www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

AHMEDABAD : ‘ચેસર’ ડોગે નવજાત શીશુને તરછોડનાર માતાને શોધી


અમદાવાદના શીલજમાંથી મળેલા બાળક પાસેથી મળેલા દુપટ્ટા પરથી શ્વાને અપરિણીત યુવતીની ભાળ આપી: ડીએનએ ટેસ્ટ કરાશે

સાંજ સમાચાર

અમદાવાદ,તા.29
અમદાવાદના શીલજમાં નવજાત બાળકને ત્યજી દેવાના કેસમાં ગ્રામ્ય પોલીસે બેલ્જિયમ મેલેનિયસ જાતિના ચેસર નામના ડોગની મદદથી બાળકની માતાનો પતો લગાવ્યો છે.

અપરિણીત યુવતીએ બાળકને જન્મ આપીને ત્યજી દીધું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પોલીસે બાળક અને માતાનો ડીએનએ ટેસ્ટ કરાવીને તપાસ શરૂ કરી છે.

શીલજ નજીક ઝાડી ઝાખરાવાળા અવાવરુ સ્થળે ત્યજી દીધેલી હાલતમાં એક નવજાત બાળક મળી આવ્યું હતું. ચેસર નામનું ડોગ સ્મેલ કરીને ઘટનાસ્થળથી માત્ર 150 મીટરના અંતરે એક મકાન આગળ આવીને ઉભું રહી ગયું હતું.

બોપલ પોલીસની ટીમે મકાનમાં પ્રવેશ કરતા જ પલંગમાં એક યુવતી બીમાર અવસ્થામાં પડી હોય તેવા હચમચાવી દેતા દ્દશ્યો સામે આવ્યા હતા. પોલીસે તપાસ કરતા બાળકને ત્યજી દેનાર આ જ માતા હોવાનું સામે આવ્યું હતું.

પોલીસનું કહેવું છે કે, ઘટના સ્થળે બાળક નજીક એક દુપટ્ટો મળી આવ્યો હતો અને તે દુપટ્ટાની સ્મેલના આધારે શીલજ ગામમાં ચેસર ડોગ સ્મેલ ટ્રેક કરીને પહોચ્યું હતું અને બાળક ત્યજી દેનાર માતા મળી આવી હતી. પોલીસે આ યુવતીની પ્રાથમીક પુછપરછ કરતા તે રાજસ્થાનની છે અને સગીર વયની હોવાની શકયતા છે. આ યુવતી અપરિણીત છે અને તે પ્રેમ સંબંધ દરમિયાન ગર્ભવતી થઈ હોવાથી બાળકને ત્યજી દીધુ હતું.

ગ્રામ્ય પોલીસ હવે આ કેસમાં બાળક તથા માતા પિતાના ડીએનએ ટેસ્ટ કરાવી વધુ તપાસ કરશે.

‘યશોદા’નું સન્માન કરતી પોલીસ
શીલજ ગામમાં અવાવરું જગ્યાએ ઝાડી ઝાખરામાં નવજાત બાળકના રડવાનો અવાજ આવતા ત્યાં લોકો એકઠા થયા હતા. એક પણ વ્યક્તિ આ બાળકને લઈને સારવાર માટે જવા તૈયાર ન હતું. એકતરફ જન્મ આપનાર માતાએ બાળકને જન્મ આપીને તરછોડીને મમતા લજવી હતી.

ત્યાં શીલજમાં રહેતા શ્વેતાબેન પરમારે બાળકની હાલત ખરાબ હોવાથી જીવ બચાવવા પોતાના દુપટ્ટામાં બાળકને લઈને પતિ સાથે હોસ્પિટલમાં ગયા હતા. જયાં બાળકની સારવાર કરાવીને બાળકનો જીવ બચાવ્યો હતો. ગ્રામ્ય પોલીસે યશોદા બનેલી આ શ્વેતાબેન પરમારનું સન્માન કર્યું હતું.

પોલીસમાં ડોગની ભૂમિકા મહત્વની
ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ ડોગની ભૂમિકા ઘણી મહત્વની રહેતી હોય છે. ભૂતકાળમાં અમદાવાદ શહેરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ હોય કે પછી અન્ય મોટા બનાવો હોય તેમાં આરોપીઓ સુધીનું પગેરું મેળવવા માટે પોલીસ ડોગની ખૂબ જ મહત્વની ભૂમિકા રહેલી હોય છે. ઉપરાંત કોઈપણ શરીર સંબંધી ગુના બને ત્યારે પણ પોલીસ ડોગને ઘટનાસ્થળે બોલાવાય છે અને તેના દ્વારા તપાસની દિશા નકકી કરવામાં આવે છે.

Print