્યુદરમાં મહિલાઓની મૃત્યુની સંભાવનાની ટકાવારી વધુ જણાઈ રહી છે. પુરુષોની તુલનામાં તેમના પર વધારે અસર થાય છે.

જો વાર્ષિક આંકડાઓ પર નજર કરીએ તો 300થી વધુ લોકો અમદાવાદમાં ગરમીના લીધે મૃત્યુ પામતા હોય છે. એક નિષ્ણાંતે જણાવ્યું કે લોકોને ગરમીના લીધે હૃદય, કિડની પર ગંભીર અસર થતી હોય છે. ઈન્ટરનલ ઓર્ગન ડેમેજ પણ અહીં થતા રહેતા હોય છે. હવે જો આમા વધારો થઈ જાય તો તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. 90 ટકા મૃત્યુદર પર નજર કરીએ તો આ જ કારણ રહેલુ હોય છે.

Print