www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કપડા ધોવા બાબતે યુવાનને પાડોશી સહિતના શખ્સોએ માર માર્યો: સાળાએ છરી ઝીંકી


નાણાવટી ચોક પાસે આરએમસી કવાર્ટરમાં રહેતા યુવાનને કલેકટર ઓફીસ પાસે બોલાવી ચાર શખ્સોએ ખુની હુમલો કર્યો: યુવાનને સારવારમાં ખસેડાયો: પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા

સાંજ સમાચાર

રાજકોટ તા.18
 નાણાવટી ચોક પાસે આરએમસી કવાર્ટરમાં રહેતા યુવાનને કલેકટર ઓફીસ પાસે બોલાવી ચાર શખ્સોએ છરી અને પાઈપથી માર મારી ખુની હુમલો કરતા યુવાનને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.

 બનાવ અંગે નાણાવટી ચોક પાસે આરએમી કવાર્ટરમાં રહેતો વિમલ ઉર્ફે ભાયો સતીષભાઈ અગ્રાવત (ઉ.20)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભરત કોળી, નરેન્દ્ર ચૌહાણ, સમીર મીયાણા અને સુજલ રામાવતનું નામ આપતા પ્ર.નગર પોલીસે આઈપીસી 325, 324 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તે કેટરર્સમાં મજુરીકામ કરે છે.

ગઈકાલે સવારના અગીયારેક વાગ્યાની આસપાસ ઘરે હતો ત્યારે તેની પત્ની ક્રિષ્ના અને બહેન સાથે તેઓની ઉપર રહેતા આરતીબેન અને તેના દિકરા હિમાંશુ સાથે કપડા ધોવા બાબતે બોલાચાલી થઈ હતી. જે વાત આરતીબેને તેને જમાઈ ભરત કોળીને કરતા ભરત કોળીના મીત્ર નરેન્દ્ર ચૌહાણનો ફોન આવેલ અને કહેલ કે તારે મારા મીત્ર ભરત કોળીના સાળા અને સાસુ સાથે ઝઘડો થયેલ છે તે તને મળવા માંગે છે.
 

બાદમાં રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ તેઓના સાળા સુજલનો ફોન આવેલ અને સમાધાન માટે જુની કલેકટર ઓફીસ પાસે બોલાવેલ. બાદમાં તેઓ સમાધાન માટે કલેકટર ઓફીસ પાસે પહોંચેલ ત્યાં હાજર ભરત કોળી કહેવા લાગેલ કે તારે મારા સાસુ અને સાળા સાથે ઝઘડો ન કરવો બાદમાં તે ઉશ્કેરાઈ ગયેલ અને ગાળો આપી લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો. તેમજ નરેન્દ્ર અને સમીરે પણ ઉશ્કેરાઈ જઈ પાઈપના ઘા ઝીંકયા હતા. તેમજ તેમના સાળા સુજલે પણ તેની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હોય તેનો ખાર રાખી છરીના ઘા ઝીંકયા હતા.

બાદમાં આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા. બાદમાં ઈજાગ્રસ્તને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

Print