www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના ઓનલાઈન ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી પૂર્ણ

ધો-10માં 1.35 લાખ, ધો-12 સા.પ્રમાં 56 હજાર વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપશે


ધો-10માં 3 વિષયમાં નાપાસ અને ધો-12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ પણ પરીક્ષા આપી શકશે

સાંજ સમાચાર

અમદાવાદ : શિક્ષણ બોર્ડ દ્વારા 24 જૂનથી લેવામાં આવનારી ધોરણ-10ની પૂરક પરીક્ષા માટે 1.35 લાખ અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે 56 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે.

આ વખતે ધોરણ-10માં 3 વિષયમાં નાપાસ અને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવામાં આવનાર હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ સાથે પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થતાં બોર્ડ આગામી દિવસોમાં પૂરક પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરશે. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાના પરિણામમાં 3 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ આ વખતે પૂરક પરીક્ષા આપી શકે તેવો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી ધોરણ-10માં એક અથવા બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની જ પૂરક પરીક્ષા લેવાતી હતી, પરંતુ પૂરક પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલા ધરખમ ફેરફારને પગલે આ વખતે 3 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું.

ધોરણ-10માં એક અથવા બે અથવા ત્રણ વિષયમાં નાપાસ કે ગેરહાજર વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે તેમ હોવાથી તેમના માટે 15 મેથી પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 23 મે સુધી વિદ્યાર્થીઓના ફોર્મ બોર્ડ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાંથી ધોરણ-10ના 135837 વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળે છે.

જેથી હવે બોર્ડ દ્વારા આગામી 24 જૂનના રોજથી ધોરણ-10ના નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવશે. જે અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે. આ ઉપરાંત ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં અત્યાર સુધી એક જ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાતી હતી. તેના બદલે આ વખતથી સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવામાં આવનાર છે. જેથી ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે પણ 15 મેથી પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

ધો-10માં લાયક 20 હજારે ફોર્મ ન ભર્યા : 
ધોરણ-10ના પરિણામમાં એક, બે કે ત્રણ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 156708 છે. જે પૈકીના 135837 વિદ્યાર્થીએ પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભર્યા છે. આમ, લાયક ઉમેદવારો પૈકી 20 હજાર કરતા વધુ વિધાર્થીઓએ પૂરક પરીક્ષા માટે ફોર્મ ભર્યા નથી. જોકે, નાપાસ પૈકી નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 76 હજાર કરતા વધુ છે. જેથી નિયમિત વિદ્યાર્થીઓએ તો પૂરક પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે, પરંતુ અગાઉ નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા ન હોવાના પગલે આંકડો ઓછો છે.

પૂરક પરીક્ષા માટે કુલ 2.26 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા : 
શિક્ષણ બોર્ડ દ્વારા 24 જૂનથી ધોરણ-10, ધોરણ-12 સાયન્સ અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા લેવામાં આવનાર છે. આ પૂરક પરીક્ષા માટે રાજ્યના કુલ 2.26 લાખ વિધાર્થીઓ નોંધાયા છે. ધોરણ-10ના 1.35 લાખ, ધોરણ-12 સામાન્ય પ્રવાહના 56 હજાર અને ધોરણ-12 સાયન્સના 34 હજાર કરતા વધુ વિધાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે.

આમ, સમગ્ર રાજ્યના 226725 વિદ્યાર્થીઓ આ વખતે પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર છે. આ વખતે પૂરક પરીક્ષામાં વધુ વિષયોમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પણ પરીક્ષા આપવા દેવાનું નક્કી કરાયા બાદ આંકડો વધ્યો હોવાનું જાણવા મળે છે.

Print