www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામનગરની હોસ્પિટલમાં ખૂની ખેલ: યુવાનની હત્યા


જૂની અદાવતમાં ચાર શખ્સોએ છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી ઢીમ ઢાળી દેતા સનસનાટી: આરોપીઓને દબોચી લેવા પોલીસ તપાસ

સાંજ સમાચાર

જામનગર તા.13
જામનગરમાં ક્રાઇમની ઘટનાઓનો જાણે કાળો કહેર વર્તી રહ્યો હોય તેમ એક પછી એક ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. જામનગરનાં વીર સાવરકર આવાસમાં થયેલ યુવાનની હત્યા અને જામજોધપુરના શેઠવડાળામાં થયેલ યુવાનની હત્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં વધુ શહેરમાં વધુ એક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે.

શહેરની જીજી હોસ્પીટલમાં જ યુવાનનું ઢીમ ઢાળી દેવાતા સનસનાટી મચી છે. જૂની અદાવતમાં આ હત્યા થયાનું સામે આવ્યું છે. આ બનાવની જાણ થતાની સાથે જ ડીવાયએસપી, સીટી બી પોલીસ મથકના પીઆઈ સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા. જ્યાં સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ ચકચારી ઘટનાની જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર જામનગરની જી.જી.હોસ્પીટલમાં આવેલ ડ્રેસિંગ રૂમ નજીક વધુ એક ખૂની ખેલ ખેલાયો હતો. જામનગર શહેરના શાંતિનગર વિસ્તારમાં રહેતા ધર્મરાજસિંહ સુરુભા ઝાલા નામના યુવાન પર તેમના પાડોશમાં જ રહેતા આરોપી જયદિપસિંહ ચુડાસમા સહિત ચાર શખ્સો છરી વડે તૂટી પડ્યાં હતા. અગાઉના મન દુ:ખનો ખાર રાખી યુવાનને છરીના આડેધડ ઘા ઝીંકતા યુવાનની લોહીલુહાણ હાલત થઈ હતી. 

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર હત્યાના બનાવ અગાઉ જ બંને પક્ષે જૂની અદાવતનો ખાર રાખી અને હુમલો થયો હતો. જેમાં ધર્મરાજસિંહ સુરુભા ઝાલા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને આ ઈજાની સારવાર અર્થે યુવાન જામનગરની જીજી હોસ્પિટલ ખાતે આવ્યો હતો.

આ દરમિયાન આરોપીઓને જાણ થતા તેઓએ અગાઉથી હત્યાનું કાવતરું ઘડી 4 જેટલા શખ્સો ત્યાં ઘસી આવ્યા હતા. જ્યાં જીવલેણ હુમલો કર્યો હતો. જેને જીજી હોસ્પીટલમાં સારવાર મળે તે પહેલા જ યુવાને ઘટનાસ્થળે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવાનની ઘાતકી હત્યાને લઈને શહેરભરમાં હાહાકાર મચી ગયો છે. બીજી બાજુ આ બનાવની જાણ થતા જ ડીવાયએસપી જયવિરસિંહ ઝાલા અને જામનગર સીટી બી ડિવિજન પોલીસ મથકના પીઆઇ પી.પી.ઝા ઊપરાંત પીએસઆઈ

સહિતનો પોલીસ કાફલો તાબડતોબ બનાવ સ્થળે હોસ્પીટલ દોડી ગયો હતો. હુમલાખોરને દબોચી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વધુમાં પોલીસે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી હતી. આ ઊપરાંત સ્થાનિક પોલીસ દ્વારા આરોપીના પગેરું દબાવવા આજુ બાજુના સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Print