www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

90’ દાયકાની બોલિવૂડની હીરોઇનોને બીજી ઇનીંગમાં એક્ટિંગ કરવાનો મોકો મળ્યો!


મનીષા કોઇરાલા, શિલ્પા શેટ્ટી, સુસ્મિતા સેન જેવી હીરોઇનો તેમના જમાનામાં ગ્લેમર ગર્લ રહી હતી, આજે આ હીરોઇનો ‘હીરામંડી’, ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’, ‘આર્યા’ જેવી વેબસીરીઝમાં પોતાનો સિક્કો પાડી રહી છે

સાંજ સમાચાર

મુંબઇ, તા.23

જાણીતા બોલીવૂડ એક્ટર સ્વ. ઋષિ કપૂર હંમેશા કહેતા હતા કે તેમને તેની એક્ટિંગ ટેલેન્ટ દેખાડવાનો મોકો ખરેખર તો બીજી ઇનીંગમાં મળ્યો હતો તે કહેતા પહેલી ઇનીંગમાં તો બસ, હું સ્વેટર પહેરીને નાચતો-ગાતો રહી ગયો. કારણ કે ત્યારે મેકર્સે મને ના તો સિરિયસલી લીધો કે ના તો સારા રોલ આપ્યા. આ વાત 90ના દાયકાની મોટા ભાગની હીરોઇનને પણ લાગુ પડે છે. મનીષા કોઇરાલા સોનાલી બેન્દ્રે, શિલ્પા શેટ્ટી, સુસ્મિતા સેન જેવી નાયિકાઓને વધુ લાગુ પડે છે, જે ત્યારે પોતાના ગ્લેમરને લઇને વધુ જાણીતી હતી પણ હાલ બીજી ઇનીંગમાં તે મજબૂત રોલ કરીને પોતાના અભિનયનો દમ દેખાડી રહી છે.

હાલ ‘હીરામંડી’ વેબ સીરીઝમાં સૌનું ધ્યાન ખેંચનાર મનીષા કોઇરાલા કહે છે, મેં ક્યારેય વિચાર્યુ નહોતું કે કેન્સર સાથે જંગ અને 50ની વય વટાવ્યા પછી મારી જિંદગીમાં આ સુંદર દોટ આવશે. એક 53 વર્ષની એક્ટરને આટલો હાઇ પ્રોફાઇલ વેબ સીરીઝ માટે આટલો મહત્વનો રોલ મળવો ખરેખર મહત્વનો માઇલસ્ટોન છે. હું ખૂબ જ ખુશ છું કે ઓટીટી પ્લેટફોર્મ અને ઓડિયન્સના વિચારમાં પરિવર્તનને લઇને આખરે ફિમેલ એક્ટર્સ, ટેકનિશિયન અને અન્ય પ્રોફેશ્નલ લોકોને ઘણા સમય બાદ પોતાનો હક, સારુ કામ અને સન્માન મળવા લાગ્યું છે.

મનીષાએ તેની યુવાવસ્થામાં ‘બોમ્બે’, ‘ખામોશી’, ‘અગ્નિસાક્ષી’ જેવી જરા હટકે ફિલ્મોમાં કામ કરેલું છે.એ જમાનામાં સુસ્મિતા સેન, સોનાલી બેન્દ્ર, શિલ્પા શેટ્ટી જેવી અનેક હીરોઇનો હતી ત્યારે મેકર્સ તેમની સુંદરતાથી આગળ કંઇ જોઇ શક્યા નહોતા. આજે સુસ્મિતા સેનને ‘આર્યા’ અને ‘તાલી’ જેવી વેબ સીરીઝમાં પોતાની અંદર રહેલા કલાકારને દેખાડવાની તક મળી છે. તેની અભિનય ક્ષમતાને ઓળખવામાં મેકર્સ ઘણો સમય લઇ લીધો? જવાબમાં હસતા હસતા સુસ્મિતા કહે છે. આ ફરિયાદ ન હોવી જોઇએ. પણ હોઇ તો કોને હોવી જોઇએ? આપણે એ વિચારી શકીએ છીએ કે એમણે કે પૂરી ઇન્ડસ્ટ્રીએ મને એ તક ન આપી કે મારી એક્ટિંગ ક્ષમતાને ઓળખી ન શકી.

તુમ હુશ્ન પરી, તુમ જાને જ્હાંની પ્રસિધ્ધ જાહેરાત કરનારી અને આમિર સાથે ‘સરફરોશ’માં ચમકનાર સોનાલી બેન્દ્રે કહે છે, અમારા જમાનામાં હીરોઇન એક ખાસ વયની રહેતી હતી. મલ્ટી પ્લેક્સ આવ્યા બાદ અલગ અલગ વય માટે રોલ લખાવા લાગ્યા. ઓટીટી આવતા તો આ સીમા પણ તૂટી ગઇ અને દરેકને તક મળવા લાગી. ફિલ્મ ‘સુખી’ અને સીરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં કડક પોલીસ અધિકારીના રોલમાં પ્રશંસા મેળવનારી શિલ્પા શેટ્ટીને પહેલી ઇનીંગમાં મજબૂત રોલ નહોતા મળ્યા, જે બીજી ઇનીંગમાં મળ્યા છે. શિલ્પા શેટ્ટી કહે છે, પહેલા દમદાર રોલ નહોતા મળતા, પણ હવે એવા રોલ મળે છે કે હું ના પાડી શકતી નથી.

 

Print