www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હોટેલ કે દારૂનું પીઠું...?: યુનિક શોપિંગ સેન્ટરની હોટેલમાંથી દારૂ અને બિયરની 468 બોટલ ઝડપાઇ


હરીશ હોટેલમાંથી બિયરના 10 ટીના પણ મળ્યાં: સંચાલકની ધરપકડ કરતી પોલીસ

સાંજ સમાચાર

જામનગર,તા.25
જામનગરમાં દારૂના દુષણ વચ્ચે જામનગરમાં ડી.કે.વી. રોડ પર યુનિક શોપિંગ સેન્ટરમાંની એક હોટલમાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાતા પોલીસ ચોંકી ઉઠી હતી. જેને લઇને હોટલ સંચાલક દ્વારા સંગ્રહ કરાયેલો 468 બોટલ દારૂ અને 10 નંગ બિયરના ટીન કબજે કરી પોલીસે વેપારીની અટકાયત કરી હતી.

આ અંગેની વિગત અનુસાર જામનગરમાં ડીકેવી રોડ પર યુનિક શોપિંગ સેન્ટરમાં આવેલી એક હોટલના સંચાલક પોતાની હોટલમાં દારૂનો જથ્થો ઉતારીને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે, આ બાતમી મળી હતી.

આથી પોલીસે રેડ પાડી હતી. જ્યાં જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતો અને યુનિક શોપિંગ સેન્ટરમાં હરીશ હોટલ ચલાવતા પ્રદીપ મેઘજીભાઈ ગોહિલની હરીશ હોટલમાંથી 468 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને 10 નંગ બિયરના ટીન વગેરે મળી આવ્યા હતા. 

આથી પોલીસે કુલ 68,050ની માલમતા કબજે કરી છે, અને હોટલ સંચાલક પ્રદીપભાઈ ગોહિલની અટકાયત કરી લઈ તેની સામે દારૂબંધી ભંગ અંગે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે બાતમીના આધારે સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી.ઝા તેમજ સ્ટાફના  રઘુવીરસિંહ પરમાર સહિતની ટીમે દરોડો પાડતા વિસ્તારમાં સોંપો પડી ગયો હતો.

Print