www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હૃદય હુમલા યથાવત : રાજકોટમાં 24 કલાકમાં હાર્ટએટેકથી 6ના મોત


♦ હૃદય રોગના અચાનક આવતા હુમલાના બનાવો નિરંતર વધી રહ્યા છે, નાની વયે પણ હાર્ટ ફેઈલના કિસ્સા ચિંતાજનક

સાંજ સમાચાર

♦ બજાજ કેપિટલના બ્રાંચ મેનેજર 39 વર્ષીય સંદીપ સેદાણીને તેના ઘરે જ હાર્ટએટેક આવી ગયો, મોરબી રોડ પર રહેતા 48 વર્ષીય જેન્તીભાઈ રાતે સુતા પછી સવારે ઉઠ્યા જ નહીં

♦ મેટોડામાં મંદિરેથી પૂજા કરી આવતા પૂજારી, પોપટપરામાં કેન્ડી - આઈસ્ક્રીમના ધંધાર્થી, ઓમનગરના હીરાઘસુ અને મિલપરામાં નિવૃત્ત વૃદ્ધએ દમ તોડ્યો

રાજકોટ, તા.25
રાજકોટમાં 24 કલાકમાં હાર્ટ એટેકથી 6ના મોત થતા ચકચાર મચી ગઇ છે. હૃદય રોગના અચાનક આવતા હુમલાના બનાવો નિરંતર વધી રહ્યા છે, નાની વયે પણ હાર્ટ ફેઈલના કિસ્સા ચિંતા જનક છે. બજાજ કેપિટલના બ્રાંચ મેનેજર 39 વર્ષીય સંદીપ સેદાણીને તેના ઘરે જ હાર્ટ એટેક આવી ગયો હતો. મોરબી રોડ પર રહેતા 48 વર્ષીય જેન્તીભાઈ રાતે સુતા પછી સવારે ઉઠ્યા જ નહીં.

મેટોડામાં મંદિરેથી પૂજા કરી આવતા પૂજારી, પોપટપરામાં કેન્ડી - આઈસ્ક્રીમના ધંધાર્થી, ઓમનગરના હીરાઘસુ અને મિલપરામાં નિવૃત્ત વૃદ્ધએ દમ તોડ્યો હતો.પ્રથમ બનાવમાં ચંદ્રભાણ દાનેવાલા દેવીરામ કુશવાહ(ઉં. વ.55, રહે. પોપટપરા, શેરી નં.15, રાજકોટ, મૂળ આગ્રા, ઉત્તરપ્રદેશ) ગઈકાલે બપોરે 1.15 વાગ્યા આસપાસ ઘરે હતા.

ત્યારે અચાનક બેભાન થઈ જતા તેમને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવારમાં જ તેમનું મોત થયું જતું. પ્રાથમિક તારણમાં હાર્ટ એટેક આવી ગયાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. ચંદ્રભાણ ત્રણ પૈડાં વાળી સાયકલમાં કેન્ડી - આઈસ્ક્રીમ વેચવાનું કામ કરતા. તેઓ 12 વર્ષથી રાજકોટમાં રહે છે. તેમને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે. તેઓ 2 ભાઈ અને 1 બહેનમાં નાના હતા.

પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો.બીજા બનાવની વિગત મુજબ નિરંજનભાઈ બળવંતરાય જોષી (ઉ.વ.71, રહે. મેટોડા જીઆઈડીસી પાસે શિવાલય એપાર્ટમેન્ટ વડવાજડી ગામ) તેઓ ગઈ કાલ રાત્રીના મણીદીપ મંદીરમાં આરતી કરી પોતાનાં ઘરે જતાં હતાં દરમિયાન મેટોડા જીઆઈડીસી ગેટ નં-3 પાસે પહોંચતા અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા.

બાદ તાકિદે 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તેઓ બે ભાઈ અને ત્રણ બહેનમાં સૌથી નાનાં હતાં. તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.ત્રીજા બનાવની વિગત અનુસાર ધનસુખભાઈ કવાભાઈ વાગડીયા (ઉ.વ.50, રહે. ઓમનગર સર્કલ 40 ફૂટ મેઇન રોડ પ્રિય દર્શન-2) તેઓ ગઈ કાલે સાંજના પોતાનાં ઘરે હતાં ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો થતાં 108 મારફત તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે હાર્ટ એટેકથી મોત થયાનું જાહેર કર્યું હતું .

