www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રેલ્વે કાયદામાં ટ્રેનની સમયબદ્ધતાની કોઈ ગેરેન્ટી ન હોવાની દલીલ ફગાવાઈ

યાત્રી કૃપયા ધ્યાન દે...ટ્રેન મોડી પડતા 11800 નું વળતર


ગોધરાના 6 સભ્યોના પરિવારે ટ્રેન મોડી પડતા અને છેલ્લી ઘડીએ પ્લેટફોર્મ બદલતા સર્જાયેલી તકલીફને પડકારી હતી: દરેક સભ્યને 11800 નું વળતર અને વધારાના ખર્ચ પેટે રૂા.2000 ચુકવવા ગ્રાહક ફોરમનો આદેશ

સાંજ સમાચાર

વડોદરા,તા.26
રેલવેમાં ટ્રેનો મોડી પડવાની કે છેલ્લી ઘડીએ પ્લેટફોર્મ બદલી જવાના બનાવો નિયમીત બનતાં હોય છે છતાં પ્રવાસીઓ મુંગામોઢે સહન કરી લેતા હોય છે.પરંતુ ગોધરાનાં છ મુસાફરોના ગ્રુપે આ કિસ્સાને પડકારતાં તમામ પ્રવાસીને 11800 નું વળતર આપવાનો આદેશ થયો છે.

ગોધરાના ચાર સીનીયર સીટીઝન સહીત છ પ્રવાસીઓના ગ્રુપે ગત વર્ષની 19 જુલાઈએ નહારલ-ગુન-ઓખા ટ્રેનમાં વારાણસી જવા ટીકીટ બુક કરાવી હતી. પરિમલ પાઠક (ઉ.વ.66), તેમના પત્નિ ભાવના (ઉ.વ.61), કામીની પાઠક (ઉ.વ.55) તથા હની (ઉ.વ.27) ના નામે ટીકીટ બુક થઈ હતી.

19 જુલાઈએ સવારે 10-30 કલાકે ટ્રેનનો સમય થયો તે બપોરે 3 વાગ્યે આવી હતી. એટલુ જ નહિં પ્લેટફોર્મ નંબર 1 ને બદલે બે નંબરના પ્લેટફોર્મ પર આવી હતી.પ્રવાસીઓએ સામાન ઉંચકીને દોડવુ પડયું હતું.આ મુસાફરોના ગ્રુપે સામાન ઉંચકવા કુલી કરવા પડયા હતા. ટ્રેન વારાણસી પણ 10 કલાક મોડી પહોંચી હતી.

રિટર્ન પ્રવાસમાં પણ સમાન ટ્રેનમાં 23 જુલાઈથી ટીકીટ બુક થયેલી હતી. વારાણસીથી પણ આ ટ્રેન 6 કલાક મોડી હોવાનું જાહેર થયુ હતું. પરીણામે પ્રવાસીઓએ હોટેલમાં રોકાણ લંબાવી દીધુ હતું તેઓએ વધુ એક દિવસનું ટોટલ ભથ્થુ ચુકવવુ પડયુ હતું. વારાણસીમાં પણ ટ્રેનનું પ્લેટફોર્મ બદલવામાં આવતા પ્રવાસીઓએ કુલી રાખવો પડયો હતો.

વ્યવસાયે વકીલ એવા પરિમલ પાઠકે રેલવે પ્રવાસમાં થયેલી આ હેરાનગતિ સામે પંચમહાલ જીલ્લા ગ્રાહક પંચમાં કેસ દાખલ કર્યો હતો. પશ્ર્ચિમ રેલવેનાં જનરલ મેનેજર તથા ગોધરાના સ્ટેશન મેનેજરને પક્ષકાર બનાવીને તમામ છ પ્રવાસીને વ્યકિતગત 11800 નું વળતર માંગ્યુ હતું.ઉપરાંત વધારાના હોટેલ ભાડા તથા કુલીનો ખર્ચ માંગ્યો હતો. ગ્રાહક કોર્ટે માનસીક હેરાનગતિ પેટે રૂા.11800 તથા ખર્ચ પેટે 2000 આપવા રેલવેને આદેશ કર્યો હતો.

રેલવે વતી વકીલે એવી દલીલ કરી હતી કે રેલવે ક્રોસીંગ એન્ડ ટેફીક રૂલ્સ હેઠળ ટ્રેનનાં સમયની કોઈ ગેરંટી અપાતી નથી. એટલે ટ્રેન મોડી થાય તો રેલવેની કોઈ જવાબદારી બનતી નથી.

અરજદાર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે ટ્રેન મોડી પડવાને કારણે ફલાઈટ ચુકી જવાના કેસમાં સર્વોચ્ચ અદાલતે પણ અન્ય કિસ્સામાં વળતર મંજુર કર્યું હતું.

ગ્રાહક પંચના વડા જે.પી.ગઢવીએ ચુકાદામાં નોંધ્યુ કે પ્રવાસીઓને રેલવેની દયા પર રાખી ન શકાય.રેલવેના વાંકે પ્રવાસીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડયો હતો તે માનવાને કારણ છે.

Print