મૃતક હિરા ઘસવાનું કામ કરતા હતા. મૃતક બે ભાઈ અને બે બહેનમાં બીજા નંબરના હતાં. તેમજ તેઓને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરી હતી.વધુ એક બનાવની વિગત મુજબ દીપકભાઈ શાંતિલાલ જેઠવા (ઉ.વ.61, રહે.મિલપરા શેરી નં-26) તેઓ એકલવાયું જીવન જીવતા હતા.

તેઓનું મકાન છેલ્લાં બે દિવસથી બંધ હતું. જેથી પાડોશીઓને શંકા જતાં મકાનમાં ગયા અને વૃદ્ધ બેભાન હાલતમાં પડેલ હોય તેને જગાડવાનો પ્રયાસ કરતા જાગ્યા ન હતાં.પાડોશીએ પોલીસને જાણ કરતાં ભકિતનગર પોલીસ દોડી ગઈ હતી. અને 108 ની ટીમે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેક આવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઉપરાંત જેન્તીભાઈ જાદવભાઈ રાઘવાણી (ઉ.વ.48, રહે. તિરુપતિ સોસાયટી, મોરબી રોડ, પૂનમ હોલ વાળી શેરી) ગત રાત્રે જમીને સુઈ ગયા હતા. સવારે 6.30 વાગ્યે તેમના પરિવારજનો ઉઠાડવા જતા તેઓ ઉઠ્યા નહોતા. જેથી એમ્બ્યુલન્સ મારફત તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમને મૃત જાહેર કરાતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. મૃતકને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે. જેન્તીભાઈ 4 ભાઈમાં વચેટ હતા અને ડ્રાઇવિંગ કરતા હતા.

 

સંદીપ સેદાણીએ તેના ડોકટર મિત્રને કોલ કર્યો, ’ઝડપથી આવ મને છાતીમાં દુ:ખે છે’
રાજકોટ: શહેરની માધાપર ચોકડી નજીક જીહિત પાર્કમાં સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતા અને બજાજ કેપિટલમાં બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા સંદીપભાઈ પ્રવિણભાઈ સેદાણી (ઉ.વ.39) આજે સવારે ઉઠ્યા બાદ સવારે દસેક વાગ્યે તેમને અચાનક ગભરામણ થવા લાગ્યું. સંદીપભાઈએ તુરંત તેમના ડોકટર મિત્ર જે શાપર રહે છે. તેમને ફોન કરી કહ્યું કે, મને ખુબ જ મુંજારો થાય છે. તું આવ.

જેથી ડોકટર મિત્ર તુરંત પોતાના વાહનમાં સંદીપભાઈના ઘરે આવવા નીકળે છે. ડોકટર મિત્ર મવડી ચોકડી પહોંચે ત્યાં સંદીપભાઈનો ફરી ફોન આવે છે કે, હવે તે ઘરે એસી ચાલુ કરી આરામ કરે છે. હવે સારું છે એટલે ધક્કો ન ખાય તો ચાલશે. ડોક્ટર મિત્ર પરત શાપર જવા નીકળે છે.

ગોંડલ ચોકડી વટી હાઇવે પર પહોંચે છે ત્યાં પાંચ મિનિટમાં પરત સંદીપભાઈનો ફોન આવે છે કે, ઝડપથી આવ મને છાતીમાં ખૂબ જ દુ:ખે છે. ડોક્ટર મિત્ર તુરંત ઘરે પહોંચે ત્યાં સંદીપભાઈને તેના પરિવારના સભ્યો એમ્બ્યુલન્સમાં લઇ જતા જોવા મળે છે.

સીનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાંના તબીબોએ જણાવ્યું કે, સંદીપભાઈને મેજર હાર્ટ એટેક આવી ગયેલ છે. ત્યાંથી સંદીપભાઈને સિવિલ હોસ્પિટલમાં રીફર કરાતા અહીં તેમને મૃત ઘોષિત કરવામાં આવે છે.

મૃતક બે ભાઈમાં મોટા હતા. સંદીપભાઈને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી છે. સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. સંદીપભાઈના પિતા પ્રવિણભાઈ જયહિંદ ન્યૂઝ પેપરના ફોટોગ્રાફર છે. બનાવના પગલે હોસ્પિટલ ખાતે પત્રકારો અને પ્રેસ ફોટોગ્રાફરો પણ દોડી આવ્યા હતા.

Print